ચોટીલા તાલુકાના અકાળા ગામે પત્નીના આડા સંબંધમાં પતિની કરપીણ હત્યાથી સનસનાટી

ચોટીલા તાલુકાના અકાળા ગામે ગત રાત્રિના સમયે એક યુવાનની ઘાતકી હત્યાનો બનાવ બનતા સમગ્ર પંથકમાં ભારે સનસનાટી મચી જવા પામી છે. પત્ની સાથેના આડા સંબંધમાં…

ચોટીલા તાલુકાના અકાળા ગામે ગત રાત્રિના સમયે એક યુવાનની ઘાતકી હત્યાનો બનાવ બનતા સમગ્ર પંથકમાં ભારે સનસનાટી મચી જવા પામી છે. પત્ની સાથેના આડા સંબંધમાં બાધારૂૂપ મનસુખ ને બે શખ્સોએ રસ્તો આંતરી મોતને ઘાટ ઉતારી ફરાર થઈ જતા પોલીસે ગુનો નોંધી હત્યારાઓને ઝડપી લેવા દોડધામ શરૂૂ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, અકાળા ગામના 35 વર્ષીય અરવિંદભાઈ પરાલીયા ગત રાત્રિના સમયે પોતાના મિત્ર દેવકરણભાઈના બાઈક પાછળ બેસીને ગામ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન પૂર્વ આયોજિત કાવતરા મુજબ આરોપી એભલ અને વિપુલે તેઓના વાહનની લાઈટ વડે આંજી દઈ અરવિંદભાઈને નિશાન બનાવ્યા હતા. હુમલાખોરોએ માથાના ભાગે ધોકા કે પાઈપ જેવા હથિયાર વડે પ્રહાર કરી તેમને બાઈક પરથી નીચે પાડી દીધા હતા અને ત્યારબાદ છરીના આડેધડ ઘા ઝીંકી ગંભીર ઈજાઓ પહોંચાડી સ્થળ પર જ મોતને ઘાટ ઉતારી નાસી છૂટ્યા હતા.

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, મૃતક અરવિંદની પત્ની સાથે આરોપી એભલને પ્રેમ સંબંધ (આડા સંબંધ) હતો. આ બાબતે અગાઉ પણ બંને પક્ષો વચ્ચે ઉગ્ર માથાકૂટ થઈ હતી. આ જૂની અદાવતનો ખાર રાખીને આરોપીઓએ રેકી કરી અંધારાનો લાભ લઈ આ કરપીણ હત્યાને અંજામ આપ્યો હોવાનું મનાઈ રહ્યું છે.

બનાવની જાણ થતા જ ચોટીલા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી અકાળા ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલમાં પોલીસે આરોપીઓને ઝડપી લેવા અલગ-અલગ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. યાત્રાધામ ચોટીલા પંથકમાં બનેલી આ જઘન્ય હત્યાની ઘટના હાલ સ્થાનિક સ્તરે ટોક ઓફ ધ ટાઉન બની છે.