ટ્રેક પર દોડી સફળતાનું આકાશ સર કર્યું

કેટલાક સપનાઓ આંખોમાં જન્મે છે, પરંતુ તેને સાકાર કરવા માટે પગમાં દોડવાની તાકાત કરતાં પણ વધુ જરૂરી હોય છે મનોબળ, શિસ્ત અને સતત મહેનત. જ્યારે…

કેટલાક સપનાઓ આંખોમાં જન્મે છે, પરંતુ તેને સાકાર કરવા માટે પગમાં દોડવાની તાકાત કરતાં પણ વધુ જરૂરી હોય છે મનોબળ, શિસ્ત અને સતત મહેનત. જ્યારે પ્રતિભાને સંઘર્ષની સાથે મહેનતનું બળ મળે છે ત્યારે સફળતાની દોડ માત્ર ટ્રેક પૂરતી સીમિત રહેતી નથી, તે દેશના ગૌરવ સુધી પહોંચી જાય છે. આવી જ પ્રેરણાદાયી સફર છે મુંબઈની 23 વર્ષીય દોડવીર હરિતા ભદ્રાની. કચ્છના અબડાસા સાથે જોડાયેલ મુંબઈની હરિતાએ દોડના ટ્રેક પર પોતાની એવી ઓળખ ઊભી કરી છે કે આજે તેની ઝડપ માત્ર મીટર અને સેક્ધડમાં નહીં, પરંતુ દેશના ગૌરવ સાથે માપવામાં આવી રહી છે.

એથ્લેટિક્સના ટ્રેક પર પોતાની ઝડપથી ઓળખ બનાવનાર હરિતાએ પોતાની ડેબ્યૂ એશિયન ગેમ્સમાં જ શાનદાર પ્રદર્શન કરીને દેશનું ધ્યાન ખેંચ્યું છે.તેણીની આ સિદ્ધિના પગલે રમતગમત ક્ષેત્રે નવી આશા અને ઉત્સાહનો સંચાર થયો છે. ખાસ કરીને ગ્રામ્ય અને નાના શહેરોમાંથી રમતગમત ક્ષેત્રે આગળ વધવા ઇચ્છતા યુવાઓ માટે હરિતાની સફર એક ઉદાહરણ બની શકે છે. પ્રતિભા સાથે સતત મહેનત, શિસ્ત અને અડગ મનોબળ હોય તો સ્થાનિક સ્તરથી શરૂ થયેલી સફર આંતરરાષ્ટ્રીય મંચ સુધી પહોંચી શકે છે તે હરિતાએ સાબિત કર્યું છે.

મૂળ કચ્છના અને હાલ મુંબઈ સ્થિત કચ્છી ભાનુશાળી ભદ્રા પરિવારની દીકરી હરિતા અભ્યાસ અને સ્પોર્ટ્સ બંનેમાં અવ્વલ રહી છે. શૈક્ષણિક કારકિર્દીની વાત કરીએ તો વર્ષ 2025માં તેણે યુકેની પ્રતિષ્ઠિત Loughborough University માંથી સ્પોર્ટ્સ સાયન્સ, કોચિંગ અને ફિઝિકલ એજ્યુકેશનમાં બી.એસસી. પૂર્ણ કર્યું. હાલમાં તે નવી મુંબઈ સ્થિત Jio Institute ખાતે તાલીમ લઈ રહી છે. ટ્રેક પર ઝડપથી દોડતી હરિતા માત્ર એથ્લેટ જ નથી, પરંતુ સર્જનાત્મક પ્રતિભા પણ ધરાવે છે. દોડ અને તાલીમની વ્યસ્તતા વચ્ચે તે પોતાની સર્જનાત્મકતાને પણ સમય આપે છે અને ’દાગીના’ નામની પોતાની બ્રાન્ડ હેઠળ હાથથી બનાવેલી જ્વેલરી ડિઝાઇન કરે છે. એટલે હરિતાની ઓળખ માત્ર એક દોડવીર તરીકે નહીં, પરંતુ રમતગમત અને સર્જનાત્મકતાને સાથે લઈને ચાલતી યુવા પ્રતિભા તરીકે પણ બની રહી છે.

