રાજા રણછોડરાયને નડી મોંઘવારી, પૂજા-વિધિ દરમાં તોતિંગ વધારો

ગુજરાતના સુપ્રસિધ્ધ યાત્રાધામ અને લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર ગણાતા ધર્મસ્થાન ડાકોરના રાજા રણછોડરાયજીને પણ હવે મોંઘવારી નડી હોય તેમ ડાકોરના મંદિરમાં પૂજા-વિધિના દરોમાં બમણાથી ચાર…

ગુજરાતના સુપ્રસિધ્ધ યાત્રાધામ અને લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર ગણાતા ધર્મસ્થાન ડાકોરના રાજા રણછોડરાયજીને પણ હવે મોંઘવારી નડી હોય તેમ ડાકોરના મંદિરમાં પૂજા-વિધિના દરોમાં બમણાથી ચાર ગણો વધારો કરવામાં આવતા ભક્તોમાં દેકારો મચી જવા પામેલ છે આ વધારો આગામી તા.11 મે સોમવારથી જ અમલી બનનાર છે.

ડાકોરમાં બિરાજતા રાજા રણછોડરાયજીના મંદિરમાં મનોરથ કરવા ઈચ્છતા ભક્તો પર મોટો આર્થિક બોજ આવી પડ્યો છે. ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા મંદિરમાં થતી વિવિધ ધાર્મિક વિધિઓ, ધજા આરોહણ અને રાજભોગ જેવા મનોરથોના દરોમાં તોતિંગ વધારો ઝીંકી દેવામાં આવતાં ભક્તોમાં ભારે રોષ અને આશ્ચર્ય જોવા મળી રહ્યું છે.

મંદિરના સુવર્ણ શિખર પર ધજા ચઢાવવાનું ભક્તોમાં વિશેષ મહત્વ હોય છે. અત્યારસુધી આ આસ્થા માટે ભક્તોએ જે રકમ ચૂકવવી પડતી હતી, તેમાં મોટો તફાવત જોવા મળ્યો છે આજ રીતે રાજભોગ અને કુંજ મનોરથ, ભગવાનને ધરાવવામાં આવતા રાજભોગ અને મંદિરમાં યોજાતા વિશેષ કુંજ મનોરથના ભાવમાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.

રાજભોગ સેવા માટે ₹3,900 લેવામાં આવતા હતા, જે હવે વધારીને ₹9,345 કરી દેવામાં આવ્યા છે. ભક્તો જે કુંજ મનોરથ માટે ₹5,100 ચૂકવતા હતા, તેના માટે હવે ટેમ્પલ કમિટીએ ₹11,000નો દર નિર્ધારિત કર્યો છે.
હિન્દુ ધર્મમાં તુલસીવિવાહનું અત્યંત મહત્વ છે અને અનેક શ્રદ્ધાળુઓ ડાકોરના ધામમાં આ વિધિ કરાવતા હોય છે. આ ધાર્મિક પ્રસંગ માટે અગાઉ ₹25,000નો ચાર્જ હતો, જે હવે સીધો ડબલ કરીને ₹51,000 કરી દેવામાં આવ્યો છે. જ્યારે ધ્વજા રોહણના દર અગાઉ રૂા.610 હતા તે સીધા ચાર ગણા વધારીને 2500 કરી દેવામાં આવ્યા છે.

ગરીબોના બેલી ગણાતા રણછોડરાયના દ્વારે અચાનક કરાયેલા આ ભાવવધારાને પગલે સોશિયલ મીડિયાથી લઈ મંદિર પરિસર સુધી ટીકાઓ થઈ રહી છે. ભક્તોનું કહેવું છે કે, ભક્તિ અને આસ્થાના વિષયમાં આટલો મોટો વ્યવસાયિક વધારો યોગ્ય નથી. સામાન્ય અને મધ્યમ વર્ગના ભક્તો જે વર્ષોથી પોતાની માનતા પૂરી કરવા આવતા હોય છે, તેમના માટે હવે આ મનોરથો કરવા આર્થિક રીતે કષ્ટદાયક બનશે.

મંદિર વહીવટી તંત્ર દ્વારા આ ભાવવધારા પાછળનું સત્તાવાર અને સ્પષ્ટ કારણ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ આ નિર્ણયને કારણે હાલ સમગ્ર ખેડા જિલ્લા અને ભક્ત સમુદાયમાં ભારે ચર્ચા જાગી છે. શ્રદ્ધાળુઓ આશા રાખી રહ્યા છે કે કમિટી આ નિર્ણય પર પુન:વિચારણા કરે જેથી સામાન્ય ભક્ત પણ ઠાકોરજીના લાડ લડાવી શકે.