વાંકાનેરના વિનયગઢમાં ખનીજ માફિયાઓ પર ત્રાટકી પોલીસ: 1.65 કરોડનો મુદ્દામાલ જપ્ત

ગેરકાયદેસર ખનન સામે પોલીસની લાલ આંખ,ખનીજ ચોરીમાં સંડોવાયેલા શખ્સ સામે કાર્યવાહી રાજકોટ રેન્જ આઈ.જી.પી. નિર્લિપ્ત રાય અને મોરબી પોલીસ અધિક્ષક એમ.એન. પટેલની કડક સૂચના બાદ…

ગેરકાયદેસર ખનન સામે પોલીસની લાલ આંખ,ખનીજ ચોરીમાં સંડોવાયેલા શખ્સ સામે કાર્યવાહી

રાજકોટ રેન્જ આઈ.જી.પી. નિર્લિપ્ત રાય અને મોરબી પોલીસ અધિક્ષક એમ.એન. પટેલની કડક સૂચના બાદ વાંકાનેર તાલુકા પોલીસ એક્શન મોડમાં આવી છે. વાંકાનેરના વિનયગઢ ગામની ઝમુરી સીમ વિસ્તારમાં ડુંગર પાસે લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદેસર ખનીજ ખનન પર પોલીસે દરોડો પાડીને મોટી સફળતા મેળવી છે. પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી. પટેલ અને તેમની સર્વેલન્સ ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ખનીજ ચોરીમાં સંડોવાયેલા સ્થાનિક શખ્સ હરેશભાઇ જગાભાઇ ડોડા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂૂ કરવામાં આવી છે.

આ દરોડા દરમિયાન પોલીસ અને ખાણ ખનીજ વિભાગની સંયુક્ત ટીમે સ્થળ પરથી કુલ 1 કરોડ 65 લાખ રૂૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કબ્જે લેવામાં આવેલા વાહનોમાં પાંચ અદ્યતન ડમ્પર અને એક જે.સી.બી મશીનનો સમાવેશ થાય છે. જેમાં ટાટા કંપનીનું એક ડમ્પર અને અશોક લેલેન્ડ કંપનીના ચાર ડમ્પરોનો સમાવેશ થાય છે, જે દરેકની કિંમત અંદાજે 30 લાખ રૂૂપિયા આંકવામાં આવી છે. આ ઉપરાંત, 15 લાખની કિંમતનું પીળા કલરનું ’બુલ’ કંપનીનું એક્સેવેટર જે.સી.બી પણ કબ્જે કરી લેવામાં આવ્યું છે.

પોલીસની આ રેઇડ બાદ મોરબી ખાણ ખનીજ વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી, જેના પગલે રોયલ્ટી ઇન્સ્પેક્ટર સહિતની ટીમે સ્થળ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સરકારી ખરાબાની જમીનનું ખોદકામ કરતા જે.સી.બી ડ્રાઈવરની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી હતી. આ ખનીજ ચોરી કેટલા સમયથી ચાલતી હતી અને ચોરી કરેલું ખનીજ કયા સ્થળોએ સપ્લાય કરવામાં આવતું હતું તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા ખોદકામ કરેલી જગ્યાની માપણી અને રોજકામ કરી નિયમો મુજબ ભારે દંડ વસૂલવાની પ્રક્રિયા પણ હાથ ધરી છે.

આ સમગ્ર સફળ કામગીરીમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ. બી.વી. પટેલ, પી.એસ.આઈ. ડી.વી. ખાંભલા તથા સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ જોડાયા હતા. ગેરકાયદેસર રીતે કુદરતી સંપત્તિનું નુકસાન કરતા તત્વો સામે આ કાર્યવાહીથી પંથકના ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. આગામી દિવસોમાં પણ આ પ્રકારની પ્રવૃત્તિઓને ડામવા માટે પોલીસ દ્વારા સખત પેટ્રોલીંગ અને તપાસ ચાલુ રાખવામાં આવશે તેવો સંકેત આપવામાં આવ્યો છે.