રાષ્ટ્રીય
રામ તેરી ગંગા મૈલી: ગંગાનું પાણી આચમન લાયક પણ નથી
પ્રદૂષણ બોર્ડના રિપોર્ટ મુજબ પવિત્ર નદીનું જળ પીવાથી ગંભીર બીમારીઓ થઇ શકે
ગંગા નદી ગંગોત્રીમાંથી નીકળે છે.. અને કમ સે કમ હરિદ્વાર પહોંચતા સુધી તો તેનું પાણી એકદમ શુદ્ધ હોય છે તેવું આપણે માનતા આવ્યા છીએ, પરંતુ હરિદ્વાર પ્રદુષણ નિયંત્રણ બોર્ડનું માનીએ તો હરિદ્વારમાં ગંગાનું પાણી પીવાલાયક નથી. હરિદ્વારનું પ્રદૂષણ નિયંત્રણ વિભાગ છે જે નદીના પાણી પર નિયમિતપણે નજર રાખે છે. પ્રદૂષણ બોર્ડના અધિકારીઓના જણાવ્યા અનુસાર હરિદ્વારમાં અલગ-અલગ જગ્યાએ ગંગાના પાણીનું મોનિટરિંગ કરવામાં આવે છે.
નવેમ્બર મહિનામાં પણ પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા, પરંતુ રિપોર્ટ ચોંકાવનારા છે. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ગંગાનું પાણી પીવા માટે યોગ્ય નથી. આ પાણી પીવાથી ગંભીર બીમારીઓ થઈ શકે છે.
પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારી રાજેન્દ્ર સિંહના જણાવ્યા અનુસાર, હરિદ્વારથી યુપી બોર્ડર સુધી આઠ સ્થળોએ ગંગાના પાણીની નિયમિત દેખરેખ કરવામાં આવે છે. દર મહિને નમૂના લેવામાં આવે છે. નવેમ્બર મહિનામાં એકત્ર કરાયેલા સેમ્પલના ટેસ્ટ રિપોર્ટમાં દ્રાવ્ય કચરો (ફેકલ કોલિફોર્મ) અને સોલ્યુબલ ઓક્સિજન (બાયોકેમિકલ ઓક્સિજન)નું સ્તર ધોરણ કરતાં વધુ હોવાનું જાણવા મળ્યું છે. રિપોર્ટ અનુસાર, અહીં ગંગાના પાણીમાં 120 એમપીએન સુધીના કોલિફોર્મ મળી આવ્યા છે.
આ ગુણવત્તાનું પાણી પીવું કે તેનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. તપાસ રિપોર્ટમાં ગુણવત્તાની દૃષ્ટિએ આ પાણીને બી કેટેગરીમાં રાખવામાં આવ્યું છે. પ્રદૂષણ બોર્ડના અધિકારીઓના જણાવ્યા અનુસાર, નદીના પાણીમાં સ્નાન કરી શકાય તેવા ઓક્સિજનનું ધોરણ પાંચ મિલિગ્રામ પ્રતિ લિટર છે. આ ધોરણના આધારે એવું કહી શકાય કે તમે હરિદ્વારમાં ગંગાના પાણીમાં સ્નાન કરી શકો છો.
વાસ્તવમાં, જ્યારે ગંગાના પાણીનું મોનિટરિંગ લગભગ પાંચ વર્ષ પહેલાં શરૂૂ થયું હતું, ત્યારે ગંગાના પાણીમાં બેક્ટેરિયા અને એમપીએનની માત્રા 500થી વધુ હતી. તે સમયે ગંગાના પાણીને સી કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવ્યું હતું અને કહ્યું હતું કે તે સ્નાન માટે પણ યોગ્ય નથી. જો કે, છેલ્લા 5 વર્ષમાં કરવામાં આવેલા પ્રયાસોને કારણે ગંગાના પાણીની ગુણવત્તામાં ઘણો સુધારો થયો છે અને આ પાણી બી કેટેગરીમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ થયું છે.