રીબડા અમિત ખૂંટ આપઘાત પ્રકરણની આરોપી 5ૂજા રાજગોરનું અકસ્માતમાં મોત

સાસણ ગીરથી રજાઓ ગાળી પરત ફરતા કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાઇ, અન્ય 4ને ગંભીર ઇજા ગોંડલ નજીક શ્રીનાથગઢ અને મોવિયા રોડ ઉપર બપોર નાં સુમારે…

સાસણ ગીરથી રજાઓ ગાળી પરત ફરતા કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાઇ, અન્ય 4ને ગંભીર ઇજા

ગોંડલ નજીક શ્રીનાથગઢ અને મોવિયા રોડ ઉપર બપોર નાં સુમારે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. સાસણગીરથી રજાઓ ગાળીને રાજકોટ પરત ફરી રહેલા પાંચ વ્યકિતઓ સાથે ની કાર રસ્તા પર આવેલા એક લીમડાના ઝાડ સાથે ધડાકાભેર અથડાતાં અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં કારમાં સવાર એક મહિલાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ચાર વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી છે.

પ્રાપ્ત વિગત અનુસાર આ તમામ લોકો રાજકોટ શહેરના માધાપર ચોકડી આસપાસના વિસ્તારમાં રહે છે. અકસ્માતમાં મૂળ જૂનાગઢના અને હાલ રાજકોટ રહેતા 28 વર્ષીય પૂજાબેન જીતેનભાઈ રાજગોરનું મોત નીપજ્યું છે. જ્યારે 30 વર્ષીય નિરાલીબેન મોહિતભાઈ ગોહિલ, માધાપર ચોકડી પાસે રહેતા 42 વર્ષીય લાલો સંજયભાઈ વધ્યા સંધિ, માધાપર ચોકડી રહેતા 32 વર્ષીય સંજય રાજુભાઈ જાખલિયા અને ત્રિશા મહેશભાઈ દાઢીયા ગંભીર રીતે ઘાયલ થયા છે. આ તમામ લોકો સાસણગીર ખાતે ફરવા માટે ગયા હતા અને ત્યાંથી પરત ફરી રહ્યા હતા. ત્યારે શ્રીનાથગઢ અને મોવિયા વચ્ચે કારચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતા કાર સીધી જ રોડની સાઇડમાં રહેલા લીમડાના ઝાડ સાથે ભટકાઈ હતી.

મૃતક પુજાબેન રાજગોર ચકચારી બનેલા રીબડા નાં અમીત ખુંટ આપઘાત કેસ માં આરોપી હતા.અમીત ને ફસાવવા સગીરા ને મદદગારી કરવાનો પુજાબેન ઉપર આરોપ છે. અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

અકસ્માત સર્જાતા જ આસપાસથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. તત્કાળ તમામ લોકોને ગોંડલની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ પૂજાબેનને મૃત જાહેર કર્યા હતા. જ્યારે અન્ય ચાર લોકોની હાલત વધુ ગંભીર જણાતા, પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમને વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને ત્યારબાદ હોસ્પિટલ પહોંચી ગયો હતો. પોલીસે મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને તેમના પરિવારજનોનો સંપર્ક કરવા ચક્રો ગતિમાન કર્યા છે. આ અકસ્માતનો ભોગ બનનાર તમામ પાંચ વ્યક્તિઓ એકબીજાના મિત્રો હતા કે પછી સગા-સંબંધીઓ તે અંગે પણ પોલીસે હાલ તપાસ હાથ ધરી છે.

પૂજા રાજગોરનો મૃતદેહ છ કલાક રઝળ્યો, અંતે તેના પૂર્વ પતિએ અંતિમવિધિ કરી
ગોંડલ નજીક શ્રીનાથગઢ મોવિયા રોડ પર બપોર નાં સુમારે સર્જાયેલ કાર અકસ્માત માં જેનું મોત નિપજ્યું તે પુજા રાજગોર નાં માતા પિતાએ મૃતદેહ ને સંભાળવા નનૈયો ભણી દેતા પોલીસ મુંઝવણ માં મુકાઈ હતી.આખરે રાજકોટ રહેતા તેનાં પુર્વ પતિ ને જાણ કરાતા તે ગોંડલ દોડી ગયા હતાં. પુજા રાજગોર ઇન્સ્ટાગ્રામ તથા ફેસબુક માં 92000 જેટલા ફોલોઅર્સ ધરાવતી હતી.પરંતુ તેનાં અકસ્માતે થયેલા મૃત્યુ બાદ કોઇ એ સંભાળ લેવાની દરકાર લીધીના હતી. રાજકોટનાં આહીર ચોકમાં રહેતા યશ ડોડીયા સાથે પુજાએ વર્ષ 2025માં પ્રેમ લગ્ન કર્યા હતા અને ફેબ્રુઆરી 2026 માં છુટાછેડા gomથઈ ગયા હતા. યશ ડોડીયા એ જણાવ્યું કે છુટાછેડા બાદ પુજા સાથે કોઈ સંપર્કના હતો.અકસ્માતનાં બનાવ અંગે મને વકીલ દિનેશ પાતરે જાણ કરતા માનવતા ખાતર આવ્યો છુ.જો પોલીસ મને બનાવ અંગે ફરીયાદી બનાવશે તો હું પરત ફરી જઇશ. પુજા રાજગોર મુળ જુનાગઢની છે બે બહેનો અને એક ભાઇનાં પરીવારમાં વચેટ હતી. તેનાં પિતા નિવૃત જીવન ગાળે છે. માતા પિતા એ ત્રણ વર્ષથી પુજા સાથે સબંધ તોડી નાખ્યા હોય પુજા રાજગોર રાજકોટ ચાલી આવી હતી. હાલ અકસ્માતમાં ઇજાગ્રસ્ત નિરાલી ગોહીલ સાથે રહેતી હતી. અકસ્માતની ઘટનાનાં છ કલાક બાદ આખરે પુજાનાં પુર્વ પતિ એ મૃતદેહ સંભાળવાની જવાબદારી લેતા પોલીસે પીએમ માટે તજવીજ હાથ ધરી હતી.