ગુજરાત
જેતપુર, અંબાજી સહિત 8 નવા સિંહ સફારી પાર્ક બનાવવા તૈયારી
રાજકોટમાં 28 હેકટરમાં બનનાર સફારી પાર્કનું કામ પ્રગતિમાં: સિંહના સંવર્ધન માટે કમર કસતી સરકાર
ગાંધીનગર, વાંસદામાં બની શકે, કચ્છ, અમરેલી, કેવડિયા અને ઉનામાં મળેલી મંજૂરી: નારાયણ સરોવર પાસે 300 હેકટરમાં બ્રીડીંગ સેન્ટર અને પાર્ક બનાવવા પ્રોજેકટ
સિંહોના વસવાટ અને સુરક્ષા માટે સૌરાષ્ટ્રના ગીર વિસ્તારને મહત્વનો પ્રદેશ ગણવામાં આવે છે. સરકાર દ્વારા લાયન સફારી પાર્ક વિકસાવવામાં આવ્યો છે. ત્યારે પોરબંદર નજીક આવેલા બરડા વિસ્તારને પણ સિંહોના બીજા ઘર તરીકે જાહેરાત કરવામાન આવી છે અને આગામી દિવસોમાં ત્યાં પણ સફારી શરૂ થશે અને બરડાનાં જંગલમાં સહેલાણીઓ સિંહ દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરવા તૈયારીઓ ચાલી રહી છે ત્યારે રાજકોટના જેતપુર સહીત રાજયમાં વધુ 8 જેટલા સિંહ સફારી પાર્ક બનાવવા દરખાસ્ત કરવામાં આવી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
નિષ્ણાંતોના મતે 2024માં સિંહોના નવા બે સફારી પાર્ક જુનાગઢ અને કચ્છમાં બનાવવા માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. કચ્છના નારાયણ સરોવર પાસે અને ગીર સોમનાથ જિલ્લાના ઉના નજીક લાયન સફારીને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા મંજૂરી આપવામાં આવી છે. બન્ને સફારી પાર્ક પાછળ કુલ રૂૂ. 100 કરોડનું ખર્ચ થઈ શકે છે.
ગીરમાં સાસણ, દેવળીયા, બરડા અને ધારી પાસેનું આંબરડી સિંહ સફારી છે. સરકાર આગામી સમયમાં રાજ્યમાં 12 સફારી પાર્ક બનાવવાનું આયોજન છે. કેન્દ્ર સરકાર અને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ કચ્છ, અમરેલી અને નર્મદા-કેવડિયા જિલ્લામાં નવા સફારી પાર્કને મંજુરી આપ્યા બાદ આગામી સમયમાં અંબાજી, વાસંદા, ગાંધીનગર, જેતપુર પાસે નવા સફારી પાર્ક બની શકે છે.
પ્રિન્સિપાલ ચીફ ક્ધઝર્વેટર નિત્યાનંદ શ્રીવાસ્તવ અને કચ્છના ચીફ ક્ધઝર્વેટર ઓફ ફોરેસ્ટ સંદીપકુમારના મત પ્રમાણે નારાયણ સરોવર પાસે 300 હેક્ટર જમીનમાં લાયન સફારી પાર્ક બનશે. પ્રવાસન અને સિંહ બ્રીડીંગ સેન્ટર માટેનો પ્રોજેક્ટ છે. દીવ નજીક ઉના એ ગીર જંગલને અડીને આવેલો વિસ્તાર છે. અહીં લાયન સફારી બનશે. ઉના તાલુકાના નલિયા-માંડવી દીવથી 8 કીમી થાય છે. જેની 9 મહિના અગાઉ જાહેરાત થઈ ચૂકી છે. બન્ને સફારી પાર્ક જંગલ ખાતાની 400-400 હેકટર જમીન પર બનાવવામાં આવશે. સર્વોચ્ચ અદાલતમાં દરખાસ્ત કરાશે. જંગલની જમીનમાં ઝૂ કે સફારી પાર્ક બનાવવા માટે અદાલતની પરવાનગી અનિવાર્ય છે.
હાલ જૂનાગઢ અને અમરેલી ગીરમાં બે સફારી પાર્ક છે. સકકરબાગ ઝૂ બ્રિડીંગ, દેવળીયા સફારી પાર્ક, આંબરડી સફારી પાર્ક છે. રાજકોટ પાસે બ્રિડીંગ સેન્ટર છે. રાજકોટમાં રાંદરડા નર્સરી નજીક 28 હેક્ટરમાં સફારી પાર્ક બની રહ્યો છે. અમરેલીના ધારીથી 7 કિલોમીટર દૂર ગીરના આંબરડીમાં ગુજરાતનો બીજો સફારી પાર્ક 4000 હેક્ટરમાં ફેલાયેલો છે. રાજકોટમાં લાલપરી-રાંદરડા તળાવના ઝૂની પાસે 28 હેક્ટરમાં રૂૂ. 30 કરોડના ખર્ચે લાયન સફારી બનાવવા ઝૂ ઓથોરિટીએ અગાઉ મંજુરી રાજકોટ મહાપાલિકાને આપી છે. ફેન્સીંગ વોલના કામો થયા છે. હવે ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે. રાજકોટમાં સિંહોનું ઉછેર કેન્દ્ર (બ્રીડીંગ સેન્ટર) છે. અહીં 50થી વધુ સિંહોનો જન્મ થયો છે. ઝૂમાં 12 સિંહો છે.
6 વર્ષમાં સિંહની વસ્તીમાં 30 ટકાનો વધારો
2015માં 511 સિંહ હતા. 2020માં પૂનમ અવલોકનની ગણતરીમાં 674 જેટલા સિંહ હતા. 2022માં 736 સિંહ હતા. 2024 સુધીમાં સિંહોની વસ્તી 850 થવાની સંભાવના છે.
1412 ચો.કિ.મી. ગીર જંગલ છોડી સિંહ બહાર આવ્યા
1,412 ચો.કી.મી. ગીર જંગલ છોડીને સિંહ બહાર આવી રહ્યા છે. પોરબંદર, રાજકોટ,ગોંડલ, ચોટીલા સુધી આવી જાય છે. તેથી એશિયાટિક સિંહ સૌરાષ્ટ્રના ગીર જંગલ બહાર અન્ય વિસ્તારોમાં વસાવાઈ રહ્યા છે. 7 જિલ્લામાં સિંહ આવી ગયા છે. ગીર અભયારણ્યની બહાર 400 જેટલા સિંહ હોવાનું અનુમાન છે. ગીરમાં વૃક્ષો વધી જતાં તેઓ બહાર આવે છે. તેથી ભાવનગર પાસે શેત્રુંજી નદીના કાંઠાના કેટલાક ભાગને અભ્યારણ તરીકે જાહેર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.