ગુજરાત
દિવાળી ઉપર ખાનગી બસોના ભાડા હવાઈ મુસાફરી કરતાં પણ વધારે
સુરતથી સૌરાષ્ટ્રમાં આવતા રત્નકલાકારો પાસેથી ભાડાં બમણાં: ઉઘાડી લૂંટ
રાજકોટ, અમરેલી, ભાવનગર અને ઉના તરફના એક સીટના 1200 થી 2000 સુધીના ભાવ
સુરતમાં વસતા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના લોકો દિવાળી પર પોતાના વતન જતાં હોય છે. ત્યારે મોટી સંખ્યામાં જતાં રત્નકલાકારો સહિતના લોકોને લૂંટવાનો કારસો રચાયો હોય તેવું સામે આવ્યું છે. લક્ઝરી બસના સંચાલકો દ્વારા ભાડામાં દિવાળીના ટ્રાફિકને ધ્યાનમાં રાખીને બમણાંથી વધુનો વધારો કર્યો છે.
દિવાળીનો તહેવાર હવે શરૂૂ થઈ રહ્યો છે. આ તહેવારને કારણે ઘણા લોકો પોતાના વતન જાય છે. આ માટે કેટલાક લોકોએ ત્રણ મહિના પહેલા જ ટ્રેનની ટિકિટ બુક કરાવી છે. પરંતુ ઘણાને ટ્રેનની ટિકિટ મળી ન હતી. તેમનો વિકલ્પ ખાનગી પેસેન્જર પરિવહન છે. દિવાળી દરમિયાન ભીડનો લાભ લઈ ખાનગી બસોની ટિકિટના ભાવમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. કેટલીક જગ્યાએ ખાનગી બસના ભાડા હવાઈ મુસાફરી કરતા પણ વધારે છે. દિવાળી દરમિયાન ધસારાના કારણે ખાનગી બસનો ટ્રાફિક સારો થઈ રહ્યો છે અને સામાન્ય મુસાફરોને હાલાકી પડી રહી છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના રહેવાસીઓએ સુરતને કર્મભૂમિ બનાવી દીધી છે.
આ સૌરાષ્ટ્રવાસીઓ અને ઉત્તર ગુજરાતવાસીઓ સુરતના હીરા અને આ વ્યવસાય સાથે સંકળાયેલા છે અને રોજગારી મેળવી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. ક્યારે મોટી સંખ્યામાં દિવાળી વેકેશનમાં વતન પરત ફરતા હોય છે. સુરતના હીરા ઉદ્યોગની મંદીમાં બેવડ વળી ગયેલા રત્નકલાકારોને લક્ઝરી બસ સંચાલકો લૂંટી રહ્યા હોવાની વ્યાપક ફરિયાદ ઊઠી છે. લક્ઝરીના ડબલ સોફા બોક્સનો ભાવ 3000 રૂૂપિયા સુધી પહોંચી ગયો છે. ખાસ કરીને વેકેશનમાં વતન જવા માટે થનગની રહેલા રત્નકલાકારોને ડબલ ભાડાં વસૂલી ખંખેરી લેવાનું શરૂૂ કરી દેવાયું છે.
સરકારી બસની અપૂરતી સંખ્યા સામે સુરતથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના પેસેન્જરોને લઈ જવા લક્ઝરી બસના સંચાલકો બમણો ભાવ વસૂલી રહ્યા છે. સુરત થી રાજકોટ માટે એક સીટનો ભાવ 1000 થી 1400 પહોચી ગયો છે. ડબલના સોફામાં જ્યાં કેપેસિટી બે વ્યક્તિની છે, એમાં ચાર રત્નકલાકારો વ્યક્તિ દીઠ 1000 થી 1400 વસુલી કુલ 3000 થી 4000 રૂૂપિયા ચૂકવી રહ્યા છે. ઊના જવા માટે સિંગલના સોફાના સામાન્ય દિવસોમાં 800 રૂૂપિયા હોય છે, હાલ 1600 થી 2000 રૂૂપિયા લેવામાં આવી રહ્યા છે. સામાન્ય દિવસોમાં જૂનાગઢ જવાનો ભાવ 650થી 700 રૂૂપિયા હોય છે, એના 1400 વસૂલવામાં આવી રહ્યા છે. અમરેલીના 1000 થી 1400 રૂૂપિયા, ભાવનગરના 500 રૂૂપિયા સામે 1200 થી 1500 રૂૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે.
અત્રે નોંધનીય છે કે, આ સમસ્યા નવી નથી, દર વર્ષે દિવાળીના થોડા દિવસો પૂર્વે ખાનગી, લક્ઝરી બસોના સંચાલકોની ઉઘાડી લૂંટ શરૂૂ થઈ જાય છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિત મોટાભાગની ખાનગી લક્ઝરી બસોના ભાવો બમણા કે ત્રણ ગણા સુધી થઈ જાય છે. વર્ષોવર્ષ રત્નકલાકારો, તેમનાં સંગઠનો દ્વારા સત્તાધીશોને ફરિયાદો થતી રહી છે, પરંતુ આ સમસ્યાનું હજુ સુધી યોગ્ય નિરાકરણ લાવી શકાયું નથી.
રત્નકલાકારોને દિવાળી ઉપર વતનમાં જવા-આવવા 6થી 7 હાજરનો ખર્ચ
ખાસ કરીને હીરા ઉદ્યોગમાં હાલ ઘેરી મંદી ચાલી રહી છે. અનેક રત્નકલાકારોએ નોકરી ગુમાવી છે, તો ઘણા અડધા પગારે જેમતેમ ઘરનું ગાડું ચલાવી રહ્યા છે. ત્યારે આવા વિપરીત સંજોગોમાં બેહાલ રત્નકલાકારોને લૂંટવાનું કાવતરું અસહ્ય બની રહ્યું છે. માત્ર હીરા ઉદ્યોગ જ નહીં, પરંતુ અન્ય કામ-ધંધા પણ મંદીને કારણે ઠપ્પ છે. ત્યારે સરકાર આ મુદ્દે તરત હસ્તક્ષેપ કરે અને ખાનગી, લક્ઝરી બસોના સંચાલકોની લૂંટ બંધ કરાવે તેવી માંગ ઊઠી છે. જે રત્નકલાકારો પાસે કામ બચ્યું છે, એમને માંડ 15,000 થી 20 હજર જેટલો પગાર મળે છે તેમાં વતન માં જવા લક્ઝરી બસનો ઉપયોગ કરે તો એક પરિવારને 6000થી 7000 રૂૂપિયા તો વતને જવા-આવવાનો ખર્ચ થઈ શકે છે, ત્યારે આવા લોકો દિવાળી કઈ રીતે ઊજવશે, એવો પ્રશ્ન સર્જાયો છે. સરકારી બસની ઘટ અને ખાનગી બસના ભાડામાં બમણો વધારો થતા રત્નકલાકારો આર્થિક કટોકટીમાં કસાઈ ગયા છે.