મહિલાઓની 200 મીટર દોડમાં હરિતાએ 23.20 સેક્ધડના સમય સાથે કાંસ્ય ચંદ્રક જીત્યો. અંતિમ તબક્કામાં જાપાનની દોડવીરને માત્ર 0.01 સેક્ધડના નજીવા અંતરથી પાછળ રાખીને તેણે ત્રીજું સ્થાન મેળવ્યું હતું. આ ક્ષણ માત્ર હરિતા માટે જ નહીં, પરંતુ ગુજરાત અને સમગ્ર દેશ માટે ગૌરવની બની.

એટલું જ નહીં, મિશ્ર 4ડ્ઢ100 મીટર રિલેમાં પણ હરિતાએ ભારતનું પ્રતિનિધિત્વ કરતાં કાંસ્ય ચંદ્રક જીતવામાં યોગદાન આપ્યું. પોતાની પ્રથમ એશિયન ગેમ્સમાં બે કાંસ્ય ચંદ્રક સાથે હરિતાએ સાબિત કર્યું કે ભારતીય એથ્લેટિક્સમાં નવી પેઢીની દોડવીરો ઝડપથી આગળ વધી રહી છે.

સફળતાની આ દોડ અહીં અટકી નથી. સપ્ટેમ્બર 2026માં નવી દિલ્હીમાં યોજાયેલી ભારતીય એથ્લેટિક્સ શ્રેણીની ફાઇનલમાં હરિતાએ 100 મીટરની દોડ માત્ર 11.22 સેક્ધડમાં પૂર્ણ કરી. આ શાનદાર સમય સાથે તે ભારતીય મહિલા 100 મીટર દોડના ઇતિહાસમાં બીજા ક્રમની સૌથી ઝડપી દોડવીર બની.
આજે હરિતાની ઝડપ માત્ર 100 કે 200 મીટરના ટ્રેક પર મપાતી નથી. તેની દરેક દોડમાં એક સ્વપ્ન છે, દરેક મેડલમાં એક સંઘર્ષની કહાની છે અને દરેક સફળતામાં દેશના યુવાનો માટે એક સંદેશ છે. દોડ ચાલુ રાખો, કારણ કે મંઝિલ ઘણીવાર એક પગલું આગળ જ હોય છે.

એશિયન ગેમ્સની સફળતા બાદ હવે હરિતાની નજર આગામી મોટા પડકારો તરફ છે. વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય કરવાનું તેનું લક્ષ્ય છે અને લાંબા ગાળે દેશ માટે ઓલિમ્પિક મંચ પર દોડવાનું તેનું સપનું છે.
કચ્છની ધરતી સાથે જોડાયેલી આ દીકરીની ‘ઉડાન’ હજુ શરૂૂ જ થઈ છે. આવનારા સમયમાં હરિતા ભદ્રા ભારતના એથ્લેટિક્સ ક્ષેત્રે વધુ ઊંચાઈઓ સર કરે અને દેશ માટે વધુ ચંદ્રકો જીતીને તિરંગાનું ગૌરવ વધારે એવી શુભેચ્છા સાથે તેની આ સફરને સલામ.

સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી

નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી રમતગમત ક્ષેત્રે આગળ વધવા ઇચ્છતા યુવાનો માટે હરિતાની સફર પ્રેરણારૂપ છે. તે માને છે કે સફળતા માટે માત્ર મોટા શહેરની સુવિધાઓ કે સંસાધનો જ જરૂરી નથી; પ્રતિભા સાથે સતત મહેનત, શિસ્ત અને અડગ મનોબળ હોય તો સફર સ્થાનિક સ્તરથી શરૂ થઈને આંતરરાષ્ટ્રીય મંચ સુધી પહોંચી શકે છે. આ માટે સખત મહેનત અને દ્રઢ મનોબળ તથા આત્મવિશ્વાસ જરૂૂરી છે.જો તમે તમારું સો ટકા યોગદાન આપશો તો તમને સફળતા જરૂર ને જરૂર મળશે જ.