મહિલા T20 વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકાનો ભારત સામે 6 વિકેટે વિજય

  આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપ 2026 માં ગઇકાલે રમાયેલા ગ્રુપ-એના અત્યંત મહત્વપૂર્ણ મુકાબલામાં IND-W vs SA-W વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. મેન્ચેસ્ટરના ઓલ્ડ…

 

આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપ 2026 માં ગઇકાલે રમાયેલા ગ્રુપ-એના અત્યંત મહત્વપૂર્ણ મુકાબલામાં IND-W vs SA-W વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. મેન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર રમાયેલા આ મેચમાં સાઉથ આફ્રિકાએ શાનદાર વાપસી કરતા ભારતીય મહિલા ટીમને 6 વિકેટે કરારી હાર આપી છે.

મહિલા ટી20 વિશ્વ કપમાં સતત બે મેચ જીતીને મજબૂત સ્થિતિમાં રહેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો વિજયી રથ આખરે અટકી ગયો છે. સાઉથ આફ્રિકા સામે રમાયેલી આ મેચમાં ટીમ ઇન્ડિયાને પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો છે. ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ મોટો સ્કોર બનાવવામાં બેટિંગ લાઇન-અપ નિષ્ફળ રહી હતી. સાઉથ આફ્રિકાની ટીમે 19.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 161 રન બનાવી મેચ આસાનીથી જીતી લીધી હતી. આ જીત સાથે પ્રોટિયાઝ ટીમે સેમીફાઇનલની રેસ વધુ રસપ્રદ બનાવી દીધી છે.

પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂૂઆત ખરાબ રહી હતી. માત્ર 30 રનના સ્કોર પર ઓપનર શૈફાલી વર્મા 15 બોલમાં 31 રનની આક્રમક ઇનિંગ રમીને આઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ વાઇસ કેપ્ટન સ્મૃતિ મંધાના 17 રન, યાસ્તિકા ભાટિયા 15 રન અને જેમિમા રોડ્રિગ્સ 12 રન બનાવીને ખૂબ જ સસ્તામાં પેવેલિયન ભેગા થયા હતા. ભારતે 83 રનમાં પોતાની 4 મોટી વિકેટો ગુમાવી દીધી હતી. મિડલ ઓર્ડરમાં દીપ્તિ શર્માએ 29 રન અને ઋચા ઘોષે 15 રન બનાવીને સ્કોરને 20 ઓવરમાં 7 વિકેટે 158 રન સુધી પહોંચાડ્યો હતો. સાઉથ આફ્રિકા તરફથી મારીજાન કેપ અને શબનીમ ઇસ્માઇલે 2-2 વિકેટ ઝડપી હતી.

ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર માટે રવિવારનો આ મેચ તેમના ક્રિકેટ કરિયરનો સૌથી મોટો અને ઐતિહાસિક દિવસ હતો. હરમનપ્રીત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 200 ટી20 મેચ રમનારી વિશ્વની એકમાત્ર ખેલાડી બની છે. આ મેચમાં તે ટીમની કેપ્ટનશીપ પણ કરી રહી હતી. જોકે, પોતાની આ યાદગાર મેચને તે મોટી ઇનિંગથી સેલિબ્રેટ કરી શકી નહીં અને 24 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. ટીમની હારને કારણે હરમનપ્રીતનો આ ઐતિહાસિક દિવસ થોડો નિરાશાજનક સાબિત થયો હતો.

159 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની શરૂૂઆત પણ ખરાબ રહી હતી અને 25 રનમાં 2 વિકેટ પડી ગઈ હતી. કેપ્ટન લોરા વોલ્વાર્ડ્ટ 20 રને આઉટ થઈ હતી. પરંતુ ત્યારબાદ સ્ટાર ઓલરાઉન્ડર મારીજાન કેપે મોરચો સંભાળ્યો હતો. કેપે માત્ર 45 બોલમાં 7 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી અણનમ 81 રનની વિસ્ફોટક ઇનિંગ રમીને ભારત પાસેથી મેચ છીનવી લીધી હતી. તાજમીન બ્રિટ્સે પણ 40 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી બોલર શ્રી ચરણીએ સૌથી વધુ 3 વિકેટ ઝડપીને લડત આપી હતી, પરંતુ તે ટીમને જીત અપાવવા માટે પૂરતી ન હતી.