બાંગ્લાદેશમાં શાસકપક્ષના નેતાની હત્યા, સાંસદનું ઘર અને પોલીસ સ્ટેશન સળગાવ્યું

બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાનું વતન ગોપાલગંજ અને આસપાસના વિસ્તારોમાં ગત રાત્રે હિંસા ફરી ફાટી નીકળી હતી. ફરીદપુરમાં બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી)ના એક નેતાની…

બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાનું વતન ગોપાલગંજ અને આસપાસના વિસ્તારોમાં ગત રાત્રે હિંસા ફરી ફાટી નીકળી હતી. ફરીદપુરમાં બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી)ના એક નેતાની હત્યા કરવામાં આવી હતી. સ્થાનિક શાસક પક્ષના નેતાની હત્યાથી વિસ્તારમાં અશાંતિ ફેલાઈ ગઈ હતી. તેમજ ટોળાએ સાંસદનું ઘર અને પોલીસ સ્ટેશનમાં આગ ચાંપી દીધી હતી.

ફરીદપુરના ભાંગા વિસ્તારમાં પોલીસ અને હાલમાં વિખેરાઈ ગયેલા આવામી લીગના સમર્થકો વચ્ચે થયેલી અથડામણમાં બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના સ્થાનિક ખેડૂત પાંખના નેતા રાજુ મોલ્લાનું મોત નીપજ્યું હતું.
તુંગીપારા ઉપ-જિલ્લામાં ઘણા શંકાસ્પદ આવામી લીગ સમર્થકોની ધરપકડ બાદ હિંસા શરૂૂ થઈ અને ઝડપથી સમગ્ર જિલ્લામાં અને પડોશી ફરીદપુરમાં ફેલાઈ ગઈ હતી. એક પોલીસ સ્ટેશન અને એક સાંસદનું ઘર બાળી નાખવામાં આવ્યું હતું. સ્થાનિક બીએનપી ઓફિસ અને અનેક મોટરસાયકલોને પણ આગ ચાંપી દેવામાં આવી હતી. ગોપાલગંજમાં બીએનપી સાંસદ એસએમ જીલાનીના ઘર પર હુમલો કરવામાં આવ્યો હતો અને પરિવારના સભ્યો ભાગી ગયા હતા. અજાણ્યા વ્યક્તિઓએ ઢાકામાં અનેક સ્થળોએ ચાર બસોમાં આગ લગાવી હતી અને બોમ્બ વિસ્ફોટ કર્યા હતા, જોકે કોઈને ઈજા થઈ ન હતી.

ગૃહમંત્રી સલાહુદ્દીન અહેમદે કહ્યું હતું કે હુમલાખોરોની ઓળખ કરવામાં આવશે અને કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ પ્રવક્તા કમરુન મુનીરાએ ફોન પર જણાવ્યું હતું કે, સમગ્ર બાંગ્લાદેશમાં, ખાસ કરીને ઢાકામાં, સુરક્ષા વધારી દેવામાં આવી છે, જ્યાં કાયદા અમલીકરણ એજન્સીઓએ અનેક સ્થળોએ ચેકપોઇન્ટ ગોઠવી છે અને વાહન ચેકિંગ સઘન બનાવી દીધું છે.