જૂનાગઢમાં દુષ્કર્મની ઘટનામાં ધર્માંતરણ થયાનો ઘટસ્ફોટ

જૂનાગઢના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગત તા. 28, ઓક્ટોબર ના રોજ મહિલા દ્વારા નોંધાવવામાં આવેલા દુષ્કર્મ અને હુમલાના ગુનામાં તપાસ દરમિયાન ધર્મ પરિવર્તન કરાવ્યાની હકીકત…

જૂનાગઢના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગત તા. 28, ઓક્ટોબર ના રોજ મહિલા દ્વારા નોંધાવવામાં આવેલા દુષ્કર્મ અને હુમલાના ગુનામાં તપાસ દરમિયાન ધર્મ પરિવર્તન કરાવ્યાની હકીકત સામે આવતાં પોલીસ તંત્રમાં ચકચાર મચી છે. સંઘાડીયા બજારમાં આવેલી મોનીસાપીરની દરગાહના મુજાવર અને તેના પુત્ર સામે નોંધાયેલી ફરિયાદમાં ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ-2003ની કલમોનો ઉમેરો કરવામાં આવ્યો છે. ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાએ જઈંઝની રચના કરી વધુ તપાસ જૂનાગઢ શહેર વિભાગના ડીવાયએસપી ને સોંપી છે.

આ અંગેની વિગત મુજબ, ગત તા. 28 ઓક્ટોબરના રોજ એક મહિલાએ એ ડિવિઝન પોલીસ મથકમાં મોનીસાપીરની દરગાહના મુજાવર જાવિદભાઈ કરીમભાઈ શેખ અને તેના પુત્ર વાહિદ જાવિદભાઈ કુરેશી સામે ભારતીય ન્યાય સંહિતા હેઠળ દુષ્કર્મ, મારામારી, જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, મહિલા દરગાહમાં સેવા-પૂજા માટે જતી હોવાથી મુજાવર સાથે ઘર જેવા સંબંધો બંધાયા હતા. આ દરમિયાન મુજાવરના પુત્ર વાહિદે લગ્નની દરખાસ્ત કરતાં મહિલાએ ઇનકાર કર્યો હતો. ત્યારબાદ તેના પર હુમલો કરી છરી વડે હુમલો, બળજબરીથી શારીરિક સંબંધ બાંધવા તેમજ મહિલાની જાણ બહાર નગ્ન ફોટા અને વીડિયો ઉતારી તેને સગા-સંબંધીઓને મોકલી આપવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો હતો. આ બાબતે મુજાવરને જાણ કરતાં તેણે પણ જાનથી મારી નાખવાની ધમકી આપી બંનેએ એકબીજાની મદદગારી કરી હોવાનો આક્ષેપ છે.

આ ગુનાની તપાસ દરમિયાન ભોગ બનનાર મહિલાનું નામદાર કોર્ટમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 183 હેઠળ નિવેદન લેવામાં આવ્યું હતું. જેમાં મહિલાએ આરોપીઓ દ્વારા પોતાનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું હોવાની હકીકત જણાવી હતી. ત્યારબાદ પોલીસે મહિલાનું વિશેષ નિવેદન નોંધતાં મુજાવર જાવિદભાઈએ મહિલાની એકલતા અને બીમારીનો લાભ લઈ પોતે તેની દીકરી સમાન હોવાનું કહી ઇસ્લામ ધર્મ સ્વીકારવાથી બીમારી અને દુ:ખ દૂર થઈ જશે તેવી વાતો કરી લાલચ અને પ્રલોભનો આપીને હિન્દુ ધર્મમાંથી ઇસ્લામ ધર્મમાં ધર્મ પરિવર્તન કરાવ્યું હોવાની હકીકત સામે આવી હતી.

પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી મહિલાના ઘરમાં પંચનામું કરતાં ઇસ્લામ ધર્મ સાથે સંકળાયેલી લીલા રંગના ઘોડાની પ્રતિકૃતિ, દરગાહના ફોટા, નમાજ પઢવા માટેની કલમાની પુસ્તિકા, બુરખો તથા નમાજ પઢવાનું આસન સહિતની વસ્તુઓ કબજે કરી હતી. આ ઉપરાંત મહિલાને અલગ અલગ દરગાહમાં લઈ જઈ સલામી કરાવવામાં આવી હોવાના ફોટા અને વીડિયો પણ કબજે કરવામાં આવ્યા હતા.

આ સમગ્ર હકીકતોના આધારે પોલીસે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ-2003,ની કલમ 4(1) તથા સુધારા મુજબની કલમ 4(2)નો ઉમેરો કરવા કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો હતો, જેને કોર્ટે માન્ય રાખ્યો હતો. આ ગુનાની ગંભીરતા અને તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ થાય તે માટે પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સૂચનાથી તપાસ ડીવાયએસપી હિતેષ ધાંધલ્યાને સોંપવામાં આવી છે. સાથે જ ગુનાના મૂળ સુધી પહોંચવા, સાંયોગિક અને વૈજ્ઞાનિક પુરાવાઓ એકત્રિત કરવા તેમજ સમગ્ર પ્રકરણની તલસ્પર્શી તપાસ કરવા જઈંઝની રચના કરવામાં આવી છે.