ગુજરાત
કર્મચારીઓ-અધિકારીઓનું ‘કર્મયોગી’ એપ્લિકેશન ઉપર રજિસ્ટ્રેશન ફરજિયાત, નહિતર પગાર રોકાશે
ગોપાલ ઇટાલિયાના પ્રમોશનના વિવાદ બાદ સરકારનો પરિપત્ર, કચેરીના વડાએ પ્રમાણપત્ર આપવું પડશે
પોલીસ કોન્સ્ટેબલ પદેથી 10 વર્ષ પહેલા રાજીનામુ આપી દેનાર ‘આપ’ના નેતા ગોપાલ ઇટાલિયાનું પ્રમોશનના લિસ્ટમાં નામ ચડી જતા સર્જાયેલા વિવાદ બાદ સરકાર ઉંઘમાંથી જાગી છે અને તાબડતોબ એક પરિપત્ર બહાર પાડીને તમામ સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ માટે ‘કર્મયોગી’ એપ્લીકેશન ઉપર નોંધણી ફરજીયાત કરી છે.
ગોપાલ ઇટાલિયાને પ્રમોશન આપવાના મુદ્દે ગૃહખાતાએ સ્પષ્ટતા પણ કરી હતી પરંતુ સાથોસાથે હવે ભવિષ્યમાં આવી ભૂલનું પૂનરાવર્તન થાય નહીં તે માટે પણ આયોજન કર્યુ છે. અને કર્મચારીઓ-અધિકારીઓ માટે સરકારી ‘કમર્ર્યોગી’ એપ્લીકેશન ઉપર રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવી દીધુ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત સરકારે એક પરિપત્ર બહાર પાડીને ગુજરાતના તમામ વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને અધિકારીઓની કર્મયોગી નામની સરકારી એપ્લિકેશન ઉપર નોંધણી કરવાની જાહેરાત કરી છે. કર્મયોગી એપ્લિકેશનના માધ્યમથી ગુજરાતના તમામ વિભાગમાં ફરજ બજાવતા તમામ પ્રકરણ હોદ્દાના અધિકારીઓ અને કર્મચારીઓની એક સેન્ટ્રલાઈઝ્ડ ડિજીટલ જાણકારી ઉપલબ્ધ થઈ રહેશે અને ભવિષ્યમાં ભૂતિયા કે નકલી કર્મચારીઓની સમસ્યા રોકી શકાય. આમ, ગોપાલ ઈટાલીયાને મળેલા હેડ કોન્સ્ટેબલ તરીકે પ્રમોશનના કારણે ભાજપ સરકારે એક મહત્વનો નિર્ણય લેવો પડ્યો છે.
આ સિવાય પરિપત્રમાં એમ પણ જણાવ્યું છે કે કર્મયોગી એપ્લિકેશનમાં જેણે નોંધણી નહીં કરી હોય તેનો પગાર રોકવામાં આવશે, આ અંગે ગંભીરતા પૂર્વક નોંધ લેવી, તેમજ સબંધિત કચેરીના વડા દ્વારા જે તે મહિનાના પગારબિલ સાથે તેઓની કચેરીના તમામ કર્મચારીઓનું રજીસ્ટ્રેશન કર્મયોગી એપ્લીકેશનમાં થઈ ગયા તે અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.