Site icon Gujarat Mirror

ગોંડલ સરકારી હોસ્પિટલમાં ડોક્ટરો ચાલુ ફરજે ઘેરહાજર રહેતા આરોગ્ય મંત્રીને રજૂઆત

ગોંડલ ની સિવિલ હોસ્પિટલ નાં અંધેર તંત્ર અંગે સામાજિક સંસ્થાઓ અને આગેવાનોએ અનેક રજુઆતો કરવા છતા પરિસ્થિતિ જેમની તેમ હોય યુવા ભાજપ દ્વારા આરોગ્યમંત્રીને રજૂઆત કરાઇ છે. ગોંડલ યુવા ભાજપ ઉપપ્રમુખ કુલદીપસિંહ જાડેજાએ સરકારી હોસ્પિટલમાં ડોક્ટરો ચાલુ ફરજ દરમિયાન સતત ગેરહાજર રહેતા હોય રાજ્યના આરોગ્ય મંત્રી ને લેખિત રજૂઆત કરી હતી.

તેઓએ જણાવ્યું હતું કે સરકારી હોસ્પિટલમાં ડોક્ટરો ની ફરજ પર હાજરી બતાવવામાં આવે છે પરંતુ ખરેખર ડોક્ટરો સવાર થી બપોર સુધી જ જોવા મળે છે બપોર બાદ ડોક્ટરો હાજર રહેતા નથી જે અંગે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ને જાણ તેમજ રજૂઆત કરતા તેઓએ એવું જણાવ્યું કે ડોક્ટરો અમારું પણ માનતા ન હોય પોતાની ઇચ્છા મુજબ જતા રહે છે જે ખૂબ જ ગંભીર બાબત કહેવાય. આ અંગે આરોગ્ય મંત્રી , વિભાગીય નાયબ નિયામક રાજકોટ વિભાગને અનેક રજૂઆતો કરેલ તેમ છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. ડોક્ટર માટેનો સમય 9.30 થી 12.30 અને બપોરે 4 થી 6 લખેલા છે તો શું ડોક્ટરોને માત્ર 5 કલાક ની જ ફરજ સોંપવામાં આવે છે??અનેક ડોક્ટરો બપોર બાદ જોવા જ મળતા નથી ત્યારે આરોગ્ય તંત્ર શા કારણે પગલા લેવામાં નિષ્ફળ છે જે ગંભીર બાબત કહેવાય.

મેડિકલ સ્ટોર પર અવાર નવાર દવાઓ નથી એવું જણાવવામાં આવે છે અને જ્યારે ઉપરી અધિકારી સાથે વાત કરાવવામાં આવે તો દવાઓ આપવામાં આવે છે તો શું આ યોગ્ય છે? નાના અને ગરીબ વ્યક્તિઓ સારવાર અને દવાઓ માટે ક્યાં જશે? શું દવાઓ બારોબાર આપી દેવામાં આવે છે કે પછી ન આપવાનું કોઇ કારણ છે જે તપાસ નો વિષય છે. આ અંગે ગંભીરતા દાખવી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવું રજૂઆત માં જણાવાયુ હતુ.

Exit mobile version