ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં વિદેશી દારૂૂ પર લાગતા ટેક્સમાં મોટો ઘટાડો કરવામાં આવ્યા બાદ અહીંનો હોસ્પિટાલિટી ક્ષેત્ર ઝૂમી ઉઠયુ છે. ટેક્સમાં કરાયેલા આ નોંધપાત્ર ઘટાડાને પગલે ઈમ્પોર્ટેડ લીકરના ભાવમાં મોટો ઘટાડો થયો છે, જેને કારણે ગિફ્ટ સિટી વિસ્તારમાં ટૂંક સમયમાં જ 25 થી વધુ નવી પ્રીમિયમ અને ફાઈન-ડાઈનિંગ રેસ્ટોરન્ટ્સ તેમજ બાર્સ શરૂૂ થવા જઈ રહ્યા છે.
ગિફ્ટ સિટીને વૈશ્વિક કક્ષાનું ફાઈનાન્શિયલ હબ બનાવવા અને આંતરરાષ્ટ્રીય રોકાણકારો તથા વ્યાવસાયિકોને આકર્ષવા માટે રાજ્ય સરકારે અગાઉ લિકર પરમિટ અને સેવન સંબંધિત નિયમોમાં ઢીલ આપી હતી.
જોકે અગાઉ વિદેશી દારૂૂ પર ઊંચી ઈમ્પોર્ટ ડ્યૂટી અને ટેક્સ હોવાના કારણે રેસ્ટોરન્ટ્સ અને હોટેલ્સમાં લીકરના ભાવ ખૂબ જ ઊંચા રહેતા હતા. તાજેતરમાં સરકારે વિદેશી લીકર પરના ટેક્સ માળખામાં સુધારો કરીને રાહત આપતાં આયાતી દારૂૂના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. આ નિર્ણયથી ગિફ્ટ સિટીમાં સ્થિત ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસીસ સેન્ટર્સ (IFSC) ના ગ્લોબલ કસ્ટમર્સ અને સ્થાનિક પરમિટ ધારકોને વ્યાજબી ભાવે લીકર ઉપલબ્ધ બનશે.ટેક્સમાં રાહત મળતાં જ દેશ-વિદેશના જાણીતા હોસ્પિટાલિટી ગ્રુપ્સ અને રેસ્ટોરેટર્સે ગિફ્ટ સિટી તરફ દોટ મૂકી છે.
આશરે 25 જેટલી નવી રેસ્ટોરન્ટ્સ, કેફે અને પબ્સ ગિફ્ટ સિટીના વિવિધ કોમર્શિયલ ટાવર્સ અને ક્લબમાં પોતાના આઉટલેટ્સ શરૂૂ કરવા માટે લાયસન્સ અને જગ્યા મેળવવાની પ્રક્રિયામાં છે. અત્યાર સુધી શાંત ગણાતા ગિફ્ટ સિટીમાં હવે સાંજ પછી ગ્લોબલ નાઈટલાઈફ અને સોશિયલ સ્પેસનો અનુભવ મળશે, જે આંતરરાષ્ટ્રીય બેંકર્સ, આઈટી પ્રોફેશનલ્સ અને બિઝનેસ એક્ઝિક્યુટિવ્સ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બનશે.
હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના જણાવ્યા મુજબ, ગિફ્ટ સિટીમાં લીકર પોલિસીને વધુ વ્યવહારુ અને ટેક્સ-ફ્રેન્ડલી બનાવવાથી વૈશ્વિક સ્તરે સિટીની બ્રાન્ડ ઈમેજ મજબૂત થઈ છે.
વિદેશી ક્લાયન્ટ્સને આતિથ્ય આપતી મોટી આંતરરાષ્ટ્રીય કંપનીઓ માટે હવે અહીં બિઝનેસ મીટિંગ્સ અને કોર્પોરેટ ગેટ-ટુગેધર યોજવા વધુ સરળ અને સસ્તા બનશે. આ નિર્ણયથી ગિફ્ટ સિટી માત્ર નાણાકીય વ્યવહારો પૂરતું સીમિત ન રહેતાં એક જીવંત, આધુનિક અને વૈશ્વિક કક્ષાનું લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન બનીને ઉભરી રહ્યું છે.

