રીયલ એસ્ટેટમાં રેકોર્ડ: સરકારી પ્લોટની 697.5 કરોડમાં હરાજી

અમદાવાદ શહેરમાં પ્રાઇમ લેન્ડ માટે કોર્પોરેટ જગત અને બિલ્ડરોની ભૂખ કેટલી હદે વધી રહી છે તેનું ઉત્તમ ઉદાહરણ અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની તાજેતરની હરાજીમાં જોવા…

અમદાવાદ શહેરમાં પ્રાઇમ લેન્ડ માટે કોર્પોરેટ જગત અને બિલ્ડરોની ભૂખ કેટલી હદે વધી રહી છે તેનું ઉત્તમ ઉદાહરણ અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની તાજેતરની હરાજીમાં જોવા મળ્યું છે. ઔડા દ્વારા હરાજી કરાયેલા ત્રણ પ્લોટ્સ તેમની રિઝર્વ પ્રાઇસ (મૂળ કિંમત) કરતા લગભગ 49 ટકા સુધીના ઊંચા ભાવે વેચાયા છે, જેના કારણે અંદાજે ₹900 કરોડના આ તોતિંગ સોદાઓથી બજારમાં ભારે ઉત્સાહ ફેલાઈ ગયો છે.

આ આખી પ્રક્રિયામાં સૌથી મોટું આકર્ષણ કીરી ગ્રૂપ રહ્યું છે, જેણે કઠવાડા-નિકોલ વિસ્તારમાં આશરે 73,428 ચોરસ મીટરનો વિશાળ પ્લોટ ₹700 કરોડની આસપાસની કિંમતે ખરીદીને રિયલ એસ્ટેટ ક્ષેત્રે સત્તાવાર પ્રવેશ કર્યો છે. કીરી ડાઈ-કેમના હિસ્સા સમાન ઓરિક્સીયન એનર્જી દ્વારા આ જમીન રિઝર્વ પ્રાઇસ ₹65,000 સામે ₹95,000 પ્રતિ ચોરસ મીટરના ભાવે મેળવવામાં આવી છે, જેમાં ચારેય બાજુથી રસ્તાની કનેક્ટિવિટી હોવાને કારણે તેનું વ્યાપારી અને રહેણાંક મહત્વ ઘણું વધી જાય છે. કીરી ગ્રૂપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મનીષ કીરીના જણાવ્યા અનુસાર, આ તેમનો પહેલો રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ છે અને કઠવાડા-નિકોલ વિસ્તારમાં ઝડપથી થઈ રહેલા વિકાસને ધ્યાનમાં રાખીને તેમણે લાંબા ગાળાના આયોજન સાથે આ મોટું રોકાણ કર્યું છે, જેના માટે તેઓ આગામી સમયમાં બિઝનેસ પ્લાન તૈયાર કરીને વ્યૂહાત્મક ભાગીદારી પણ કરી શકે છે.

ક્રેડાઈ (CREDAI) અમદાવાદના ચેરમેન રાજેશ વાસવાણીએ આક્રમક બોલીઓ અંગે વાત કરતા જણાવ્યું હતું કે આવી સ્થિતિ ડેવલપર્સ અને જમીનમાલિકોનોત્મસાહ વધારી શકે છે, ખાસ કરીને એવા વિસ્તારોમાં જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઝડપી વિકાસ થઈ રહ્યો છે. આગામી સમયમાં અમદાવાદમાં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ અને પ્રોપર્ટીની વાસ્તવિક માંગ પણ આ પાછળનું એક મોટું પરિબળ બની રહી છે. આ સિવાય ફાર્માસ્યુટિકલ ક્ષેત્રની દિગ્ગજ કંપની ઇન્ટાસ ફાર્માએ થલતેજ ખાતે પોતાની હાલની ઓફિસની બિલકુલ બાજુમાં આવેલો 2,581 ચોરસ મીટરનો પ્લોટ ₹2.80 લાખની રિઝર્વ પ્રાઇસ સામે ₹4.07 લાખ પ્રતિ ચોરસ મીટરના રેકોર્ડ ભાવે હસ્તગત કર્યો છે, જેના કારણે આ સોદો ₹105 કરોડથી વધુનો થયો છે. કોર્પોરેટ જગત પોતાની ઓપરેશનલ જરૂૂરિયાતો અને વિસ્તરણ માટે કેટલા ઊંચા નાણાં ચૂકવવા તૈયાર છે તેની આ એક મોટી મિસાલ છે.

ત્રીજા મોટા સોદામાં અમદાવાદના જ ઇસ્કોન ગ્રૂપે સાઉથ બોપલ ખાતે સન સાઉથ સ્ટ્રીટની સામે આવેલો 4,104 ચોરસ મીટરનો કોમર્શિયલ પ્લોટ ₹1.12 લાખની રિઝર્વ પ્રાઇસ સામે અંદાજે ₹1.67 લાખ પ્રતિ ચોરસ મીટરના ભાવે ખરીદ્યો છે, જેનું કુલ મૂલ્ય ₹65.65 કરોડથી વધુ થાય છે. ઇસ્કોન ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર જતીન ગુપ્તાએ પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે વ્યૂહાત્મક સ્થળોએ આવેલી જમીનોની માંગ હંમેશા રહે છે અને આ કોમર્શિયલ પ્લોટ પર ભવિષ્યમાં યોગ્ય પ્રોજેક્ટ વિકસાવવામાં આવશે. આમ, ઔડાના આ ત્રણ મોટા સોદાઓએ સાબિત કરી દીધું છે કે અમદાવાદના ઉભરતા ડેવલપમેન્ટ કોરિડોરમાં લાંબા ગાળાના રોકાણ માટે કંપનીઓ તગડા પ્રીમિયમ ચૂકવવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.