બોલને બદલે બેટથી તબાહી મચાવી સિરાજે, શ્રીલંકન ટીમે બેટ ચેક કર્યું

મોહમ્મદ સિરાજની ઓળખ અત્યાર સુધી પોતાની ઘાતક બોલિંગથી વિરોધી ટીમોના બેટ્સમેનોને ધ્રૂજાવવા માટે રહી છે. પરંતુ કોલંબોના મેદાન પર કંઈક અલગ જ નજારો જોવા મળ્યો.…

મોહમ્મદ સિરાજની ઓળખ અત્યાર સુધી પોતાની ઘાતક બોલિંગથી વિરોધી ટીમોના બેટ્સમેનોને ધ્રૂજાવવા માટે રહી છે. પરંતુ કોલંબોના મેદાન પર કંઈક અલગ જ નજારો જોવા મળ્યો. સિરાજે બોલથી નહીં, પરંતુ પોતાના બેટથી તબાહી મચાવીને બધાને ચોંકાવી દીધા. તેની આ વિસ્ફોટક બેટિંગ જોઈને શ્રીલંકા ઇલેવનના ખેલાડીઓ એટલા આશ્ચર્યચકિત થઈ ગયા કે મેચ પૂરી થયા પછી તેમણે મજાકમાં સિરાજનું બેટ ચેક કરવાનું શરૂૂ કરી દીધું હતું.

IND vs SL XI વચ્ચે કોલંબોમાં રમાયેલી વોર્મ-અપ મેચના ત્રીજા અને અંતિમ દિવસે ભારે રોમાંચ જોવા મળ્યો. ભારતને મેચ જીતવા માટે છેલ્લી ઓવરમાં 16 રનની જરૂૂર હતી, અને ત્યારે સિરાજે મેદાનમાં એવી તોફાની બેટિંગ કરી કે જે કોઈએ સપનામાં પણ નહીં વિચારી હોય!

શ્રીલંકા ઇલેવન એ મેચના અંતિમ દિવસે પોતાની ઇનિંગ 200/6 પર ડિક્લેર કરી હતી. પ્રથમ ઇનિંગમાં 6 રન પાછળ રહ્યા બાદ ભારતને જીતવા માટે 207 રનનો ટાર્ગેટ મળ્યો હતો. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ માટે યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલે સદીની શાનદાર ભાગીદારી નોંધાવીને મજબૂત શરૂૂઆત કરી હતી. એક સમયે ભારત સરળતાથી જીત તરફ આગળ વધી રહ્યું હતું, પરંતુ છેલ્લી ક્ષણોમાં મેચ રોમાંચક બની ગઈ. એવું લાગવા માંડ્યું કે મેચ ડ્રોમાં પરિણમશે. મેચની છેલ્લી ઓવર બાકી હતી અને ભારતને જીતવા માટે હજુ પણ 16 રનની જરૂૂર હતી.

શ્રીલંકા તરફથી નુવંથા દિવસની છેલ્લી ઓવર નાખવા આવ્યો. સ્ટ્રાઈક પર રહેલા મોહમ્મદ સિરાજે પહેલા જ બોલે કાઉ કોર્નર પર એક શાનદાર છગ્ગો ફટકારીને પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા. બીજો બોલ ઓફ સ્ટમ્પની બહાર ફુલ લેન્થ હતો, સિરાજે તેને પણ બાઉન્ડ્રીની બહાર મોકલીને સળંગ બીજો છગ્ગો ફટકાર્યો.

હવે ભારત જીતની એકદમ નજીક હતું. ત્રીજા બોલ પર સિરાજે મિડવિકેટ પર ફરી એક કડક છગ્ગો ફટકારીને છગ્ગાની હેટ્રિક પૂરી કરી અને ભારતને 6 વિકેટે વોર્મ-અપ મેચમાં શાનદાર જીત અપાવી દીધી. સિરાજે માત્ર 15 બોલમાં 4 છગ્ગા અને 1 ચોગ્ગાની મદદથી અણનમ 32 રનની વિસ્ફોટક ઇનિંગ રમી. અગાઉ, મેચના બીજા દિવસે ગુર્નુર બ્રારે પણ આવી જ તોફાની ઇનિંગ રમી હતી.