રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના અકોલામાં યોગેન્દ્ર યાદવના ભાષણ દરમિયાન હંગામો, ટોળાએ સ્ટેજ પર ચઢી કર્યો હુમલો

Published

on

સ્વરાજ ઈન્ડિયા પાર્ટીના સંસ્થાપક યોગેન્દ્ર યાદવ પર મહારાષ્ટ્રના અકોલામાં એક કાર્યક્રમ દરમિયાન ટોળાએ હુમલો કર્યો હતો. જ્યારે તેમનું ભાષણ ચાલી રહ્યું હતું ત્યારે 40થી 50 નારાજ લોકો સ્ટેજ પર ચઢી ગયા હતા અને તેમને ધક્કો મારવા લાગ્યા હતા. તમને જણાવી દઈએ કે, ભીમરાવ આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરની પાર્ટી વંચિત બહુજન અઘાડી (VBA)ના કાર્યકરોએ યોગેન્દ્ર યાદવ વિરુદ્ધ મોરચો ખોલ્યો છે.

વાસ્તવમાં યોગેન્દ્ર યાદવ તેમના ભારત જોડો અભિયાન હેઠળ અકોલા પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ એક સભાને સંબોધિત કરી રહ્યા હતા, ત્યારે VBA કાર્યકર્તાઓ ત્યાં પહોંચી ગયા અને હંગામો મચાવી દીધો. થોડી જ વારમાં કાર્યકરો સ્ટેજ પર ચઢી ગયા અને તોડફોડ શરૂ કરી દીધી. આ દરમિયાન વીબીએના કાર્યકરોએ ખુરશીઓ પણ ફેંકી હતી, જેના કારણે કાર્યક્રમમાં હંગામો મચી ગયો હતો.

VBA કાર્યકરોને સ્ટેજ પર ચઢતા અટકાવ્યા
સ્થળ પર હાજર પોલીસ દળ અને યોગેન્દ્ર યાદવના સમર્થકોએ ભારે મુશ્કેલીથી VBA કાર્યકરોને સ્ટેજ પર ચઢતા અટકાવ્યા હતા. પરંતુ આ હંગામાને કારણે યોગેન્દ્ર યાદવે પોતાનું ભાષણ અધવચ્ચે જ રોકવું પડ્યું હતું. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે યોગેન્દ્ર યાદવને બહાર કાઢવા મુશ્કેલ બની ગયા હતા. જોકે, પોલીસકર્મીઓ અને સમર્થકોએ તેમને કોઈક રીતે બહાર કાઢ્યા હતા.

લોકશાહી માટે ચિંતાનો વિષય
હંગામા બાદ યોગેન્દ્ર યાદવે કહ્યું કે અકોલામાં મારા અને મારા સાથીદારો પર હુમલો લોકશાહીમાં વિશ્વાસ રાખનાર વ્યક્તિ માટે ચિંતાનો વિષય છે. તેમણે કહ્યું કે ભારત જોડો અભિયાનના વિદર્ભ પ્રવાસ દરમિયાન અમે ‘સંવિધાનનું રક્ષણ અને આપણો મત’ વિષય પર એક સંમેલન યોજી રહ્યા હતા. દરમિયાન, મને બોલતા અટકાવવા માટે ભીડ સ્ટેજ પર ચઢી ગઈ હતી. તેણે કહ્યું કે સ્થાનિક મિત્રોએ એક વર્તુળ બનાવીને મારું રક્ષણ કર્યું. પોલીસ આવ્યા બાદ પણ બદમાશોએ તોડફોડ ચાલુ રાખી હતી.

ફરીથી અકોલા આવવાનું વચન આપ્યું
યોગેન્દ્ર યાદવે કહ્યું કે છેલ્લા 25 વર્ષમાં તેમણે મહારાષ્ટ્રમાં ઘણી જગ્યાએ પ્રવચનો આપ્યા છે, પરંતુ આવું પહેલા ક્યારેય બન્યું નથી. આ ઘટના મહારાષ્ટ્રની સાથે સાથે બંધારણ અને લોકશાહીમાં માનનારાઓ માટે પણ દુઃખદ છે. પરંતુ આવી ઘટનાઓ લોકશાહીના રક્ષણ માટેના આપણા સમર્પણને વધુ મજબૂત બનાવે છે. યોગેન્દ્ર યાદવે ફરીથી અકોલા આવવાનું વચન આપ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version