કચ્છ
કચ્છના ધોરડોમાં છ ખાનગી રિસોર્ટ તોડી પડાયા
આગામી નવેમ્બરથી ધોરડોના શ્વેત રણ પાસે કચ્છના રણોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે તેની વચ્ચે બી.એસ.એફ.ની ચોકી પાસે છ ખાનગી રિસોર્ટના બસ્સો જેટલા તંબૂ તોડી પાડવામાં આવતા આ વખતે ટેન્ડર પ્રક્રિયા બાદ ફરી રણોત્સવની તંબૂનગરીનો મામલો ગરમાયો છે. બે વરસ પહેલાં આપવામાં આવેલી આ ખાનગી રિસોર્ટની પરવાનગી સત્તાપક્ષના જ સંચાલકો હોવા છતાં લાખોના ખર્ચે બનેલું માળખું તોડી પાડવામાં આવતાં નારાજગી ફેલાઈ છે સાથે રણોત્સવ માટે અગાઉથી લઈ લેવામાં આવેલાં બુકિંગ સામે પણ સવાલો ઉભા થયા છે.
ભુજ વિભાગના પ્રાંત અધિકારી ડો.અનિલ જાદવના જણાવ્યા પ્રમાણે ભુજ મામલતદાર ભરત શાહ, ખાવડાના નાયબ મામલતદાર અમિત પરમાર સાથેની પોલીસની ટીમ હાજરીમાં આજે સવારથી બસ્સો જેટલા તંબૂ અને તંબૂ બાંધવા માટે તળીયાની પ્લેટ, બાથરૂૂમની દિવાલો વગેરે ઉપરાંત ક્યાંક પાકા ભૂંગા વગેરે તોડી પાડવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, આ છ રિસોર્ટના સંચાલકોને હંગામી ટેન્ટ સિટી માટે મંજૂરી આપવામાં આવી હતી પરંતુ આ સ્થળે સીમા સુરક્ષા દળની ચોકી આવેલી હોવાથી જે જગ્યા ફાળવાઈ હતી તે નડતરરૂૂપ છે અને હવે આ વખતે રણોત્સવમાં આવતા પ્રવાસીઓને મીઠાના રણમાં લઈ જવા આવવા માટે ડ્રોપ ઓન ડ્રોપ ઓફની બસ વ્યવસ્થા શરૂૂ કરવાની હોવાથી તમામ રિસોર્ટ નડતરરૂૂપ હોવાથી અહીંથી હટી જવા ગયા વરસે જ જણાવાયું હતું અને ગયા વરસથી જ મંજૂરી પણ પૂર્ણ થઈ ગયેલી છે.
રિસોર્ટ ઉપરાંત પણ અન્ય ખાણીપીણીના સ્ટોલ પણ તોડી પાડવામાં આવ્યા છે. ખાવડા પોલીસનો કાફલો સાથે રાખવામાં આવ્યો હોવાનું ભુજના મામલતદાર ભરત શાહે વિગતો આપતાં જણાવ્યું હતું. હોમસ્ટે માટેના આ રિસોર્ટના તંબૂ-ભૂંગાને અન્ય સ્થળે લઈ જવા ગયા વરસથી નોટીસો આપવામાં આવી હતી છતાં સંચાલકો દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં નહીં આવતા આખરે આજે કાર્યવાહી કરવાની ફરજ પડી હતી તેવું જણાવાયું હતું. નવેમ્બરમાં રણ ઉત્સવ શરૂૂ થાય છે ને આ તમામ છ રિસોર્ટના સંચાલકો દ્વારા ઓનલાઈન બુકિંગ પણ લઈ લેવામાં આવતું હતું છતાં એક બાજુ સજાવટની તૈયારીઓ, રાચરચીલું ગોઠવવામાં આવતું હતું તેની વચ્ચે બુલડોઝર ફેરવવામાં આવતાં પ્રવાસીઓ માટેની નિવાસની વ્યવસ્થાનું તમામ ફર્નિચર વગેરે ખુલ્લામાં આવી જતાં લાખોના ખર્ચે સંચાલકોએ વસાવેલી વ્યવસ્થા – ફર્નિચરને નુકસાન પહોંચ્યું હતું. હવે જો પર્યટકોએ બુકિંગ કરાવી લીધું છે એ જ તંબુ તોડી પાડવામાં આવતાં ક્યાં સમાવવા એ સંચાલકો માટે ચિંતાનો વિષય બન્યો છે. ક્યાંક પ્રવાસન વિભાગની ટેન્ટ સિટીના ટેન્ડર ફાળવાયા છે તેઓની ખાનગી રિસોર્ટને હટાવવાની મોટી ચાલ હોવાનું પણ ચર્ચાયું હતું.