રેપર અને પોપ સ્ટાર યો યો હની સિંહના જન્મદિવસના અવસરે તેના ચાહકો ઉત્સાહમાં હતા, પરંતુ દિલ્હીમાં શનિવારે રાત્રે યોજાયેલા કોન્સર્ટમાં જે દ્રશ્યો સર્જાયા તેણે સૌને ચોંકાવી દીધા છે. ’માય ચેપ્ટર – ઈન્ડિયા ટૂર’ના ભવ્ય ઉદઘાટન માટે ઈન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમ ખીચોખીચ ભરાયેલું હતું. હજારોની મેદની હની સિંહના જૂના હિટ ગીતો પર ઝૂમી રહી હતી, ત્યારે અચાનક સ્ટેજની બરાબર સામે જ અંધાધૂંધી ફેલાઈ ગઈ. સિંગર જ્યારે લાઈવ પરફોર્મન્સ આપી રહ્યો હતો, ત્યારે જ કેટલાક પ્રેક્ષકો અને સ્પોન્સર ટીમના સ્ટાફ વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂૂ થઈ, જે જોતજોતામાં લોહિયાળ જંગમાં ફેરવાઈ ગઈ.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે સંગીતના તાલ વચ્ચે લોકો એકબીજા પર લાતો અને મુક્કાઓનો વરસાદ કરી રહ્યા છે. આશ્ચર્યની વાત એ હતી કે સ્ટેજ પર હની સિંહ જાણે આ અંધાધૂંધીથી અજાણ હોય અથવા તેને નજરઅંદાજ કરી રહ્યો હોય તેમ, તેણે પોતાનું ગીત અને ડાન્સ ચાલુ રાખ્યો હતો. સ્ટેજ નીચે ધક્કામુક્કી અને ચીસાચીસના દ્રશ્યો સર્જાયા હતા, જેના કારણે અનેક ચાહકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. મનોરંજન માટે આવેલા લોકો માટે આ કોન્સર્ટ અચાનક કોઈ અખાડા જેવો ભાસવા લાગ્યો હતો. ઝઘડો ઉગ્ર બનતા આયોજકોએ તાત્કાલિક દિલ્હી પોલીસની મદદ લેવી પડી હતી.
પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિને કાબૂમાં લીધી અને હિંસક બનેલા ટોળાને વિખેરી નાખ્યું હતું. સદનસીબે, આ ઘટનામાં કોઈને ગંભીર ઈજા થઈ નથી, પરંતુ સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઉભા થયા છે. હની સિંહનો જન્મદિવસ છે અને સોશિયલ મીડિયા પર તેને શુભેચ્છાઓ મળી રહી છે, પરંતુ સાથે સાથે આ ’લાઈવ ફાઈટ’નો વીડિયો પણ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. સિંગરની આ ટૂરની શરૂૂઆત વિવાદ સાથે થઈ હોવાથી હવે પછીના શો માટે સુરક્ષા વધુ કડક કરવામાં આવે તેવી શક્યતા છે.

