રાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીરના પરિણામોમાં ધર્મ મહત્વનું ફેક્ટર સાબિત

Published

on

હરિયાણા અને જમ્મુ તથા કાશ્મીર એ બે રાજ્યોનાં ચૂંટણી પરિણામ જાહેર થયાં પછી હરિયાણાની વધારે ચર્ચા છે. પણ જમ્મુ અને કાશ્મીરનાં પરિણામો પણ એટલાં જ મહત્ત્વનાં છે કેમ કે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા પછી આ પહેલી ચૂંટણી હતી.આ ચૂંટણીમાં જમ્મુ અને કાશ્મીરની જનતા કલમ 370 નાબૂદ કરાઈ તેને સમર્થન આપે છે કે નહીં એ નક્કી થશે એવું વિપક્ષો કહેતા હતા પણ આ ચૂંટણી માત્ર કલમ 370 વિશે નહોતી ને આ ચૂંટણી કલમ 370 પરનો જનાદેશ પણ નહોતી. તેના બદલે બીજા ઘણા મુદ્દા ચર્ચામાં હતા. ભાજપ પોતે કલમ 370ની નાબૂદીને પોતાની સૌથી મોટી સિદ્ધિઓમાં એક માને છે પણ ભાજપે પણ માત્ર કલમ 370ને સૌથી મોટો મુદ્દો નહોતો બનાવ્યો. તેના બદલે ભાજપે પણ વધારે ભાર નહેરુ-ગાંધી, અબ્દુલ્લા અને મુફ્તિ પરિવારના ભ્રષ્ટાચાર પર મૂક્યો હતો. નરેન્દ્ર મોદી અને અમિત શાહ સહિતના નેતા પણ આ મુદ્દાને વધારે ચગાવતા હતા પણ જમ્મુ અને કાશ્મીરમાં જે પરિણામો આવ્યાં તેમાં આ બધા મુદ્દા બહુ અસરકારક રહ્યા નથી. તેના બદલે ધર્મના આધારે મતદાન થયું હોય એવું વધારે લાગે છે. જમ્મુ અને કાશ્મીરની ચૂંટણીમાં ભાજપના જીતેલા તમામ 29 ઉમેદવારો કાં હિંદુ છે કાં શીખ છે જ્યારે કોંગ્રેસના તમામ જીતેલા ઉમેદવારો મુસ્લિમ છે.


નેશનલ કોન્ફરન્સના 42 ઉમેદવારો જીત્યા તેમાંથી માત્ર 2 હિંદુ છે જ્યારે 40 મુસ્લિમ છે. પીડીપીના ત્રણેય વિજેતા ઉમેદવાર મુસ્લિમ છે. આ આંકડા કાશ્મીરમાં ધર્મના આધારે મતદાન થાય છે તેના પુરાવારૂૂપ છે. આમ આદમી પાર્ટીએ ખાતું ખોલાવ્યું છે અને 1 બેઠક જીતી છે પણ તેના વિજેતા ઉમેદવાર હિંદુ છે તેના પરથી સ્પષ્ટ છે કે, આમ આદમી પાર્ટીને પણ મુસ્લિમ મતદારો સ્વીકારતા નથી. ભાજપ અને ઈન્ડિયા મોરચાએ ક્યાં બેઠકો જીતી છે તેનું વિશ્ર્લેષણ કરશો તો સમજાશે કે હિંદુ-શીખ પ્રભુત્વના વિસ્તારોમાં ભાજપનું વર્ચસ્વ છે જ્યારે મુસ્લિમ બહુમતી વિસ્તારોમાં ભાજપને કોઈ ઘૂસવા પણ નથી દેતું. જમ્મુ અને કાશ્મીરની 90 બેઠકમાંથી 43 બેઠક જમ્મુમાં છે અને 47 કાશ્મીર ખીણમાં છે. ભાજપે જમ્મુ ક્ષેત્રની તમામ 43 બેઠક પર ચૂંટણી લડી હતી અને 29 બેઠક જીતી છે. મતલબ કે, ભાજપે લગભગ 65 ટકા બેઠક જીતી છે. જમ્મુ વિસ્તારમાં હિંદુ-શીખોની વસતી છે એટલી જ બેઠકો ભાજપને મળી છે. કોંગ્રેસે કુલ 6 બેઠકો જીતી છે ને તેમાંથી 5 બેઠક કાશ્મીર ખીણમાંથી જીતી છે.

2014માં નેશનસ કોન્ફરન્સ અને કોંગ્રેસે ભેગા મળીને 27 બેઠક જીતી હતી પણ આ વખતે જોડાણની બેઠકનો આંકડો બહુમતીને પાર કરી ગયો છે કેમ કે મહેબૂબા મુફિતએ ભાજપ સાથે જોડાણ કર્યું તેના કારણે મુસ્લિમ મતદારોએ મહેબૂબાને સાવ ધોઈ નાંખ્યાં છે. 2014માં 27 બેઠક જીતનારાં મહેબૂબાને આ વખતે ગણીને 3 બેઠક મળી છે. જમ્મુ અને કાશ્મીરનાં પરિણામો એ વાતનો સંકેત છે કે, જમ્મુ અને કાશ્મીરમાં ધર્મના આધારે વિભાજન વધી રહ્યું છે અને મુસ્લિમો ભાજપને સ્વીકારવા તૈયાર નથી. નરેન્દ્ર મોદી સરકારે કલમ 370 નાબૂદ કરીને જમ્મુ અને કાશ્મીરને દેશના મુખ્ય પ્રવાહમાં લાવવાની કોશિશ કરી એ પ્રસંશનીય છે. કલમ 370ના કારણે જમ્મુ અને કાશ્મીર દેશનાં બીજાં રાજ્યોથી અલગ પડી જતું હતું. દેશના બીજાં લોકો જમ્મુ અને કાશ્મીર જઈ શકતાં નહોતાં. મોદી સરકારે આ ભેદભાવ દૂર કર્યો પણ કાશ્મીરની પ્રજાને એ નથી જોઈતું. ભાજપ મુસ્લિમ વિરોધી છે અને હિંદુઓનો પક્ષ છે એ માન્યતા તેમના માનસમાં એ હદે ઘર કરી ગઈ છે કે, ભાજપને કાશ્મીર ખીણમાં ઘૂસવા દેવા પણ નથી માગતા. આ કટ્ટરવાદી માનસિકતા જમ્મુ અને કાશ્મીરને નુકસાન કરી રહી છે પણ લોકો સમજવા તૈયાર નથી તો આપણે શું કરી શકીએ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version