લાઇસન્સ વાહન નોંધણી- ફિટનેસ રીન્યુમાં તોતિંગ ફી સામે રિક્ષાચાલકોની હાઇકોર્ટમાં ધા

વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયને ડ્રાઇવિંગ લાઇસન્સ, વાહન નોંધણી અને ફિટનેસ સર્ટિફિકેટના નવીનીકરણમાં વિલંબ માટે વસૂલવામાં આવતા વધારાના શુલ્કને ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યા છે. યુનિયને…

વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયને ડ્રાઇવિંગ લાઇસન્સ, વાહન નોંધણી અને ફિટનેસ સર્ટિફિકેટના નવીનીકરણમાં વિલંબ માટે વસૂલવામાં આવતા વધારાના શુલ્કને ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યા છે. યુનિયને દલીલ કરી છે કે આ વિલંબ શુલ્ક વાસ્તવિક સર્વિસ ખર્ચ કરતાં ઘણા વધારે છે અને તે મોટર વ્હીકલ એક્ટ, 1988ની વિરુદ્ધ છે.

યુનિયન પ્રમુખ બિલાલભાઇ પરમાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે સરકારી નોટિફિકેશન દ્વારા લાગુ કરવામાં આવેલા આ વધારાના શુલ્ક “અત્યંત અન્યાયી, ગેરકાયદેસર અને અતિરેકી” છે. ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને રિજનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટીને 4 અઠવાડિયામાં હલફનામું રજૂ કરવા જણાવ્યું છે. આ મામલાની સુનાવણી 27 જુલાઇ, 2026ના રોજ થવાની સંભાવના છે.

અરજીમાં સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂૂલ્સ, 1989ના રૂૂલ 32 અને 81નો હવાલો આપવામાં આવ્યો છે. જેમાં ડ્રાઇવિંગ લાઇસન્સના વિલંબિત નવીનીકરણ માટે વાર્ષિક ₹1,000 વધારાનો શુલ્ક, વાહન નોંધણીમાં વિલંબ માટે માસિક ₹500 સુધી, ફિટનેસ સર્ટિફિકેટમાં વિલંબ માટે રોજ ₹50 પેનલ્ટી લેવામાં આવે છે.

યુનિયને તર્ક આપ્યો છે કે પરિવહન વિભાગ પાસે આવા વિલંબ શુલ્ક વસૂલવાની કોઈ કાનૂની સત્તા નથી. આ શુલ્ક સર્વિસ-ઓરિએન્ટેડ નહીં પરંતુ દંડ જેવા છે. અરજીમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે “ફી સેવાઓ સાથે સીધી સંકળાયેલી હોય છે અને સેવાના ખર્ચ કરતાં વધુ રકમ વસૂલ કરી શકાય નહીં.” આમ, વિલંબ શુલ્ક વાસ્તવિક ઇશ્યુ ફી અને સર્વિસ ખર્ચ કરતાં ઘણો વધારે છે, જે રિક્ષા ડ્રાઇવરોને અત્યંત ભારે છે.