રાણી મુખરજી રાજકપૂર સ્પેશિયલ કોન્ટ્રિબ્યુશન એવોર્ડથી સન્માનિત થયાં

સંઘર્ષશીલ મહિલાના પાત્રો ભજવવા બદલ જાણીતા છે જાણીતાં એક્ટ્રેસ રાની મુખરજીને પ્રભાદેવીસ્થિત રવિન્દ્ર નાટ્ય મંદિર ખાતે આયોજિત 62મા મહારાષ્ટ્ર રાજ્ય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં પ્રતિષ્ઠિત રાજ…

સંઘર્ષશીલ મહિલાના પાત્રો ભજવવા બદલ જાણીતા છે

જાણીતાં એક્ટ્રેસ રાની મુખરજીને પ્રભાદેવીસ્થિત રવિન્દ્ર નાટ્ય મંદિર ખાતે આયોજિત 62મા મહારાષ્ટ્ર રાજ્ય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં પ્રતિષ્ઠિત રાજ કપૂર સ્પેશિયલ કોન્ટ્રિબ્યુશન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં. મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસે રાની મુખરજીને આ એવોર્ડ અર્પણ કર્યો હતો. આ પ્રસંગે સાંસ્કૃતિક બાબતોના મંત્રી એડ. આશિષ શેલાર ઉપરાંત મહારાષ્ટ્ર સરકારના સભ્યો, મહાનુભાવો અને ફિલ્મ જગત સાથે જોડાયેલી અગ્રણી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી.

ભારતીય સિનેમામાં તેમની કારકિર્દીના લગભગ ત્રણ દાયકા પૂર્ણ થયા છે. દિગ્ગજ ફિલ્મકાર અને અભિનેતા રાજ કપૂરના નામ પરથી આપવામાં આવતા આ એવોર્ડ મેળવીને રાણીએ મનોભાવ વ્યક્ત કરતાં જણાવ્યું કે, મારા માટે મહારાષ્ટ્ર માત્ર એક રાજ્ય નથી. મહારાષ્ટ્ર મારી જન્મભૂમિ, મારી કાર્યભૂમિ અને મારા જીવનનો અવિભાજ્ય હિસ્સો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, આ સન્માન ખાસ છે કેમકે એ મને મારા પોતાના લોકો તરફથી અને જે સ્થળ સાથે મારો સંબંધ છે ત્યાંથી મળી રહ્યું છે. ભારતીય સિનેમાના દિગ્ગજ રાજ કપૂરજીના નામ પરથી એવોર્ડ મળવો એ મારા માટે ખૂબ જ નમ્રતા અને ગૌરવની ક્ષણ છે. અને હું આશા રાખું છું કે હું આ સન્માનને યોગ્ય ઠેરવી શકું.

બ્લેક, નો વન કિલ્ડ જેસિકા, હિચકી, મર્દાની ફ્રેન્ચાઇઝી અને મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે જેવી ફિલ્મોમાં અને સંઘર્ષશીલ મહિલાઓના પાત્રો ભજવવા માટે એક્ટ્રેસ રાની મુખરજી જાણીતાં છે. પોતાની આ સફરને યાદ કરતાં તેઓ ઉમેરે છે કે, ’મેં એવાં કિરદાર પસંદ કર્યા જે મને સાચા લાગ્યા; જેમની વાર્તા, તેમની સફર અને તેમનો સંઘર્ષ મને સ્વાભાવિક રીતે પોતાની તરફ આકર્ષિત કરતા હતા. એવા પાત્રો જેમાં હિંમત હતી. એવા પાત્રો જેમાં ખામીઓ હતી. એવા પાત્રો જેઓ પૃષ્ઠભૂમિમાં ખોવાઈ જવાનો ઇનકાર કરતા હતા. એવી મહિલાઓ જેઓ ક્યારેય કોઈ અન્ય વ્યક્તિ આવીને તેમને બચાવશે તેની રાહ જોતી નહોતી. મેં ક્યારેય સિનેમાને માત્ર એક વ્યવસાય તરીકે નથી જોયું. મારા માટે સિનેમા એક ઊંડી લાગણી છે.