કેટલાક લોકો ભારત માતા કી જય બોલે અને તરત પિચકારી મારે : મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરાનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ નવસારીની મુલાકાત લીધી હતી. અહીં તેમણે નેશનલ હાઇવે ગ્રીડ નજીક ભારતીય જનતા પાર્ટીના દેશના સૌપ્રથમ AI આધારિત…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરાનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ નવસારીની મુલાકાત લીધી હતી. અહીં તેમણે નેશનલ હાઇવે ગ્રીડ નજીક ભારતીય જનતા પાર્ટીના દેશના સૌપ્રથમ AI આધારિત અત્યાધુનિક કાર્યાલય નમો કમલમનું લોકાર્પણ કર્યું હતું. આ ઐતિહાસિક કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર જિલ્લામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કાર્યક્રમ સ્થળે 5000થી વધુ આગેવાનો અને કાર્યકરો પ્રત્યક્ષ રૂૂપે ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે સમગ્ર જિલ્લામાં 4000 સ્ક્રીન મારફતે 1.15 લાખ લોકો આ ક્ષણના સાક્ષી બન્યા હતા.

પોતાના સંબોધનમાં વડાપ્રધાને નવસારીમાં વસતા સૌરાષ્ટ્રના લોકોની પાન-મસાલા અને માવા ખાવાની કુટેવ પર કટાક્ષ કરતા માર્મિક ટકોર કરી હતી. તેમણે કહ્યું કે, અહીં સૌરાષ્ટ્રના ઘણા ભાઈઓ રહે છે, તેમણે નવસારીને માવાની ટેવ આપી છે કે નહીં તે મને ખબર નથી, પરંતુ કેટલાક લોકો ’ભારત માતા કી જય’ બોલે છે અને તરત જ પિચકારી મારે છે. પીએમ મોદીએ કેન્સરના નિષ્ણાત તબીબોની ચિંતાનો ઉલ્લેખ કરતા લોકોને માવા અને તમાકુથી મુક્તિ મેળવવા હાકલ કરી હતી. નોંધનીય છે કે, ગુજરાતમાં તમાકુ, ગુટખા અને માવાના વધુ પડતા સેવનને કારણે મોઢાના અને ગળાના કેન્સરના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. મોઢું ન ખૂલવું (ઘજખઋ) અને લ્યુકોપ્લેકિયા જેવા કેન્સર પૂર્વેના લક્ષણો યુવાનોમાં પણ જોવા મળી રહ્યા છે, ત્યારે વડાપ્રધાનની આ સ્વાસ્થ્યલક્ષી અપીલ અત્યંત સૂચક છે.

દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના પ્રખ્યાત નારા આરામ હરામ હૈને ટાંકીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કર્યું છે કે ભારતીય જનતા પાર્ટી માટે આ માત્ર બોલવાનો સૂત્ર નથી પરંતુ કાર્યશૈલીનો મૂળ આધાર છે. નવસારી ખાતે ભાજપના નવનિર્મિત જિલ્લા કાર્યાલય નમો કમલમનું ઉદ્ઘાટન કરતાં વડાપ્રધાને વિશાળ જનમેદની અને કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે સતત મળતી ચૂંટણી વિજયો અને ઐતિહાસિક જનાદેશ છતાં ભાજપનો નાનામાં નાનો કાર્યકર્તા ક્યારેય સત્તાના નશા કે અહંકારનો શિકાર બન્યો નથી. વડાપ્રધાને જણાવ્યું હતું કે, નવસારી અને ગુજરાતની જનતાએ વર્ષોથી ભાજપ પર અપાર વિશ્વાસ મૂકીને ખોબલે-ખોબલે મત આપ્યા છે અને પાછું વળીને જોયું નથી.

પેઢી દર પેઢી લોકોએ પક્ષને સમર્થન આપ્યું છે. આટલી મોટી સિદ્ધિઓ અને ઐતિહાસિક સફળતાઓ મેળવ્યા પછી કોઈપણ રાજકીય પક્ષના કાર્યકરોને થોડો આરામ કરવાનું મન થાય તે સ્વાભાવિક છે, પરંતુ ભાજપના સંસ્કાર અલગ છે. અહીં પ્રજાના કામો માટે આરામ હરામ હૈનો સિદ્ધાંત ચરિતાર્થ કરવામાં આવે છે. તેમણે પક્ષના નવા કાર્યાલયને માત્ર વહીવટી મથક ન બનાવતાં સામાન્ય નાગરિકોની સમસ્યાઓનું નિરાકરણ લાવતું જનસેવા કેન્દ્ર બનાવવા અને છેવાડાના માનવીને નજીક લાવવા માટે સેવાનો વ્યાપ વધારવા કાર્યકરોને અનુરોધ કર્યો હતો.