ગુજરાત

નિવૃત્ત વૈજ્ઞાનિકને 24 દિવસ ડિજિટલ એરેસ્ટ કરી 2.82 કરોડ પડાવ્યા

Published

on

તાઈવાનથી આવેલા પાર્સલમાં ડ્રગ્સ, પાસપોર્ટ અને ડોલર મળ્યાનું જણાવી મુંબઈ ક્રાઈમ બ્રાંચના નામે ગઠિયાઓએ મચાવ્યો કાળો કેર

સતત 24 દિવસ માનસિક ત્રાસ ગુજારી બેંકમાંથી કટકે કટકે 2.82 કરોડ ટ્રાન્સફર કરાવી લીધા

રાણીપમાં રહેતા નિવૃત્ત સાયન્ટિસ્ટ અને તેમની પત્નીને સાયબર ગઠિયાઓએ 25 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરીને રૂા. 2.82 કરોડ પડાવી લીધા હતા. નિવૃત્ત સાયન્ટિસ્ટને ગત ઓગસ્ટ મહિનામાં અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો અને મુંબઈ ક્રાઈમ બ્રાંચમાંથી બોલીએ છીએ કહીને મુંબઈથી તાઈવાન તમે પાર્સલ મોકલ્યું હતું જેમાં એમડી ડ્રગ્ઝ, પાસપોર્ટ, એટીએમ કાર્ડ તથા અમેરિકન ડોલર મળી આવ્યા છે. આ મામલે પૂછપરછ કરવાની કહીને વીડિયો કોલ કરીને ગત 6 ઓગસ્ટથી 29 ઓગસ્ટ સુધી દંપતીને ડિજિટલ અરેસ્ટ રાખ્યા હતા. આ દરમિયાનમાં દંપતીના તમામ બેંક એકાઉન્ટ તથા ફિક્સ ડિપોઝિટ સહિતની વિગતો મેળવીને કુલ રૂૂ. 2.82 કરોડ સાયબર ગઠિયાઓએ પડાવી લીધા હતા. આ મામલે ગાંધીનગર સીઆઈડી ક્રાઈમના સાયબર સેલ દ્વારા ફરિયાદ નોંધી તપાસ શરુ કરવામાં આવી છે.


નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓક્યુપેશનલ હેલ્થ મેઘાણીનગરમાં ફરજ બજાવી ચુકેલા નિવૃત્ત સાયન્ટિસ્ટ હરિસિદ્ધ ગુલાબદાસ સાધુ (ઉ. 68) રાણીપમાં કિર્તન ફ્લેટમાં પત્ની સાથે નિવૃત્તનું જીવન પસાર કરે છે. ગત ઓગસ્ટમાં સવારે તે તેમની પત્ની સાથે ઘરમાં હાજર હતા ત્યારે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો અને મુંબઈ ક્રાઈમ બ્રાંચમાંથી વાત કરું છું કહ્યું હતું. વૃદ્ધ કશું સમજે તે પહેલાં જ ફેડેકસ કુરિયર મારફતે મુંબઈથી તાઈવાન તમે જે કુરિયર મોકલ્યું હતું તેમાંથી એમડી ડ્રગ્ઝ, પાસપોર્ટ અને અમેરિકન ડોલર સહિતની ચીજવસ્તુઓ મળી આવી છે. આ મામલે તમારી તપાસ કરવાની છે કહીને વૃદ્ધને ધમકાવવાની શરૂૂઆત કરવામાં આવી હતી. વૃદ્ધે કોઈપણ કુરિયર મોકલ્યું પણ નથી અને મગાવ્યું પણ નથી તેમ કહેવા છતાં હાલ તમે શંકાના દાયરામાં છો કહીને વીડિયો કોલ કરીને પૂછપરછ કરવી પડશે.

તેમ ગઠિયાઓએ કહ્યું હતું. દંપતીને જુદી જુદી એજન્સીઓના અધિકારીઓ પૂછપરછ કરશે કહીને ગત 6 ઓગસ્ટથી લઈને 29 ઓગસ્ટ સુધી નિવૃત્ત સાયન્ટિસ્ટ અને તેમની વૃદ્ધ પત્નીને ે કોલ પર ડિજિટલ અરેસ્ટ રાખ્યા હતા. જુદી જુદી એજન્સીઓના નામે નિવૃત્ત સાયન્ટિસ્ટ અને તેમની પત્નીના લગભગ 25 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ રાખીને બેંક એકાઉન્ટ અને ફિક્સ ડિપોઝિટ સહિત કુલ રૂૂ. 2.82 કરોડ પડાવી લીધા હતા. તમામ એજન્સીઓ તરફથી તમે નિર્દોષ જે તે પ્રકારનું સર્ટિફિકેટ આપવામાં આવશે તેમ કહીને ગઠિયાઓએ છેલ્લો ફોન 29 ઓગસ્ટના રોજ કર્યો હતો. ત્યારબાદ વૃદ્ધ વારંવાર ગઠિયાઓને સર્ટિફિકેટ બાબતે પૂછતા કોઈ જવાબ મળતો ન હતો. ગત 18 સપ્ટેમ્બરે વૃદ્ધે અમદાવાદ સાયબર ક્રાઈમનો સંપર્ક કરતા હાજર કર્મચારીઓએ વૃદ્ધને આ મામલે સાયબર હેલ્પલાઈનમાં ફોન કરીને ફરિયાદ કરવાની સૂચના આપી હતી. ત્યારબાદ વૃદ્ધે સાયબર હેલ્પ લાઈનમાં ફોન કર્યા મામલાની ગંભીરતાને જોતા ગાંધીનગર સીઆઈડી ક્રાઈમના સાયબર સેલે આ મામલે નિવૃત્ત સાયન્ટિસ્ટના નિવેદન નોંધીને ફરિયાદ નોંધીને તપાસ શરુ કરી છે.

ડિજિટલ અરેસ્ટ અંગે કોઈને જાણ કરશો તો રૂપિયા સીઝ કરવાની ધમકી આપી
મુંબઈ ઇન્કમટેક્સના નામે વૃદ્ધ સાયન્ટિસ્ટ અને તેમની દંપતીને ડિજિટલ અરેસ્ટ રાખીને રૂૂ. 2.82 કરોડ પડાવી લીધા બાદ વૃદ્ધને આ અંગે કોઈને જાણ નહી કરવાની સૂચના સાયબર ગઠિયાઓએ આપી હતી. ઉપરાંત, ધમકી આપી હતી કે ડિજિટલ અરેસ્ટ દરમિયાન કોઈનો સંપર્ક કરશો તો ધરપકડ કરીને તમામ રૂૂપિયા સીઝ કરી દેવામાં આવશે.

મોડી રાતથી સવાર સુધીમાં દરરોજ બેનામી વ્યવહારો થયા
રાત્રે 12 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધીમાં તમારા ખાતામાં બેનામી વ્યવહારો થાય છે તેવું સાયબર ગઠિયાઓ દ્વારા કેહવામાં આવ્યું હતું. આ તમામ નાણાંકીય લેવડ દેવડ અંગેની તપાસ કરવામાં આવશે કહીને વૃદ્ધ દંપતીને એકાઉન્ટમાં કેટલા રૂપિયા પડ્યા છે તેની વિગતો મેળવીને થોડા દિવસોના અંતરોમાં ગઠિયાએ તેના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version