આંતરરાષ્ટ્રીય
ટ્રમ્પ-ઝકરબર્ગ વચ્ચે સંબંધો અચાનક સુધર્યા: કોઇ કાયમી દુશ્મન નથી હોતો
રાજકારણમાં કોઈ કાયમી દુશ્મન નથી હોતું એવું કહેવાય છે અને ડોનાલ્ડ ટ્રમ્પ તથા માર્ક ઝકરબર્ગના કિસ્સામાં આ વાત સાચી પડી છે. અમેરિકાના પ્રમુખની ચૂંટણી વખતે ડોનાલ્ડ ટ્રમ્પે ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગને જેલમાં મોકલવાની ધમકી આપી હતી, પણ અમેરિકાના પ્રમુખપદે ચૂંટાતાં જ ડોનાલ્ડ ટ્રમ્પનું હૃદયપરિવર્તન થઈ ગયું. ટ્રમ્પે માર્ક ઝકરબર્ગને નોતરું આપીને ફ્લોરિડામાં તેમના હોમ કમ રિસોર્ટ માર-એ-લાગોમાં બોલાવ્યા અને બંનેએ સાથે મળીને ડિનર પણ લીધું. જોકે હૃદયપરિવર્તન માત્ર ડોનાલ્ડ ટ્રમ્પનું નથી થયું, પણ માર્ક ઝકરબર્ગનું પણ થયું છે.
ઝકરબર્ગ 2024ની ચૂંટણીમાં બહુ સક્રિય નહોતો, પણ 2020ની ચૂંટણીમાં ટ્રમ્પને હરાવવામાં પૂરી તાકાત લગાવી દીધી હતી. હવે ઝકરબર્ગે પણ ટ્રમ્પ સાથે હાથ મિલાવી લેવામાં શાણપણ સમજ્યું છે. માર્ક ઝકરબર્ગના પોતાના હિત છે અને તેની પોતાની કંપની છે, તેનો પોતાનો એજન્ડા છે, પણ ઝકરબર્ગે સ્પષ્ટ કર્યું છે કે પોતે ટ્રમ્પના નેતૃત્વમાં અમેરિકાના રાષ્ટ્રીય વિકાસને સમર્થન આપવા માગે છે. ઝકરબર્ગે આ મુદ્દે કશું કહ્યું નથી, પણ ઝકરબર્ગની કંપની મેટાએ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માન્યો છે અને હવે પછીનો તબક્કો અમેરિકન ઈનોવેશન માટે મહત્ત્વનો હોવાનું કહીને ટ્રમ્પને આડકતરી રીતે ટેકો આપી દીધો છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને ઝકરબર્ગના સંબંધો અચાનક મધુરા બની ગયા તેના કારણે સૌ આશ્ચર્યચકિત છે કેમ કે બંને વચ્ચે છેલ્લા એક દાયકાથી કોલ્ડ વોર ચાલે છે.
2016માં ડોનાલ્ડ ટ્રમ્પ પહેલી વાર અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં ઊભા રહ્યા ત્યારે ફેસબુકે ટ્રમ્પને હરાવવા બહુ ધમપછાડા કરેલા, પણ ટ્રમ્પ જીતી ગયેલા. ટ્રમ્પે એ પછી ફેસબુકને પતાવી દેવા બહુ મથામણ કરી, પણ ફાવ્યા નહોતા. ઝકરબર્ગે 2020ની ચૂંટણીમાં બિડેનતરફી વલણ લેતાં ડોનાલ્ડ ટ્રમ્પ અને માર્ક ઝકરબર્ગ વચ્ચેની દુશ્મનાવટ ઘેરી બની હતી. ટ્રમ્પે બિડેન સામે હારી ગયા પછી આક્ષેપ કરેલો કે, ઝકરબર્ગે પોતાને હરાવવાની સોપારી લીધી હતી. ઝકરબર્ગને સોશિયલ મીડિયા પર ટક્કર આપવા ટ્રમ્પે પોતાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ શરૂૂ કરેલું, પણ એ ચાલ્યું નથી. 2024ની ચૂંટણી પહેલાં ઝકરબર્ગના સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ખાળવા માટે ટ્રમ્પે એલન મસ્ક સાથે હાથ મિલાવી લીધા હતા. ટ્રમ્પે જ મસ્કને ટુટ્વિટર ખરીદવા પ્રોત્સાહિત કર્યો અને મસ્કે ટ્રમ્પની મદદથી ટ્વિટર હસ્તગત કર્યું પછી ફેસબુકને પતાવવા માટે બંને પૂરી તાકાતથી મચી પડયા પણ હતા. ઝકરબર્ગ તો બિઝનેસમેન છે અને તેને ધંધામાં રસ છે. હવે ચાર વર્ષ સુધી ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ રહેવાના છે ત્યારે તેમની સાથે બાખડીને નકામું ધંધાને નુકસાન કરવું તેના કરતાં ટ્રમ્પની ગુડ બુકમાં આવીને ફાયદો મેળવવાની તેની ગણતરી ખોટી પણ નથી જ.