સુવિખ્યાત યાત્રાધામ દ્વારકામાં આવેલા દ્વારકાધીશ મંદિરની સાથોસાથ તેમના મુખ્ય પટ્ટરાણી રૂક્ષ્મણીજી મંદિર પણ પૌરાણિક મહત્તા ધરાવતું હોય, ભારતના રક્ષિત સ્મારકોમાં તે સમાવિષ્ટ છે. અહીં આવેલા મંદિરમાં અદભૂત શિલ્પ સ્થાપત્ય જોવા મળતું હોવાથી યાત્રાળુઓની સાથોસાથ દર વર્ષે મોટી સંખ્યામાં શિલ્પકલા પ્રેમીઓ પણ આ મંદિરના અનન્ય શિલ્પ સ્થાપત્ય નિહાળી અભિભૂત થતા હોય છે.
કમનસીબે અહીં દરિયાઈ ખારાશવાળા વિસ્તારમાં હોવાના લીધે તેમજ અપૂરતી જાળવણીને લીધે આ મંદિરની કોતરણીમાં કંડારાયેલા શિલ્પ સ્થાપત્યનો ખજાનો પત્થરો ખવાઈ જવાના કારણે જીર્ણ થતો જાય છે. આ અમૂલ્ય ધરોહરની જાળવણી અંગે સબંધિત તંત્ર દ્વારા તાકીદે નક્કર પગલા લેવાય તેવી કલાપ્રેમીઓની માંગ છે.