આર.પ્રજ્ઞાનાનંદજી બન્યા ગ્રાન્ડ ચેસ ટૂર જીતનાર પ્રથમ ભારતીય

ધૈર્ય, રણનીતિ અને માનસિક મનોબળની કસોટી સમાન મુકાબલો જીતી 2027ના ગ્રાન્ડ ચેસ ટૂર માટે કવોલિફાય વિશ્વ ચેસના આકાશમાં ભારતીય ત્રિરંગો એકવાર ફરીથી અત્યંત ગૌરવ સાથે…

ધૈર્ય, રણનીતિ અને માનસિક મનોબળની કસોટી સમાન મુકાબલો જીતી 2027ના ગ્રાન્ડ ચેસ ટૂર માટે કવોલિફાય

વિશ્વ ચેસના આકાશમાં ભારતીય ત્રિરંગો એકવાર ફરીથી અત્યંત ગૌરવ સાથે લહેરાયો છે. ભારતના યુવા અને અત્યંત પ્રતિભાશાળી ગ્રાન્ડમાસ્ટર આર પ્રજ્ઞાનાનંદે અમેરિકાના સેન્ટ લુઇસ ખાતે આયોજિત પ્રતિષ્ઠિત ગ્રાન્ડ ચેસ ટૂરનો ખિતાબ પોતાના નામે કરીને રમત જગતમાં એક નવો ઇતિહાસ રચી દીધો છે . આ સાથે જ તેઓ આ સુપર-એલિટ ચેસ ટ્રોફી જીતનારા દેશના સૌપ્રથમ ભારતીય ખેલાડી બની ગયા છે. આ જીત માત્ર એક ટ્રોફી પૂરતી સીમિત નથી, પરંતુ વિશ્વ ચેસમાં ભારતના વધતા દબદબા અને તાકાતની સ્પષ્ટ સાક્ષી પૂરે છે.

આ ફાઇનલ મુકાબલો કોઈ સામાન્ય રમત ન હતી, પરંતુ ધૈર્ય, રણનીતિ અને માનસિક મનોબળની કસોટી સમાન હતો. ફાઇનલ મેચના અંતિમ દિવસે એક સમયે પ્રજ્ઞાનાનંદ વર્તમાન ચેમ્પિયન અને વિશ્વના દિગ્ગજ ખેલાડી ફાબિયાનો કારુઆના સામે આખા 6 પોઇન્ટથી પાછળ ચાલી રહ્યા હતા. વિવેચકો અને ચેસ પ્રેમીઓએ લગભગ માની લીધું હતું કે ખિતાબ હાથમાંથી સરી ગયો છે. પરંતુ પ્રજ્ઞાનાનંદે પોતાની અદભુત ધૈર્યશક્તિ અને અદ્વિતીય રણનીતિ વડે એવી વાપસી કરી કે આખી દુનિયા દંગ રહી ગઈ.

ક્લાસિકલ મુકાબલાના અંતે પ્રજ્ઞાનાનંદ 3-9ના સ્કોરથી પાછળ ચાલી રહ્યા હતા. કારુઆના જેવા અનુભવી અને મજબૂત ખેલાડી સામે 6 પોઇન્ટના મોટા તફાવતને પૂરો કરવો એ ચેસની રમત ક્ષેત્રે લગભગ અશક્ય જેવી બાબત માનવામાં આવે છે. પરંતુ પ્રજ્ઞાનાનંદે હાર માનવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. રમત જેમ-જેમ આગળ વધી તેમ-તેમ આ ભારતીય યુવા ખેલાડીએ પોતાનું વાસ્તવિક કૌશલ્ય બતાવવાનું શરૂૂ કર્યું. રેપિડ રાઉન્ડમાં પ્રજ્ઞાનાનંદે આક્રમક પરંતુ સંતુલિત રમતનું પ્રદર્શન કર્યું અને સતત બંને રેપિડ ગેમ્સ જીતીને સ્કોર 11-9 સુધી પહોંચાડી દીધો.

આ ઐતિહાસિક વિજય બાદ ખુશી વ્યક્ત કરતા આર પ્રજ્ઞાનાનંદે જણાવ્યું હતું કે, ફાઇનલમાં 6 પોઇન્ટના મોટા અંતરને પૂરો કરવો જરાય આસાન નહોતો. કારુઆના જેવા વર્લ્ડ ક્લાસ ખેલાડી સામે આવી સ્થિતિમાં વાપસી કરવી ખૂબ મોટી પડકારરૂૂપ બાબત હતી. પરંતુ છેલ્લા એક વર્ષ દરમિયાન મેં મારી રેપિડ અને બ્લિટ્ઝ રમતમાં જે સુધારા કર્યા છે અને સતત રણનીતિ પર કામ કર્યું છે, તેણે જ આ વિજયમાં સૌથી અગત્યની ભૂમિકા ભજવી છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે આ વિજયથી તેમનો આત્મવિશ્વાસ આગામી મોટી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે અનેકગણો વધી ગયો છે અને તેઓ ભવિષ્યમાં દેશ માટે વધુ સુવર્ણ ક્ષણો લાવવા માટે કટિબદ્ધ છે.

કરોડો રૂપિયાનો ઇનામી પુરસ્કાર
આ ખિતાબી જીત સાથે જ પ્રજ્ઞાનાનંદ માટે વર્ષ 2026 એક યાદગાર અને સિદ્ધિઓથી ભરેલું વર્ષ સાબિત થયું છે. ગ્રાન્ડ ચેસ ટૂરના ચેમ્પિયન બનવા બદલ તેમને વિજેતા તરીકે 200,000 યુએસ ડોલર (લગભગ ₹1.91 કરોડ) નો ભવ્ય રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. આટલું જ નહીં, આ જીત સાથે તેમણે આગામી 2027 ના ગ્રાન્ડ ચેસ ટૂર માટે સીધું જ ક્વોલિફિકેશન પણ મેળવી લીધું છે. ગ્રાન્ડ ચેસ ટૂર 2026ના સમગ્ર સર્કિટ દરમિયાન પ્રજ્ઞાનાનંદે પોતાની શ્રેષ્ઠ રમતથી કુલ 404,354 યુએસ ડોલર (લગભગ ₹4 કરોડ રૂૂપિયા)ની માતબર ઇનામી રકમ પ્રાપ્ત કરી છે.