Site icon Gujarat Mirror

જસદણના ખારચીયા-મોટાદડવામાં સાવજો પહોંચ્યા, ગ્રામજનોમાં ભયનો માહોલ

જસદણ તાલુકાના ખારચિયા અને મોટાદડવા ગામ વચ્ચેના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી સિંહના આંટાફેરા જોવા મળી રહ્યા છે. મોટાદડવા ગામના વાડી વિસ્તાર અને મુખ્ય માર્ગ પર સિંહ ખુલ્લેઆમ ફરતો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, રાત્રિના સમયે અને વહેલી સવારે ખેતરો તથા રસ્તાઓ પાસે સિંહની અવરજવર વધી છે. આના કારણે ખેડૂતોને શિયાળુ પાક માટે પિયતનું પાણી વાળવામાં મુશ્કેલી પડી રહી છે. સિંહના ડરથી કેટલાક ખેડૂતો ખેતરમાં જવાનું ટાળી રહ્યા છે, જેનાથી ખેતીકામ પર અસર થવાની ભીતિ સેવાઈ રહી છે.
સિંહના આંટાફેરાના કેટલાક વીડિયો સ્થાનિક લોકોએ પોતાના મોબાઈલમાં કેદ કર્યા છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ વીડિયોમાં મોટાદડવા વાડી વિસ્તાર અને મુખ્ય માર્ગ પાસે સિંહ સ્પષ્ટપણે ફરતો જોવા મળે છે. સ્થાનિકોના મતે, આ વીડિયો 18 તારીખની રાતનો છે.

ગોંડલના ફોરેસ્ટ અધિકારી ચુડાસમાએ જણાવ્યું કે, થોડા સમય પહેલા કોટડા સાંગાણી વિસ્તારમાં સિંહણના આંટાફેરા હતા, તે જ સિંહણ છેલ્લા પાંચ દિવસથી મોટાદડવા ગામ વિસ્તારમાં ફરી રહી છે.વન વિભાગ દ્વારા સિંહણનું ટ્રેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે. મોટા દડવા ગામ નજીક સિંહની હાજરીથી વાહન ચાલકો અને રાહદારીઓ માટે પણ જોખમ ઊભું થયું છે. સ્થાનિક લોકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરતા, વન વિભાગની ટીમે વિસ્તારમાં નજર રાખવાની કામગીરી શરૂૂ કરી છે. ગ્રામજનોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે અને વન વિભાગ દ્વારા સિંહની હલચલ પર સતત નજર રાખી જરૂૂર પડ્યે યોગ્ય પગલાં લેવાની ખાતરી આપવામાં આવી છે.

 

Exit mobile version