‘ગ્રામ્ય સુરક્ષા કવચ’ યોજના અંતર્ગત 200 PSIની જગ્યા મંજુર

રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા તેમજ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુથી એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય…

રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા તેમજ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુથી એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ’ગ્રામ્ય સુરક્ષા કવચ યોજના’ અંતર્ગત નવી સેવા વર્ષ 2026-27 હેઠળ રાજ્યભરમાં 200 નવી પોલીસ આઉટપોસ્ટની સ્થાપના કરવામાં આવશે. આ નવી આઉટપોસ્ટ્સના અસરકારક સંચાલન માટે પીએસઆઈ સંવર્ગની 200 નવી જગ્યાઓ ઊભી કરવાની મંજૂરી આપવામા આવી છે.ગૃહ વિભાગને કરેલી દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.

આ નવીન પ્રકલ્પ માટે રાજ્ય સરકાર દ્વારા વાર્ષિક અંદાજપત્રમાં રૂૂ. 10.91 કરોડ ની વિશેષ નાણાકીય જોગવાઈ કરવામાં આવી છે. નવી જગ્યામાં બિન-હથિયારી પીએસઆઈ ની જગ્યાઓ માટે પે-મેટ્રિક્સ અનુસાર રૂૂ. 38,600 થી રૂૂ.1,26,500 નું પગાર ધોરણ નક્કી કરવામાં આવ્યું છે. ભરતી પ્રક્રિયા અંગે સ્પષ્ટતા કરતા જણાવવામાં આવ્યું છે કે, આ તમામ 200 જગ્યાઓ પર સરકારના પ્રવર્તમાન નીતિ-નિયમો મુજબ સીધી ભરતી થી આગામી 6 માસના સમયગાળામાં જ પ્રક્રિયા પૂર્ણ કરી નિમણૂકો આપવામાં આવશે. રાજ્યના વિવિધ જિલ્લાઓ અને સંવેદનશીલ વિસ્તારોમાં આઉટ પોસ્ટ્સની જરૂૂરિયાતને ધ્યાને રાખીને જિલ્લાવાર સુઆયોજિત ફાળવણી પણ જાહેર કરવામાં આવી છે.

જેમાં સૌરાષ્ટ્ર અને કચછમાં રાજકોટ ગ્રામ્યમાં 5, સુરેન્દ્રનગરમાં 8, જામનગરમાં 4, જૂનાગઢમાં 2, પોરબંદરમાં 3, ગીર સોમનાથમાં 6, ભાવનગરમાં 6, અમરેલીમાં 12, પશ્ચિમ કચ્છ-ભુજમાં 12, પૂર્વ કચ્છ-ગાંધીધામમાં 6, મોરબીમાં 4 અને વાવ-થરાદમાં 5, મધ્ય અને ઉત્તર ગુજરાતના અમદાવાદ ગ્રામ્યમાં 5, ગાંધીનગરમાં 3, આણંદમાં 4, ખેડા-નડિયાદમાં 5, મહેસાણામાં 6, અરવલ્લીમાં 4, પંચમહાલમાં 5, મહીસાગરમાં 6, દાહોદમાં 9, પાટણમાં 3 અને બનાસકાંઠા-પાલનપુરમાં 6 જગ્યાઓની ફાળવણી કરાઈ છે. જયારે દક્ષિણ ગુજરાતના વડોદરા ગ્રામ્યમાં 5, ભરૂૂચમાં 6, છોટાઉદેપુરમાં 4, નર્મદામાં 1, સુરત ગ્રામ્યમાં 3, વલસાડમાં 6, તાપી-વ્યારામાં 5 અને ડાંગ-આહવામાં 1 આઉટપોસ્ટ મંજૂર કરાઈ છે. વધતા જતા શહેરીકરણને ધ્યાને રાખી પરા અમદાવાદ ક્ષેત્ર માટે 6 અને પરા વડોદરા ક્ષેત્ર માટે 4 આઉટપોસ્ટ મંજૂર કરવામાં આવી છે.