વડાપ્રધાન મોદી તા.11-12 મેએ ફરી ગુજરાતના પ્રવાસે

સોમનાથમાં ‘સ્વાભિમાન પર્વ’ અને ગાંધીનગર ખાતે બ્રિકસ સંમેલનમાં હાજરી, વડોદરામાં સરદારધામ સંકુલનું કરશે લોકાર્પણ ગુજરાતમાં ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનની તૈયારીઓ શરૂૂ થઈ ગઈ…

સોમનાથમાં ‘સ્વાભિમાન પર્વ’ અને ગાંધીનગર ખાતે બ્રિકસ સંમેલનમાં હાજરી, વડોદરામાં સરદારધામ સંકુલનું કરશે લોકાર્પણ

ગુજરાતમાં ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનની તૈયારીઓ શરૂૂ થઈ ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, આગામી 11 મેના રોજ પ્રધાનમંત્રી મોદી વડોદરાની મુલાકાત લે તેવી પ્રબળ શક્યતા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ વડોદરામાં નેશનલ હાઈવે પાસે નવનિર્મિત ભવ્ય ’સરદારધામ’ સંકુલનું લોકાર્પણ કરીને જનતાને સમર્પિત કરી શકે છે.

વડાપ્રધાન મોદી સોમનાથ મંદિરના સ્વાભિમાન પર્વમાં પણ ઉપસ્થિત રહેશે. સોમનાથ મંદિરના પુન: નિર્માણને 75 વર્ષ થતાં ભવ્ય ઉજવણી કરવામાં આવશે સાથોસાથ શ્રદ્ધા અન વિકાસના સંગમ સાથે વડાપ્રધાનનો ગુજરાત પ્રવાસ ખૂબ મહત્વનો માનવામાં આવી રહ્યું છે ત્યારે સોમનાથ અને વડોદરામાં વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ શરૂૂ કરી દેવામાં આવી રહી છે. વડાપ્રધાનના ગુજરાત પ્રવાસમાં અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આધ્યાત્મિક અને સામાજિક ક્ષેત્રના ખૂબ મોટા પ્રોજેક્ટ ખુલ્લા મુકવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ છે તેથી તેઓ આ પ્રસંગે હાજર રહી સોમનાથ દાદાની વિશેષ પૂજા અને અર્ચના પણ કરશે અને આ પર્વત દ્વારા સોમનાથના ભવ્ય ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિના ઉત્થાનનો સંદેશ પણ વિશ્વભરમાં પહોંચાડશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની જીત થતા વડાપ્રધાનનો ગુજરાત પ્રવાસ અનેકવિધ રીતે મહત્વનું માનવામાં આવી રહ્યો છે.

પીએમના સંભવિત પ્રવાસને પગલે સ્થાનિક વહીવટીતંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. તાજેતરમાં જ જિલ્લા કલેક્ટર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સરદારધામ સંકુલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા, હેલીપેડ અને કાર્યક્રમના આયોજન અંગે ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી, જેથી કાર્યક્રમ નિર્વિઘ્ને સંપન્ન થઈ શકે.

વડોદરામાં તૈયાર થયેલું આ સરદારધામ સંકુલ અંદાજે 150 કરોડ રૂૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. આ વિશાળ સંકુલમાં આધુનિક સુવિધાઓ સાથેનું છાત્રાલય બનાવવામાં આવ્યું છે, જેમાં 2000 જેટલા દીકરા-દીકરીઓ માટે રહેવા-જમવાની ઉત્તમ વ્યવસ્થા ઉપલબ્ધ છે. ગ્રામીણ અને શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓ માટે આ સંકુલ આશીર્વાદરૂૂપ સાબિત થશે. સરદારધામ માત્ર રહેવા માટેનું છાત્રાલય જ નહીં, પરંતુ શિક્ષણનું કેન્દ્ર પણ બનશે. અહીં UPSC અને GPSC જેવી પ્રતિષ્ઠિત સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ખાસ ટ્રેનિંગ સેન્ટર શરૂૂ કરવામાં આવશે. ઉચ્ચ ગુણવત્તાયુક્ત કોચિંગ અને યોગ્ય માર્ગદર્શન પૂજું પાડીને વિદ્યાર્થીઓને સરકારી સેવાઓમાં કારકિર્દી બનાવવા માટે અહીંથી પ્રોત્સાહન આપવામાં આવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આ કાર્યક્રમમાં હાજરી આપશે. મધ્ય ગુજરાતમાં પાટીદાર સમુદાયના લોકો મોટી સંખ્યામાં હાજરી આપે તેવી અપેક્ષા છે. તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, મુંબઈ-અમદાવાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કડક સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
દરમિયાન, 11 અને 12 મેના રોજ ગાંધીનગરમાં બ્રિક્સ દેશોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે, જેમાં વડા પ્રધાન 11 મેના રોજ હાજરી આપે તેવી અપેક્ષા છે. આ બેઠક ગાંધીનગરની ધ લીલા હોટેલમાં યોજાવાની અપેક્ષા છે અને તેને રાજ્ય માટે એક મહત્વપૂર્ણ રાજદ્વારી જોડાણ તરીકે જોવામાં આવે છે.

બ્રિક્સમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે, અને ભારત હાલમાં અધ્યક્ષપદ ધરાવે છે. આગામી ચર્ચાઓ વૈશ્વિક નીતિ દિશા, આર્થિક સહયોગ, નવી ટેકનોલોજી, નવીનતા અને ભાવિ વિકાસ માળખા પર ધ્યાન કેન્દ્રિત કરે તેવી અપેક્ષા છે. એવું માનવામાં આવે છે કે આંતરરાષ્ટ્રીય બેઠકની તૈયારીઓ ચાલી રહી છે, જેમાં મુલાકાતી પ્રતિનિધિઓ માટે સુરક્ષા, પ્રોટોકોલ અને આતિથ્યનો સમાવેશ થાય છે. અધિકારીઓ આ કાર્યક્રમનું સુચારુ સંચાલન સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ પગલાં લેવાની યોજના બનાવી રહ્યા છે.