આરોપીનો પરિવાર ગામમા પ્રસંગે આવ્યો અને ખંઢેર મકાને પહોંચતા ઘટનાની જાણ થઇ: બાળ આરોપી સહિત બે શખ્સો સામે હત્યાનો ગુનો નોંધાયો
રાજકોટ જિલ્લાનાં ગોંડલ તાલુકાનાં મોટા મહીકા ગામે ખંઢેર બનેલા રહેણાક મકાનમાંથી અર્ધ સળગેલી હાલતમાં પુરુષની લાશ મળી આવતા તાલુકા પોલીસ તથા એલસીબી મોટા મહીકા દોડી આવી હતી. બનાવ શંકાસ્પદ હોવાથી મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડાયો છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના બાદ પોલીસે ટીમો બનાવી તપાસ કરતા લાશ રાજકોટના જામનગર રોડ પર આવેલા નાગેશ્ર્વર પાસે શાંતિનગરમા રહેતા યુવાનની હોવાનુ તપાસમા ખુલ્યુ હતુ. ત્યારબાદ તેની પાસેથી મળી આવેલા ડોકયુમેન્ટ આરોપીના હોવાનુ ખુલતા પોલીસે મૃતકની પત્નીની ફરીયાદ પરથી મુળ ગોંડલના અને હાલ રાજકોટ રહેતા શખ્સ તેમજ શાપરના બાળ આરોપી વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી બંનેને શકંજામા લેવા તજવીજ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ જિલ્લાનાં ગોંડલ તાલુકાનાં મોટા મહીકા ગામે સાંજે ખંઢેર જેવા મકાનમાં અર્ધ સળગેલી લાશ પડી હોવાની જાણ પોલીસને થઈ હતી. ગોંડલથી સેવાભાવી યુવાનો જય માધડ સહિત એમ્બ્યુલન્સ લઈ મોટા મહીકા દોડી ગયા હતા. ગ્રામજનોનાં કહેવા મુજબ, મૃતક વ્યક્તિનું નામ હસમુખભાઈ મુળશંકર (ઉ.46) હતુ. આ ઘટનામા રાજકોટ રૂરલ એલસીબી તેમજ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો તેમજ આ ઘટનાની જાણ કરનાર રાજકોટના હિતેશગીરીની પુછપરછ કરતા તેમણે જણાવ્યુ હતુ કે તેઓ બે દિવસ પહેલા મોટા મહીકા ગામે સબંધીને ત્યા પ્રસંગ હોય જેથી પરિવાર સાથે આવ્યા હતા ત્યારે હિતેશગીરી આ ખંઢેર મકાન પાસે અંદર ગયા ત્યારે ત્યાથી અર્ધબળેલી હાલતમા લાશ મળી આવતા તેમજ ત્યા બાજુમા હસમુખભાઇના ડોકયુમેન્ટ પણ મળી આવ્યા હતા જેથી તેઓએ પોતાના ભાઇની કોઇએ હત્યા કર્યાનુ પોલીસને જણાવ્યુ હતુ.
આ ઘટના બાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી ત્યારે જાણવા મળ્યુ હતુ કે હસમુખ પોતે આ હત્યા કરી પોતાના ડોકયુમેન્ટ લાશ પાસે રાખી ભાગી ગયો હતો અને તેમની મદદગારી એક શાપરમા રહેતા બાળ આરોપીએ કરી હતી તેમજ મૃતક જામનગર રોડ પર નાગેશ્ર્વર પાસે આવેલા શાંતિનગરમા રહેતા સંદીપગીરી અમૃતગીરી ગૌસ્વામી હોવાનુ તપાસમા ખુલ્યુ હતુ. આ ઘટનામા ગોંડલ તાલુકા પોલીસે મૃતક સંદીપગીરીના પત્ની ગાયત્રીબેન (ઉ.વ. 39) ની ફરીયાદ પરથી હસમુખ મુળશંકર ગોહેલ તેમજ શાપરના બાળ આરોપી વિરૂધ્ધ હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી બંનેને શકંજામા લેવા તજવીજ શરૂ કરી છે. આ ઘટનામા હસમુખે પોલીસને તેમજ તેમના પરિવારજનોને ગુમરાહ કરવા આ સ્ટોરી કેમ ઘડી ? એ અંગે હવે તાલુકા પોલીસ દ્વારા તપાસ કરવામા આવી રહી છે.

