ક્રાઇમ

થર્ટી ફર્સ્ટ પહેલાં SOG સક્રિય; બે દી’માં ગાંજા-ડ્રગ્સના 3 કેસ

Published

on

મોરબીથી ગાંજો લઇ રાજકોટ આવેલા રાજસ્થાની શખ્સને પકડ્યો, ભાગી ગયેલો શખ્સ પણ સકંજામાં


શહેરમાં નશાની આદત ધરાવતાં લોકો દારૂૂની સાથે સાથે હવે માદક પદાર્થના નશાના રવાડે પણ ચડયા છે.એસઓજીની ટીમે બે દિવસમાં માદક પદાર્થના ત્રણ કેસ કર્યા છે.પહેલા જ્યુબીલી બાગ પાસેથી દેવીપૂજક શખ્સને ગાંજા સાથે પકડયા પછી તેની સાથેના શખ્સને પણ દબોચ્યો હતો.બીજા દિવસે બપોર બાદ એમડી ડ્રગ્સ સાથે વેરાવળના શખ્સને પકડી લઇ મોડી રાતે રાજકોટ મોરબી હાઇવે પર ગવરીદળ પાસેથી વધુ એક શખ્સને ગાંજા સાથે દબોચ્યો છે. મોરબીમાં લક્ષ્મીનગર કંડલા હાઇવે પર રહેતાં મુળ રાજસ્થાન ભાલીસર ગામના જગદીશ કેસરીમલ બિશ્નોઇ (ઉ.વ.25)ને રૂૂા. 91,430ના 9.143 કિ.ગ્રા. ગાંજા સાથે પકડી લઇ બાઇક જીજે36 સી-6965 અને મોબાઇલ ફોન પણ કબ્જે લીધા છે. તેની સાથેનો રાજસ્થાની સુનિલ ઉર્ફ સોનુ ભાગી ગયો હતો તેને પણ સકંજામાં લઇ વધુ તપાસ માટે કુવાડવા પોલીસને સોંપ્યો છે.


એસઓજીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ઇન્દ્રસિંહ જાડેજા અને હાર્દિકસિંહ પરમારની બાતમી પરથી જગદીશને મોરબીથી ગાંજાનો જથ્થો રાજકોટ શહેરમાં ઘુસાડે એ પહેલા ગવરીદળ પાસેથી પકડી લેવાયો હતો. આ શખ્સના મોબાઇલ ફોનમાં એમડી, દારૂૂના જથ્થા સાથેના ફોટાઓ હોય તેની તપાસમાં ચોંકાવનારી વિગતો ખુલવાની વકી છે. તે અગાઉ રાજકોટ રહી વેલ્ડીંગ કામ કરતો હતો. હાલ મોરબી રહે છે. પોલીસે પકડયો ત્યારે સાથેનો સુનિલ ઉર્ફ સુનો ભાગી ગયો હતો. મોડી રાતે તેને પણ હાથવગો કરી લેવાયો હતો. બંનેની વધુ તપાસ કુવાડવા પોલીસ કરશે.


ઉલ્લેખનિય છે કે,માધાપર ચોકડીથી અયોધ્યા ચોક જવાના રસ્તે શ્રીજી પોઇન્ટ દૂકાન નજીકથી વેરાવળ સોમનાથ ગોવિંદપરામાં રહેતાં અને ડ્રાઇવીંગ કરતાં દિલાવર મહમદભાઇ સુમરા (ઉ.43)ને રૂૂા. 2,10,000ના 21 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે પકડી લેવાયો હતો. તેની પાસેથી સ્વીફટ કાર, રોકડા રૂૂા.1000, મોબાઇલ ફોન મળી 7,21,000નો મુદ્દામલ કબ્જે કરાયો હતો. ગાંધીગ્રામ પોલીસમાં ગુનો દાખલ કરાવી વધુ તપાસ માટે તેને ત્યાં સોંપાયો હતો. પ્રાથમિક પુછતાછમાં દિલાવરે પોતે ઉનાના મુંજાવર પાસેથી આ ડ્રગ્સ લાવ્યાનું અને રાજકોટ પોતાની પરિચીત મહિલાને આપવા આવ્યાનું રટણ કર્યુ હતું.શહેરમાંથી ડ્રગ્સનું દૂષણ ડામવા એસઓજીની ટીમના પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા, પીએસઆઇ આર. જે. કામળીયા, પીએસઆઇ એમ. બી. મજીરાણા, પીએસઆઇ એન. વી. હરિયાણી સહિતે આ કામગીરીઓ કરી હતી. પ્રાથમિક પરિક્ષણ એફએસએલ અધિકારી કે.એમ.તાવીયાએ કર્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version