ક્રાઇમ
રાજસ્થાનથી ભાવનગર જતો રૂા. 23.90 લાખનો દારૂ પકડાયો
અમદાવાદ-ધોળકા હાઈવે પર સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી ભાવનગર જતાં ટ્રકમાંથી રૂા. 23.90 લાખની કિંમતની 5,661 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. રાજસ્થાનના ટ્રક ચાલકની ધરપકડ કરી પુછપરછ કરતા આ દારૂ રાજસ્થાનથી ભાવનગર લઈ જવાતો હોવાનું તપાસમાં ખુલ્યું છે. સ્ટેટ મોનીટરીંગ સેલે તપાસ કરતા ટેન્કરમાં ચોરખાનુ બનાવી દારૂનો જથ્થો છુપાવ્યો હોવાનું સામે આવ્યો હતો. દારૂ મોકલનાર, મંગાવનાર સહિત ત્રણની શોધખોળ શરૂ કરી છે. મળતી વિગતો મુજબ અમદાવાદ-ધોળકા હાઈવે પર સ્ટેટમોનીટરીંગ સેલની ટીમે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો.
જેમાં અમદાવાદ ધોળકા હાઈવે પર ટેન્કર નં. જીજે-9-ઝેડ-3312માં ચોરખાનુ બનાવીને છુપાવેલો રૂા. 23.90 લાખની કિંમતનો 5,661 બોટલ દારૂ ઝડપી પાડ્યો હતો. ટેન્કરના ચાલક રાજસ્થાનના ઉદયપુરના દુદાર ગામના સુરેશ ભીમજી શાલવીની ધરપકડ કરી પુછપરછ કરતા આ દારૂનો જથ્થો રાજસ્થાનના ઉદયપુરના ચવાન ગામના રણજીતસિંગ નામના શખ્સે મોકલ્યો હતો અને ભાવનગરના બુટલેગરે આ દારૂનો જથ્થો મંગાવ્યો હતો તેમજ એસએમસીએ ટેન્કરના માલીક સહિત ત્રણ સામે ગુનો નોંધી 23.90 લાખનો દારૂ તથા ટેન્કર સહિત રૂા. 33.98 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સ્ટેટ મોનેટરીંગ સેલના ડીઆઈજી નિર્લિપ્તરાય સાથે ડીવાયએસપી કે.ટી. કામરિયાની સુચના અને માર્ગદર્શન હઠળ સ્ટેટમોનેટરીંગ સેલના પીએસઆઈ જે.બી. બારોટ અને તેમની ટીમે કામગીરી કરી હતી.