પ્રોપેન ગેસમાં 3નો વધારો, ભાવ નેચલર ગેસની લગોલગ

અમેરિકા – ઈરાન વચ્ચે ચાલતા યુદ્ધની સ્થિતિમાં મોરબીના સિરામિક ઉદ્યોગની ખો નીકળી રહી છે.હાલમાં મિડલ ઇસ્ટમાં એકંદરે શાંતિ હોવાની સાથે ગેસનો પુરવઠો અમેરિકા તરફથી આવી…

અમેરિકા – ઈરાન વચ્ચે ચાલતા યુદ્ધની સ્થિતિમાં મોરબીના સિરામિક ઉદ્યોગની ખો નીકળી રહી છે.હાલમાં મિડલ ઇસ્ટમાં એકંદરે શાંતિ હોવાની સાથે ગેસનો પુરવઠો અમેરિકા તરફથી આવી રહ્યો છે છતાં પણ પ્રોપનના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે જેમાં ઓક્ટોબર માસમાં તોતિંગ વધારા બાદ આજે નવેમ્બર માસના પ્રારંભે જ પ્રોપેન ડિલરોએ પ્રોપેનના ભાવમાં સુતળી બોમ્બ જેવો રૂૂ.3નો વધારો ઝીકતા પ્રોપેનના ભાવ 104 રૂૂપિયા થયા છે. સાથે જ આ ભાવવધારા બાદ હવે નેચરલ ગેસ અને પ્રોપેન સમાંતર થઈ ગયા છે.

મિડલ ઇસ્ટમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે મોરબીના સિરામિક ઉદ્યોગની માઠી દશા બેઠી હોય તેવી સ્થિતિ છે. સિરામિક ઉદ્યોગ એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિમાં એક્સપોર્ટ વેપાર ઠપ્પ થતા ડોમેસ્ટિક માર્કેટમાં થોડો ઘણો વ્યાપાર કરી કેટલાક ઉદ્યોગકારો શટડાઉનનો વિકલ્પ અપનાવી અસ્તિત્વ ટકાવી રહ્યા છે તેવા સમયે જ પ્રોપેન ગેસ ડિલર્સ દ્વારા દિવાળી સમયે જ ભાવ વધારાના રોકેટ છોડી આજે તા.1 નવેમ્બરથી રૂૂ.3ના ભાવ વધારાનો સુતળી બોમ્બ ફોડતા પ્રોપેન ગેસના ભાવ રૂૂ.104ની સપાટી કૂદાવી ગયા છે. મહ્ત્વનું છે કે, અત્યાર સુધી પ્રોપેન નેચરલ ગેસની તુલનાએ 20 ટકા સસ્તો પડતો હોવાથી ઉદ્યોગકારો પ્રોપેનનો વપરાશ કરતા હતા પરંતુ હવે પ્રોપેન અને નેચરલ ગેસ સમાંતર આવી ગયા છે.

મહત્વનું છે કે, સિરામિક ક્લસ્ટર મોરબીમાં લાંબા સમયથી ગુજરાત ગેસ કંપનીના નેચરલ ગેસના વિકલ્પે પ્રોપેન – એલપીજી ગેસ વાપરવામાં આવી રહ્યો છે. પ્રોપેન સસ્તો પડતો હોવાથી વધારાનો ખર્ચ કરીને સિરામિક ઉદ્યોગકારોએ કરોડના ખર્ચે ખાસ સિસ્ટમ લગાવી મોટાભાગના નેચરલ ગેસની સાથે પ્રોપેન વપરાશ કરી રહ્યા છે. જો કે, હાલમાં ગુજરાત ગેસ કંપનીનો નેચરલ ગેસ જુના રેગ્યુલર ગ્રાહકોને 82 રૂૂપિયા અને નવા ગ્રાહકોને 90 રૂૂપિયાના ભાવે મળી રહ્યો છે. હાલ પ્રોપેનના ભાવ પણ 104 થતા જુના ગ્રાહકોને તો નેચરલ ગેસ જ સસ્તો પડી રહ્યો હોય ફરી ઉદ્યોગકારો નેચરલ ગેસ તરફ વળે તેવી સંભાવના છે.

સિરામિક ઉદ્યોગકારોને મતે પ્રોપેનના ભાવમાં હજુ પણ ભાવ વધારો તોળાઈ રહ્યો છે. ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ દિવાળી બાદ તા.20 નવેમ્બર સુધીમાં પ્રોપેનમાં હજુ રૂૂ.6નો ભાવ વધારો આવે તેવી શકયતા હોવાનું તેમજ આગામી ડિસેમ્બર મહિનામાં પ્રોપેનના ભાવ રૂૂ.120ને આંબી જાય તેમ હોવાની પણ હાલમાં વ્યાપક ચર્ચાઓ ઉઠી છે. જો કે, એક વાત એ પણ છે કે, હાલમાં મોટાભાગનો ગેસ અમેરિકા તરફથી આવી રહ્યો હોય છતાં પણ કારણ વગર પ્રોપેનના ભાવમાં સતત વધારો થઈ રહ્યો હોય સિરામિક લોબીમાં ઓઇલ કંપનીઓ અને ગેસ ડિલર્સની મનમાની સામે રોષે જોવા મળી રહ્યો છે.