ગુજરાત
સિવિલ હોસ્પિ.માં ઉંદરોનો આતંક, દર્દીઓના પગ કરકોલી ખાધા
ઓપીડી બિલ્ડિંગના પાંચમાં માળ ઉપર ઉંદરોનું સામ્રાજ્ય, ભયંકર ઉપદ્રવથી દર્દીઓ પણ અધૂરી સારવાર છોડી ભાગી જાય છે
સૌરાષ્ટ્રની સૌથી મોટી અને આધુનિક ગણાતી રાજકોટની પંડિત દિનદયાળ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલમાં એક સાંધે ત્યાં તેર તુટે જેવી સ્થિતિ છે. સતત વિવાદોમાં રહેતી સિવિલ હોસ્પિટલમાં એ.સી. બંધ રહેવા, એક્સરે મશીન બંધ રહેવા, સાધનો-તબીબોની અભાવ વચ્ચે હવે ઉંદરોએ હોસ્પિટલમાં આતંક મચાવ્યાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી મુજબ સિવિલ હોસ્પિટલના ઓપીડી વિભાગમાં પાંચ માળે છેલ્લા બે માસથી ઉંદરોએ આતંક મચાવ્યો છે. અને મહિલાઓના સર્જરી વોર્ડમાં દાખલ બે મહિલા દર્દીના પગ ઉંદરોએ કરકોલી ખાતા ભારે ચકચાર જાગી છે.
સિવિલ હોસ્પિટલના ઓપીડી બિલ્ડીંગના પાંચમાં માળે મહિલાઓના સર્જરી વિભાગમાં પગની સારવાર માટે છેલ્લા 13 દિવસથી દાખલ મોરબીના કાંતાબેન દયારામ હડીયલ (સતવારા) (ઉ.વ.60)ના પગની આંગળીઓ ઉંદર કરકોલી જતા આ દર્દી કફોડી સ્થિતિમાં મુકાઈ ગયા છે.
આ ઉપરાંત આ જ વોર્ડમાં પડધરીના સરપદડ ગામના નયનાબેન ભરતભાઈ ટંકારિયા (ઉ.વ.46) ગત તા. 1 ઓક્ટોબરથી પગનીસારવાર માટે દાખલ થયેલ છે તેના પગમાં મોટો પાટો બાંધેલો છે. પરંતુ પગનો અંગુઠો બહાર હોવાથી ત્યાં ઉદરો બટકા ભરી ગયા છે.
ઓપીડી વિભાગના પાંચમાં માળે પ્યુન, નર્સિંગ સ્ટાફ અને ડોક્ટરો મળી 22નો સ્ટાફ ફરજ બજાવે છે. આ તમામને ઉંદરના ભયંકર ત્રાસનો અનુભવ થઈ ગયો છે.
નર્સિંગ સ્ટાફનું કહેવું છે કે, છેલ્લા બે માસથી ઉંદરોએ આતંક મચાવ્યો છે. અમે ખુરશીમાં નીચે પગરાખીને પણ બેસી શકતા નથી. જો ખુલ્લા પગે બેસીએ તો ગમ્મે ત્યારે ઉંદરડા બટકા ભરી જાય છે. માટે અમારે ફરજિયાત ખુરશી ઉપર પગ રાખીને બેસવું પડે છે. આ વોર્ડમાં દાખલ થતાં મોટાભાગના દર્દીઓને ઉંદરો કરડી ગયા છે.
આ ઉપરાંત વોર્ડમાં રાત્રે ઉંદરોનો એટલો ત્રાસ વધી જાય છે કે, લાઈટો પણ બંધ કરી શકાતી નથી. અને દર્દીઓને પણ ચાલુ લાઈટે જ સુવુ પડે છે. સાથો સાથ ઉંદર બટકા ભરી જાય નહી તેનું સતત ધ્યાન રાખવું પડે છે.
ઉંદરના ત્રાસના કારણે દર્દીઓ અધુરી સારવાર રજા લઈને ભાગી જતા હોવાની પણ ફરીયાદો ઉઠી છે.
મહિલાઓના સર્જરી વોર્ડના મોટાભાગના બેડ ખાલી રહે છે તેનું કારણ પણ ઉંદરોનો ત્રાસ છે. અહીં એક-બે દિવસ દર્દી દાખલ થયા બાદ ભાગી છૂટે તેવી સ્થિતિ જોવા મળે છે.
ઉલ્લેખનીય છે કે, પાંચેક માસ અગાઉ પણ સિવિલ હોસ્પિટલના કોરોના બિલ્ડિંગમાં શરૂ કરાયેલ પીએમ જે.એ.વાય વિભાગમાં દર્દીઓના પગ ઉંદરો કરકોલી ગયાની ઘટના બની હતી ત્યારે પણ ભારે દેકારો મચી ગયો હતો હવે ફરી આવી ઘટનાનું પુનરાવર્તન થતાં ચકચાર જાગી છે.
ઈન્ચાર્જ સિસ્ટરે ઉંદરોના ત્રાસ અંગે લેખિત ફરિયાદ કરી
રાજકોટની સિવિલ હોસ્પિટલના ઓપીડી લ્ડિીંગના પાંચમા માળે છેલ્લા બે માસથી ઉંદરનો ભયંકર ત્રાસ અને ઉપદ્રવ છે. અહીં પડેલા ભોજન અને અન્ય કચરો ખાઈને ઉંદરો રૂષ્ટપુષ્ટ થઈ આતંક મચાવતા હોવાની વોર્ડના ઈન્ચાર્જ સિસ્ટરે સિવિલ સર્જનને લેખિત ફરિયાદ કરી યોગ્ય કરવા અને ઉંદરોના ત્રાસમાંથી મુક્તિ કરવા માંગણી કરી છે. જો કે, આ અંગે હજુ સુધી કોઈવ્યવસ્થા કરાઈ ન હોવાથી સમસ્યા યથાવત છે.
વોર્ડમાં રાત્રે પણ લાઈટો ચાલુ રાખી દર્દીઓની ચોકીદારી કરવી પડે છે
સિવિલ હોસ્પિટલના ઓપીડી વિભાગના પાંચમાં માળે ઉંદરોથી દર્દીના સગાઓ પણ ત્રાસી ગયા છે. જે મહિલા દર્દી કાંતાબેન સતવારાનો પગ ઉંદરો કરકોલી ગયા છે. તેનાપુત્ર દિનેશ દયારામ હડિયલે જણાવ્યું હતું કે, રાત્રે ઉંદરોનં ધ્યાન રાખવું કે દર્દીનું તે ચિંતા થઈ પડે છે. કદર્દીને ઉંદરોથી બચાવવા રાત્રે પણ વોર્ડમાં લાઈટો ચાલુ રાખીને સતત જાગતુ બેસી રહેવું પડે છે. આ ઉપરાંત ખુદે પણ ધ્યાન રાખવું પડે છે જો બેઠા બેઠા ઝેકુ આવી જાય તો તુરંત જ ઉંદરો બટકા ભરી જાય છે.