પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના વણસેલા સંબંધોના કારણે વિઝા રીન્યુ નહિં થતા મહિલા કરાંચીમાં ફસાઈ
પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના વણસેલા સંબંધોના કારણે રાજકોટનો એક પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે. કરાચીના સોલ્જર બજાર વિસ્તારમાં રહેતી રાજકોટના પરવેઝ શેખની પત્ની રેહાના છેલ્લા ત્રણ વર્ષથી કરાચીમાં ફસાયેલી છે, જ્યારે તેના બે માસૂમ બાળકો અને પતિ ભારતમાં ઘણા લાંબા સમયથી તેની રાહ જોઈ રહ્યા છે. રેહાનાએ પાકિસ્તાનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજીજી કરી ભારત આવવામાં તેની મદદ કરવા વિનતી કરી છે.
રાજકોટમાં રહેતા અને એસી રીપેરીંગના વ્યવસાય સાથે જોડાયેલા પરવેઝ શેખના લગ્ન 10 વર્ષ પહેલા 2015માં મૂળ પાકિસ્તાનના કરાચીની રહેવાસી રેહાના સાથે થયા હતા. રેહાના અને તેનો પરિવાર પાકિસ્તાનથી રાજકોટ આવ્યો અને રાજકોટમાં જ નિકાહ થયા. જે બાદ રેહાના ભારત સરકારના નિયમોનું પાલન કરી, વિઝા સહિતની પ્રોસીજર પૂર્ણ કરી તેના પતિ સાથે ભારત દેશમાં રહેવા લાગી હતી. વર્ષ 2022માં તેના વિઝા પૂર્ણ થતા ભારત સરકાર દ્વારા તેને પાછું પાકિસ્તાન જઈ વિઝાની પ્રોસેસ પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી હતી. આથી રેહાના અહેમદ 2022ના ડિસેમ્બર મહિનાના અંતમાં પાકિસ્તાન ગઈ. એ સમયે તેની સાથે તેના પતિ અને બે નાના બાળકો પણ પાકિસ્તાન ગયા હતા. વિઝા ન મળતા રેહાના પાકિસ્તાનમાં જ ફસાઇ ગઇ પાકિસ્તાન પહોંચ્યા બાદ રેહાનાએ વિઝા માટેની પ્રક્રિયા ફરી શરૂૂ કરાવી હતી. જે તે સમયે તેના પતિ અને બાળકો પણ પાકિસ્તાનના કરાચીમાં લગભગ અઢી મહિના સુધી રોકાયા હતા. જો કે રેહાનાને વિઝા મળવામાં કોઈક મુશ્કેલી આવી હતી. બીજી તરફ ભારતીય નાગરિક એવા રેહાનાના પતિ અને બે બાળકોના વિઝા પણ પૂરા થવા આવ્યા હતા. એટલે પતિ પરવેઝ શેખ તેના બંને બાળકો સાથે ભારત પાછા આવી ગયા હતા.
પણ કમનસીબે, બે નાના ભૂલકાંઓની માતાના રેહાના વિઝા રિન્યુ ન થવાને કારણે પાકિસ્તાનમાં જ ફસાઈ રહી ગઈ હતી. રાજકોટની કલેક્ટર ઓફિસમાંથી એવો જવાબ મળ્યો કે, અમારાથી કંઈ નહીં થાય, તમે પાકિસ્તાન એમ્બેસી જાઓ. આથી પરવેઝ શેખે દિલ્હી સ્થિત પાકિસ્તાન એમ્બેસી ખાતે સમગ્ર મામલે અપીલ કરી હતી અને કરાચીમાં ફસાયેલી પત્નીને પાછી લાવવા માટે વિઝા રિન્યુના જરૂૂરી ડોક્યુમેન્ટ આપી આજીજીઓ કરી હતી પરતું ભારત સરકાર દ્વારા ઓપરેશન સિંદૂર બાદ બંને દેશની સરહદ બંધ કરી દેવામાં આવી હતી, તેવું કારણ જણાવતા દિલ્હી સ્થિત એમ્બેસીમાંથી પણ તેને નિરાશા જ હાથ લાગી હતી.
હાલ પાકિસ્તાનમાં રહેતી રેહાનાએ સોશિયલ મીડિયાના માધ્યમથી ભારત સરકારને તેના પતિ અને બાળકો પાસે આવવા માટે અપીલ કરવામાં આવી છે. સાથે જ પતિ પરવેઝ શેખ અને તેના બાળકોએ પણ ભારત સરકાર અને પાકિસ્તાન સરકારને પણ રેહાનાને વીઝા મળે એ માટે આજીજી કરી છે. જ્યારે 2022માં હું ભારત આવ્યો ત્યારે મારો દીકરો દોઢ વર્ષનો હતો અને દીકરી પાંચ વર્ષની હતી. આજે ત્રણ વર્ષ થઈ ગયા, મારો દીકરો ચાર વર્ષનો થયો છે પણ હજુ તેની માતાને મળ્યો નથી. હાલ બંને સંતાનોને મારી બહેન સાચવી રહી છે. સરકાર મદદ કરે એવી વિનંતી છે.

