પોલીસ પ્રોટેકશન રિન્યુ કરવા માંગણી કરી હતી
ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB ) એ સફળ ટ્રેપ ગોઠવી સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યુરો (SIB)ના સિનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર કેતનભાઇ ગીરીશભાઇ દવેને ₹80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપ્યા હોવાની ઘટના સામે આવી છે. ACB એ ગાંધીનગરના સરગાસણ ચોકડી પાસે છટકું ગોઠવી હતી. મળતી માહિતી મુજબ એક જાગૃત નાગરિકે ACB નો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી કે તેને અગાઉ પોલીસ પ્રોટેક્શન મળેલું છે અને તે પ્રોટેક્શનનું રિન્યુ કરાવવા માટે અરજી કરી હતી.
અરજી પ્રક્રિયા આગળ વધારવા અને તેના માટે પોઝિટિવ અભિપ્રાય મોકલવા બદલ આરોપી અધિકારી કેતન દવેએ રૂૂ.80,000 ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવાની ઇચ્છા રાખતા ન હોવાથી તેમણે સમગ્ર બાબત અંગે ACB અધિકારીઓનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ ACB એ રવિવારે ગાંધીનગરના સરગાસણ ચોકડી પાસે સૌરાષ્ટ્ર ગાંઠિયા રથ સામે રોડ પાસે આરોપીને છટકું ગોઠવી બોલાવ્યા અને ફરિયાદીની ગાડીમાં આરોપી અધિકારી સાથે મુલાકાત ગોઠવવામાં આવી હતી.
આ દરમિયાન ફરિયાદી અને આરોપી વચ્ચે હેતુલક્ષી વાતચીત થઈ હતી અને આરોપીએ ફરિયાદી પાસેથી રૂૂ.80,000 ની લાંચ સ્વીકારી હતી. ACB ની ટીમે પહેલાથી જ છટકાનું આયોજન કરી રાખ્યું હોવાથી આરોપી લાંચ સ્વીકારતાની સાથે જ ટીમે તેને રંગેહાથ ઝડપી લીધો હતો.
ઉલ્લેખનીય છે કે આરોપી પાસેથી લાંચ રૂૂપે અપાયેલા તમામ રૂૂ.80,000 સ્થળ પરથી જ કબ્જે કરવામાં આવ્યા હતા. આ બનાવને પગલે આરોપી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ACB દ્વારા આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે તેમજ આ કેસમાં અન્ય કોઈ સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂૂ કરવામાં આવી છે.

