ગુજરાત
હાપામાંથી સાત વર્ષની બાળકીનું અપહરણ થયા બાદ છૂટકારો
પોલીસે ગણતરીના કલાકોમાં શખ્સને ગાંધીનગર રેલ્વે સ્ટેશન પરથી ઝડપી લઈ બાળકીને મુક્ત કરાવી
જામનગર નજીક હાપા વિસ્તારમાંથી સાત વર્ષની એક બાળકીનું અપહરણ થયું હતું, જે બાળકીને ઉઠાવી જનાર શખ્સને ગણતરીના કલાકોમાં જ પંચકોષી એ. ડિવિઝન પોલીસે ગાંધીનગર રેલ્વે સ્ટેશન પાસેથી ઝડપી લીધો હતો, અને બાળકીને મુક્ત કરાવી લીધી હતી. જેથી પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો. આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક હાપા જીઆઇડીસી વિસ્તારમાં રહેતા અને માલધારી તરીકે નો વ્યવસાય કરતા એક ભરવાડ પરિવાર, કે જેઓ મૂળ કલ્યાણપુર તાલુકાના પીંડારા ગામના વતની છે, અને હાલ હાપા વિસ્તારમાં ઢોર ચરાવે છે.
તેઓની સાત વર્ષની પુત્રી જલારામ મંદિર નજીક રમતી હતી, તે દરમિયાન બ્લુ કલરનું પેન્ટ અને કાળા કલરનો શર્ટ પહેરેલો એક શખ્સ તેની પાસે આવ્યો હતો, અને બાળકીને વેફર લઈ દેવાનું કહીને ગઈકાલે સવારે 11.30 વાગ્યાના અરસામાં પોતાની સાથે લઈ ગયો હતો. જે બાળકી લાપત્તા બન્યા બાદ તેના પરિવારજનો શોધવા લાગ્યા હતા, અને તુરતજ પંચકોસી એ. ડિવિઝન પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસ કાફ્લો બાળકીને શોધવામાં જોડાયો હતો.દરમિયાન ગાંધીનગર રેલ્વે સ્ટેશન સુધી તપાસ કર્યા બાદ ચાર કલાકના સમયગાળામાં જ બાળકીનો પત્તો મેળવી લેવાયો હતો.
બાળકીને ઉઠાવી જનાર શખ્સ જામનગર થી રાજકોટ ટ્રેન મારફતે જવા નીકળે તે પહેલાં પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. જેના કબજા માંથી સાત વર્ષની બાળકી ને મુક્ત કરાવી હતી, અને પોલીસે પરિવારજનોને સોંપી દીધી હતી. જેથી પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો. જે બાળકી ની મેડિકલ તપાસણી કરવામાં આવી રહી છે.