Site icon Gujarat Mirror

ગ્રાન્ટના અભાવે 1 લાખ પોલીસકર્મીના પગાર મોડા

ડિસેમ્બરના પગાર બિલો વિલંબથી મૂકવા ગૃહવિભાગ પાસે મંજૂરી મગાઇ: કોંગ્રેસે સરકારની આર્થિક સ્થિતિ સામે ઉઠાવ્યો સવાલ

ગુજરાત પોલીસના વિવિધ વિભાગોમાં કામ કરતા અંદાજિત 1 લાખ પોલીસ જવાન અને અધિકારીઓના પગાર બિલો ગ્રાન્ટના અભાવે સમયસર ન બનતા આ મહિને પગાર મોડા થાય તેવી શક્યતાઓ છે. કોંગ્રેસે આ મુદ્દાને લઈ રાજ્યની આર્થિક સ્થિતને લઈ સવાલ ઉઠાવ્યો છે.

પોલીસ વિભાગ દ્વારા આ મહિને ગ્રાન્ટના અભાવે નિયત સમયમાં પગાર બિલ ન બની શકતા મોડા રજૂ કરવા માટે મંજૂરી માગવામાં આવી છે. ત્યારે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું હતું કે, રાજ્ય સરકાર સરકારી કાર્યક્રમો પાછળ બેફામ ખર્ચા કરી રહી છે બીજી તરફ રાજ્યની સુરક્ષાની જેમના પર જવાબદારી છે તે પોલીસકર્મીઓના પગાર માટે ગ્રાન્ટનો અભાવ છે. જ્યારે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, પોલીસકર્મીઓનો પગાર સમયસર થાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ બાબતે ગૃહમંત્રી હર્ષ સંઘવીનું ધ્યાન દોરવાની વાત કરી હતી.

ગુજરાત પોલીસ વિભાગની અલગ અલગ કચેરીઓમાં ગ્રાન્ટના અભાવે ડીસેમ્બર 2025ના પગાર બિલ નિયત સમયમાં તિજોરી અને પગાર અધિકારીની કચેરીમાં દાખલ કરી શકાય તેમ ન હોય પગારબિલો તિજોરીમાં વિલંબથી દાખલ કરવા માટે ગૃહ વિભાગના સેકશન ઓફિસર દ્વારા મંજૂરી માગવામાં આવી હતી. જેનો પત્ર સામે આવ્યો છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આ પત્રને લઈ રાજ્યની આર્થિક સ્થિતિને લઈ સવાલ ઉઠાવ્યો છે. તેમમે કહ્યું હતું કે, ગ્રાન્ટના અભાવે ડીસેમ્બર 2025માં પગાર બિલ સમયસર રજૂ ન થતા 1 લાખ પોલીસ કર્મચારી- અધિકારીઓના પગાર સમયસર નહીં થઈ શકે. ગુજરાતની ભાજપ સરકાર એક તરફ સરકારી કાર્યક્રમોમાં બેફામ ખર્ચા કરે છે અને બીજી બાજુ પગાર કરવા માટે ગ્રાન્ટનો અભાવ હોય છે. પોલીસ વિભાગમાં પગાર માટે ગ્રાન્ટનો અભાવ કઈ રીતે આવ્યો, આના માટે જવાબદાર કોણ છે? પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીને જ્યારે આ બાબતે સવાલ કરાયો ત્યારે તેમણે કહ્યું હતું કે, પોલીસ કર્મચારીઓના પગાર સમયસર થાય તે માટે સરકાર કટિબદ્ધ છે. આ બાબત મારા ધ્યાન પર આવતા હું ગૃહમંત્રી હર્ષ સંઘવીનું ધ્યાન દોરીશ.

Exit mobile version