Site icon Gujarat Mirror

ગોંડલમાં SMCનો દરોડો, 6.37 લાખનો બિયર ઝડપાયો

બિયર ભરેલી કાર સાથે બે શખ્સોની ધરપકડ, સપ્લાયર અને દારૂ મંગાવનાર બુટલેગર સહિત 4નાં નામ ખુલ્યા, રૂા.15.80 લાખનો મુદ્દામાલ કબજે

ગોંડલના મોવીયા બ્રીજ પર 6.37 લાખનો દારૂ ભરેલી કાર સાથે બે શખ્સોને સ્ટેટ મોનીટરીંગ સેલે ઝડપી લઈ રૂા.15 લાખનો મુદ્ધામાલ કબજે કરી તપાસ કરતાં આ દારૂ સપ્લાય કરનાર અને દારૂ મંગાવનાર સહિત ચાર શખ્સોના નામ ખુલ્યા છે. ગોંડલમાં સ્ટેટ મોનીટરીંગ સેલની રેડથી પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.
મળતી વિગતો મુજબ, ઘણા લાંબા સમય બાદ ગોંડલ વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડયો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઈ જે.એચ.સીસોદીયા અને તેની ટીમને મળેલી બાતમીના આધારે ગોંડલના મોવીયા રોડ પર પાંજરાપોળ પાસે ઓવરબ્રીજ ઉપર એક ક્રેટા કારમાં દારૂ લઈને બે શખ્સો પસાર થવાના હોવાની બાતમીના આધારે વોચ ગોઠવી દરોડો પાડી ક્રેટા કારમાંથી રૂા.6.37 લાખનો દારૂ બીયરનો જથ્થો મળી આવતાં આ દારૂ અને બીયર સાથે ગોંડલના અવેશ સૌયબ શેખ અને ચોટીલાના ખાટડી ગામના ભગીરથ ગભરૂભાઈ ખાચરની ધરપકડ કરી હતી.

પુછપરછમાં આ દારૂ ભરેલી ક્રેટા ખાટડી ગામના ખોડુભાઈ વલકુભાઈ ગોવાળીયાએ આપી હતી અને બોટાદના રાણપુર ખાતેના ખાંભડા (સાળંગપુર)ના મુન્નાભાઈ અમકુભાઈ ખાચરે આ દારૂનો જથ્થો આપ્યો હતો અને કોટડાસાંગાણીના હડમતાડાના દીગુભા ઉર્ફે દિવ્યરાજસિંહ જાડેજાએ આ જથ્થો મંગાવ્યો હતો. આ મામલે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ક્રેટા કારના માલીક તેમજ દારૂ મંગાવનાર અને દારૂનો જથ્થો સપ્લાય કરનાર સહિતના ચારના નામ ખોલી તેમને વોન્ટેડ જાહેર કર્યા છે.

આ મામલે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે વધુ તપાસ સ્થાનિક પોલીસને આપી છે. સ્ટેટ મોનીટરીંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ તેમની ટીમે ગોંડલમાં દરોડો પાડતાં આ મામલે હવે સ્થાનિક પોલીસ સામે પણ તપાસ કરવામાં આવશે અને આગામી દિવસોમાં સ્થાનિક પોલીસ સામે પગલાં ભરવામાં આવશે તેવું ચર્ચાઈ રહ્યું છે.

Exit mobile version