ગુજરાત
ગોંડલનાં મોવિયામાં સાધુના વેશમાં તસ્કરો ત્રાટકયા, કારમાં આવેલા શખ્સો સામે ગુનો નોંધાયો
ગોંડલ પંથક માં છેલ્લા અઠવાડીયા થી સાધુના વેશમાં સંમોહન દ્વારા તશ્કર ફરી રહ્યો હોવાની વિગતો ચોમેર ચર્ચાઈ રહી છે.ત્યારે આ સાધુની ગેંગ દ્વારા ગોંડલ તાલુકા નાં મોવિયા ગામના ખેડૂતનો સોનાનો ચેઇન અને રોકડ સહિત દોઢ લાખની મત્તા પડાવી લીધા ની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. ગામના આગેવાનોએ તાલુકા પોલીસ ને જાણ કરી વીડિયો વાઇરલ કરી લોકોને જાગૃત રહેવા અપીલ કરી છે. નંબર પ્લેટ વગરની સફેદ કલરની કારમાં આવેલ ડ્રાઇવર અને સાધુ વેશધારી વ્યક્તિની શોધખોળ પોલીસે હાથ ધરી છે. કાર સીસીટીવીમાં કેદ થઈ છે.
સાધુ ગેંગ નો ભોગ બનેલા મોવિયા ગામના વતની કાંતિભાઈ ઘુસાભાઇ ભાલાળા(ઉં વ. 63)એ જણાવ્યું કે, હું 2 નવેમ્બરના રોજ સવારમાં દશેક વાગ્યાની આસપાસ માંડણકુંડલા રોડ ઉપર માંડણઆશ્રમ પાસે કુંડલાવાડી વાડીએ આટો મારવા ગયો હતો. વાડીએથી આટો મારીને સવા અગ્યારેક વાગ્યાની આસપાસ ઘરે આવતા સમયે ગોવિંદનગર બસ સ્ટેન્ડથી શ્રીનાથગઢના દરવાજા પાસે ગોરના મકાન નજીક આશરે 11.30 વાગ્યે પહોંચતા પાછળથી એક સફેદ કલરની ફોરવ્હીલ ગાડીએ હોર્ન મારતા મેં મોટર સાયકલ ઉભું રાખ્યું.કારમાંથી ડ્રાઇવરે બહાર નીકળી મને પૂછ્યું કે કારમાં સાધુ મહંત છે. તેમને સ્નાન કરવા માટે કોઈ જગ્યા જોઈએ છે. આગળ કોઈ જગ્યા છે? તેમ પૂછતાં મેં સદાવ્રત મંદિરની જગ્યા આવેલ છે તેનું સરનામું આપેલ. જોકે ડ્રાઇવરે કહ્યું કે, આ નાગાબાવા છે. તે જગ્યાએ બીજા લોકો હોય, જેથી ત્યાં તેમને અનુકૂળ નહીં રહે. બીજી કોઈ જગ્યા હોય તો કહો.આ દરમિયાન હું બાઈક પર બેસી નીકળતો હતો ત્યાં ડ્રાઇવરે ફરી મને કહ્યું કે, સાધુના દર્શન કરી કંઈક દક્ષિણા આપો.
જેથી કારની પાછળની સીટમાં બેઠેલા સાધુ વેશધારી વ્યક્તિને મેં 20ની નોટ આપી પ્રણામ કર્યા. સાધુએ રૂૂ. 20 ની નોટમાં એક રુદ્રાક્ષનો પારો નાખી મારાં મોઢા પાસે ફેરવ્યો. સાધુએ કહ્યું કે, આ પ્રસાદી છે. તમે તમારી તિજોરીમાં રાખજો.પછી સાધુ એ મને મારી આંગળીમાં પહેરલ વીંટી તથા ચેઇન તથા પાકીટમાંથી જે રૂૂપીયા હતા તે બધુ કાઢવાનું જણાવતા કાઢી આપ્યા હતા. પછી હું જેમ સાધુ કહે તેમ કરતો હતો. દરમિયાન આ લોકો કાર હંકારી ત્યાંથી નીકળી ગયા.
હું કંઈ સમજુ ત્યાં કાર દૂર ચાલી ગઈ હતી. મેં પીછો કર્યો પણ કાર ક્યાંય દેખાઈ નહીં. મેં પછી ગામના આગેવાનોને વાત કરી હતી.આમ કાંતિભાઈ સંમોહન નો ભોગ બન્યા હતા.આ અંગે પોલીસે તપાસ હાથ ધરતા કાર સીસીટીવીમાં કેદ થઈ છે. ઉલ્લેખનીય છેકે, ગુનેગારોની આ જૂની મોડસ ઓપરેન્ડી છે. આગાઉ પણ આ પ્રકારે સંમોહન દ્વારા સાધુ વેશમાં આવી મત્તા પડાવી લીધાના કિસ્સા બન્યા છે.