Site icon Gujarat Mirror

રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં રાદડિયા જૂથનો દબદબો, મેન્ડેટ વિરુદ્ધ ઉતરેલા ઉમેદવારો જીત્યા

 

 

લોધિકા ખરીદ વેચાણ સંઘની પાંચ બેઠકો માટે ગઇકાલે યોજાયેલા મતદાન બાદ આજે પરિણામ જાહેર થયું છે. જેમાં પ્રશાંત કોરાટ અને જયેશ રાદડિયા જૂથ વચ્ચેની લડાઈમાં જયેશ રાદડિયા જૂથનો દબદબો જોવા મળ્યો છે. આ ચૂંટણીમાં પાર્ટીના મેન્ડેન્ટ વિરુદ્ધ ફોર્મ ભરનાર બે મહત્વની સીટ પર ભાજપના બળવાખોર ઉમેદવારોની જીત થઈ છે. કુવાડવા બેઠક પરથી પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીનો પરાજય થયો છે, જ્યારે માધાપર બેઠક પરથી પૂર્વ ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજાના પિતા પૃથ્વીસિંહ ઉર્ફે ઘોઘુભા જાડેજાને પણ કારમી હારનો સામનો કરવો પડ્યો છે.

પાર્ટી દ્વારા મેન્ડેટ પણ આપવામાં આવ્યું હતું અને મતદારોને વ્હિપ આપવા છતાં 2 બેઠક પર અપસેટ સર્જાયો છે. વ્હિપનો અનાદર થતા બળવાખોર ઉમેદવાર વિજય સખીયા, નીતિન ચોવટીયાની જીત થઈ છે. આ બન્ને ઉમેદવારોની તરફેણમાં તમામ મતદારોએ મતદાન કર્યું હોવાથી પાર્ટીએ મેન્ડેટ આપનાર ઉમેદવાર અરવિંદ રૈયાણી અને પૃથ્વીસિંહ ઉર્ફે ઘોઘુભા જાડેજાની હાર થઈ છે.

રાજકોટ લોધીકા ખરીદ-વેચાણ સંઘમાં કુલ 15 બેઠકોમાંથી 10 બેઠકો બિનહરીફ થઈ હતી, જ્યારે બાકીની 5 બેઠકો માટે ગઈકાલે ચૂંટણી યોજાઈ હતી.આ પાંચ બેઠકો પર ભાજપ સામે ભાજપના જ ઉમેદવારો મેદાનમાં હતા. મેન્ડેટ અને વ્હિપ વચ્ચે યોજાયેલી આ ચૂંટણીમાં બે બેઠકો પર મોટો અપસેટ સર્જાયો છે.

બીજી તરફ ત્રંબા બેઠક પર રોમાંચક ટાઈ જોવા મળી હતી. બંને ઉમેદવારોને બે-બે મત મળતા ટાઈ પડી હતી. ત્યારબાદ ચિઠ્ઠી ઉછાળવામાં આવતા પાર્ટીના મેન્ડેટવાળા ઉમેદવાર નિતીન રામાણીનો વિજય થયો છે.જ્યારે હલેન્ડા બેઠક પર પાર્ટીના મેન્ડેટવાળા મહેશ આસોદરીયાનો વિજય થયો છે.અને ખોખડદડ બેઠક પર જયેશ રાદડિયા જૂથના વિરોધી બાબુ નસીતની જીત થઈ છે.

આ રીતે પાંચ બેઠકોના પરિણામમાં એક બેઠક બાબુ નસીતને બાદ કરતા મોટાભાગની બેઠકો પર જયેશ રાદડિયા જૂથના ઉમેદવારોનો દબદબો જોવા મળ્યો છે.

 

Exit mobile version