સિંગતેલમાં ડબ્બે રૂા.20 અને કપાસીયા તેલમાં 15નો ઘટાડો

આગામી તહેવારોની મોસમ પૂર્વે સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટમાંથી સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારો તેમજ ગૃહિણીઓ માટે આનંદદાયક સમાચાર સામે આવ્યા છે. મોંઘવારીના માર વચ્ચે રાજકોટ ખાદ્યતેલ…

આગામી તહેવારોની મોસમ પૂર્વે સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટમાંથી સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારો તેમજ ગૃહિણીઓ માટે આનંદદાયક સમાચાર સામે આવ્યા છે. મોંઘવારીના માર વચ્ચે રાજકોટ ખાદ્યતેલ બજારમાં સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. તહેવારો ટાણે જ તેલના ડબ્બાના ભાવમાં નરમાઈ આવતાં રસોડાનું બજેટ સંતુલિત બનશે, જેને લઈને ગૃહિણીઓએ થોડો રાહતનો શ્વાસ લીધો છે.

સ્થાનિક તેલબજારના વેપારીઓના જણાવ્યા મુજબ, બજારમાં ખાદ્યતેલની આવક અને માંગના સંતુલનને કારણે ભાવમાં ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. આજના ઘટાડા બાદ રાજકોટ બજારમાં તેલના ડબ્બાના નવા ભાવ આ મુજબ રહ્યા છે. સીંગતેલ: સીંગતેલના 15 કિલોના ડબ્બામાં સીધો રૂપિયા 20નો ઘટાડો થયો છે. આ ઘટાડા બાદ હવે સીંગતેલ પ્રતિ ડબ્બાનો ભાવ ઘટીને ₹2,860 થી ₹2,910 ની સપાટીએ પહોંચ્યો છે. કપાસિયા તેલ: ગુજરાતમાં સૌથી વધુ વપરાતા કપાસિયા તેલના ભાવમાં પણ પ્રતિ ડબ્બે રૂૂપિયા 15 નો ઘટાડો નોંધાયો છે. જેથી હવે કપાસિયા તેલનો ભાવ પ્રતિ ડબ્બો ₹2,585 થી ₹2,625 થયો છે.

નવરાત્રી અને દિવાળી જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે ફરસાણ, મિઠાઈ અને તહેવારોના પકવાન બનાવવા માટે તેલની માંગ ખૂબ ઊંચી રહેતી હોય છે. આવા સમયે સામાન્ય રીતે ખાદ્યતેલના ભાવ ભડકે બળતા હોય છે, પરંતુ તેના બદલે સીંગતેલ અને કપાસિયા બંને મુખ્ય તેલમાં ઘટાડો નોંધાતાં લોકોના ખિસ્સા પરનો બોજ થોડો હળવો થશે. બજારના સૂત્રોના જણાવ્યા અનુસાર, જો પુરવઠો યથાવત રહેશે તો આગામી દિવસોમાં ભાવ સ્થિર રહેવાની સંભાવના છે.