કોડીનારના વેલણ ગામે ભારતના ત્રીજા સ્પેસપોર્ટ માટે જમીનનું સ્થળ નિરીક્ષણ

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વેલણ ગામે ભારતના ત્રીજા સ્પેસપોર્ટના પ્રસ્તાવિત વિકાસને લઈને હલચલ તેજ બની છે. રાજ્યના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ…

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વેલણ ગામે ભારતના ત્રીજા સ્પેસપોર્ટના પ્રસ્તાવિત વિકાસને લઈને હલચલ તેજ બની છે. રાજ્યના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમનભાઈ વાજાની ઉપસ્થિતિમાં વેલણ ખાતે પ્રસ્તાવિત સ્થળની મુલાકાત લઈ જમીનનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું.

સૌરાષ્ટ્રના વિસ્તારમાં અવકાશ ક્ષેત્રના વિકાસને નવી દિશા આપવાની દિશામાં હાથ ધરવામાં આવેલી આ મુલાકાત દરમિયાન મંત્રીએ જમીન સંપાદનની સંભવિત કામગીરી, સ્થળનું ટેકનિકલ મૂલ્યાંકન, ભૌગોલિક સ્થાન સહિતના વિવિધ પાસાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. તેમજ સ્પેસપોર્ટના સંભવિત વિકાસ માટે સ્થળની અનુકૂળતા અંગે વિગતો મેળવી હતી.

વેલણ ગામે ભારતના ત્રીજા સ્પેસપોર્ટના પ્રસ્તાવિત વિકાસની દિશામાં હાથ ધરાયેલું આ સ્થળ નિરીક્ષણ કોડીનાર તાલુકા સહિત સમગ્ર ગીર સોમનાથ જિલ્લા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
જોકે, આ પ્રસ્તાવના અમલીકરણ અંગે આગામી સમયમાં સરકારી સ્તરે વધુ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
આ સ્થળ નિરીક્ષણ દરમિયાન પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી, કોડીનાર નગરપાલિકાના ઉપપ્રમુખ શિવાભાઈ સોલંકી, ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.