Site icon Gujarat Mirror

વેરાવળ નજીક ટ્રક વીજ થાંભલા સાથે અથડાતા વીજ પુરવઠો ઠપ

વેરાવળ તાલુકાના રામપરા ગામમાં ખેડૂતો એ ખાનગી સિમેન્ટ કંપની ના ટ્રકોને રોકી દીધા હતા. એક ટ્રક વીજ પોલ સાથે અથડાતા વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો, જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
આ અંગે ખેડૂતોના જણાવ્યા અનુસાર સવારે એક ટ્રક ચાલકે બેફામ ગતિએ ટ્રક ચલાવી હતી, જે ખેડૂતો ની વીજ લાઇન ના પોલ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં વીજ પોલ જમીનદોસ્ત થતા સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. વીજળી ગુલ થવાથી સિંચાઈ અને દૈનિક કામકાજ પર સીધી અસર પડી હતી. વીજળી બંધ થતાં રોષે ભરાયેલા ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને કંપની નું રો મટીરીયલ લઈ જતા ટ્રકને રોકી દીધા હતા. આશરે 150 થી વધુ ટ્રકોની અવરજવર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ હતી, જેના કારણે રસ્તા પર ટ્રકની લાંબી કતારો લાગી હતી.

રામપરા ના સ્થાનિક પ્રવીણભાઈ રાઠોડ અને રાજેશભાઇ બાંભણિયાએ જણાવ્યું હતું કે, કંપની ના બેફામ ડમ્પરો ને કારણે ગામલોકો લાંબા સમયથી પરેશાન છે. ભારે વાહનોની અવરજવરથી રસ્તા ખરાબ થયા છે અને વારંવાર જોખમી પરિસ્થિતિ સર્જાય છે. તેમણે કંપની તરફથી યોગ્ય વળતર આપવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કડક પગલાં લેવાની માંગ કરી હતી. આ અંગેની જાણ થતાં સ્થાનિક તંત્ર અને વીજ વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને વીજ પુરવઠો પુન સ્થાપિત કરવાની કામગીરી હાથ ધરી હતી. ખેડૂતો દ્વારા ટ્રકોને રોકવાની કાર્યવાહી દરમિયાન પરિસ્થિતિ તંગ બની હતી, પરંતુ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ પણ તૈનાત કરવામાં આવી હતી. આ બનાવે ગામમાં ભારે ચર્ચા જગાવી છે અને કંપની સામે ખેડૂતોનો રોષ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે.

Exit mobile version