જસદણના ભડલી ગામે ઉધારી બાબતે માથાકૂટમાં દુકાનદારની પત્ની ઉપર હુમલો, હોન્ડામાં તોડફોડ

જસદણ તાલુકાના ભડલી ગામમાં દુકાનના ઉધાર પૈસાની ઉઘરાણીની માથાકૂટમાં દુકાનદારના પત્ની ઉપર ગામના એક શખ્સે હુમલો કર્યો હતો. તેમજ વચમાં પડેલા દુકાનદારના ભાણેજના મોટરસાયકલમાં તોડફોડ…

જસદણ તાલુકાના ભડલી ગામમાં દુકાનના ઉધાર પૈસાની ઉઘરાણીની માથાકૂટમાં દુકાનદારના પત્ની ઉપર ગામના એક શખ્સે હુમલો કર્યો હતો. તેમજ વચમાં પડેલા દુકાનદારના ભાણેજના મોટરસાયકલમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. જસદણ પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, ભડલી ગામના વિંછીયા રોડ પર રહેતા કાજલબેન વિશાલભાઈ ડાભી (ઉં.વ. 22) ના પતિ ગામમાં પાનની દુકાન ચલાવે છે.

અગાઉ ગામના જ સંજયભાઈ રાઘવભાઈ મકવાણા સાથે દુકાને ઉધાર પૈસા બાબતે માથાકૂટ થઈ હતી. સોમવારે સાંજના આશરે સાડા છ વાગ્યાના અરસામાં કાજલબેન પોતાના ઘરની બહાર ઉભા હતા, ત્યારે આરોપી સંજય ત્યાંથી પસાર થયો હતો અને ઉઘરાણી બાબતનો ખાર રાખી બેફામ ગાળો બોલવા લાગ્યો હતો.

કાજલે ગાળો બોલવાની ના પાડી, ત્યારે ઉશ્કેરાયેલા આરોપી સંજય મકવાણાએ પોતાની પાસે રહેલા લોખંડના પાઇપ વડે કાજલબેન પર હુમલો કરી દીધો હતો. હુમલો થતા કાજલે રાડારાડ કરી મૂકી હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થતા કાજલના મામાના દીકરા પ્રકાશભાઈ જાદવ વચ્ચે પડતા, સંજયે તેને પણ ગાળો આપી તેના મોટરસાયકલ પર પાઇપ ફટકારી તોડફોડ કરી હતી.

બનાવને પગલે આસપાસના લોકો એકઠા થઈ જતાં સંજય ત્યાંથી નાસી છૂટ્યો હતો. ઇજાગ્રસ્ત કાજલબેનને તાત્કાલિક સારવાર અર્થે જસદણ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અંગે કાજલબેનની ફરિયાદના આધારે જસદણ પોલીસે આરોપી સંજય રાઘવભાઈ મકવાણા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.