ભાજપ હાઇકમાન્ડની એન્ટ્રી બાદ નર્મદા જિલ્લામાં રાજકીય ડ્રામાનો અંત

નર્મદા જિલ્લા ભાજપમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલો આંતરિક વિવાદ અને રાજકીય ખેંચતાણનો આખરે સુખદ અંત આવ્યો છે. જિલ્લા સંગઠનમાં ઊભા થયેલા મતભેદો અને જાહેરમાં…

નર્મદા જિલ્લા ભાજપમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલો આંતરિક વિવાદ અને રાજકીય ખેંચતાણનો આખરે સુખદ અંત આવ્યો છે. જિલ્લા સંગઠનમાં ઊભા થયેલા મતભેદો અને જાહેરમાં સામે આવેલા આક્ષેપ-પ્રત્યાઆક્ષેપો બાદ મામલો ગાંધીનગર સ્થિત ભાજપના પ્રદેશ કાર્યાલય સુધી પહોંચ્યો હતો. પ્રદેશ નેતૃત્વે સીધી દરમિયાનગીરી કરીને પક્ષના બંને અગ્રણી નેતાઓને એક મંચ પર લાવ્યા અને લાંબી ચર્ચા બાદ વિવાદનો અંત લાવવામાં સફળતા મેળવી છે.

છેલ્લા કેટલાક દિવસોથી નર્મદા ભાજપમાં સર્જાયેલા મતભેદો રાજ્યના રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યા હતા. નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબહેન દેશમુખના કથિત અપમાનનો મુદ્દો માત્ર સ્થાનિક સંગઠન પૂરતો સીમિત રહ્યો ન હતો, પરંતુ તે સાંસદ મનસુખ વસાવા અને જિલ્લા સંગઠન વચ્ચેના ટકરાવમાં ફેરવાઈ ગયો હતો. પરિસ્થિતિ એવી બની હતી કે રાજીનામા, આંદોલન અને જાહેર વિરોધ સુધીની ચર્ચાઓ શરૂૂ થઈ ગઈ હતી.મામલો સતત વણસી રહ્યો હોવાના સંકેતો મળતા ભાજપ પ્રદેશ નેતૃત્વે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાનો નિર્ણય લીધો હતો. બે દિવસ પહેલાં યોજાયેલી બેઠકમાં નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબહેન દેશમુખ, ભરૂૂચ-નર્મદાના સાંસદ મનસુખ વસાવા, જિલ્લા ભાજપના હોદ્દેદારો તેમજ અન્ય આગેવાનો હાજર રહ્યા હતા. પ્રદેશના વરિષ્ઠ નેતાઓની ઉપસ્થિતિમાં બંધ બારણે લાંબી ચર્ચા કરવામાં આવી હતી.

બેઠક પૂર્ણ થયા બાદ સાંસદ મનસુખ વસાવાએ મીડિયાને જણાવ્યું કે તમામ મુદ્દાઓ અંગે પ્રદેશ નેતૃત્વ સમક્ષ પુરાવા સાથે રજૂઆત કરવામાં આવી હતી. તેમણે ભારપૂર્વક કહ્યું કે ભારતીય જનતા પાર્ટી એક પરિવારની જેમ કાર્ય કરતી સંસ્થા છે અને પરિવારમાં ક્યારેક નાના-મોટા મતભેદો થવું સ્વાભાવિક છે. તેમણે જણાવ્યું કે, પ્રદેશના મોવડીમંડળે તમામ પક્ષોની વાત ધીરજપૂર્વક સાંભળી છે અને યોગ્ય માર્ગદર્શન આપ્યું છે. આંતરિક મતભેદો જાહેરમાં આવવાથી કાર્યકરો અને પક્ષ બંનેને નુકસાન થતું હોય છે, તેથી હવે સૌએ મળીને આગળ વધવાનો નિર્ણય કર્યો છે.’