પોલીસ દ્વારા દારૂનું નવું ભાવપત્રક જાહેર, જપ્ત કરેલ એક બોટલની કિંમત 1400થી 3000 ગણાશે

દારૂની બોટલ અને બિયર માટે હવે નવા ભાવપત્રક મુજબ મુદ્દામાલમાં કબજે વખતે કિંમત આંકવામાં આવશે 1 એપ્રિલથી 31 માર્ચ 2027 સુધી નવું ભાવ પત્રક અમલમાં…

દારૂની બોટલ અને બિયર માટે હવે નવા ભાવપત્રક મુજબ મુદ્દામાલમાં કબજે વખતે કિંમત આંકવામાં આવશે

1 એપ્રિલથી 31 માર્ચ 2027 સુધી નવું ભાવ પત્રક અમલમાં રહેશે

ગુજરાત રાજ્યમાં દારૂબંધીના કાયદાના કડક અમલ અને પોલીસ કાર્યવાહી દરમિયાન પકડાતા વિદેશી દારૂના મુદ્દામાલની કિંમત આંકવાની પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ડીજીપી અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરી ગાંધીનગર દ્વારા વર્ષ 2026-2027 માટે વિદેશી દારૂનું નવું ભાવપત્રક સત્તાવાર રીતે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ નવા દરો 1લી એપ્રિલ 2026થી અમલી બની ગયા છે અને 31 માર્ચ 2027 સુધી અમલમાં રહેશે.હવે એક બોટલ વિદેશી દારૂની કીમત 1400 થી 3000 સુધી આંકવામાં આવશે.

રાજ્યમાં જ્યારે પણ પોલીસ દ્વારા ગેરકાયદેસર દારૂનો જથ્થો પકડવામાં આવે છે, ત્યારે તેની બજાર કિંમત નક્કી કરવી કાયદાકીય પ્રક્રિયા માટે અનિવાર્ય હોય છે. આ કિંમત નક્કી કરવા માટે ગૃહ વિભાગના 13 જુલાઈ 2023ના ઠરાવ અન્વયે એક ખાસ સમિતિની રચના કરવામાં આવી હતી. સંયુક્ત સચિવ (કાયદો અને વ્યવસ્થા) ના અધ્યક્ષપદે મળેલી આ સમિતિની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, દર વર્ષે બજારની વાસ્તવિક વધ-ઘટને ધ્યાને રાખીને નવા ભાવ નક્કી કરવામાં આવે છે. નશાબંધી અને આબકારી નિયામક કચેરીના પરામર્શમાં રહીને તૈયાર કરાયેલું આ ભાવપત્રક મુખ્યત્વે 31 માર્ચની સ્થિતિએ વિવિધ બ્રાન્ડની ખરીદીની કિંમતો પર આધારિત છે.

નવા ભાવપત્રકમાં 100 પાઇપર્સ, એબ્સોલ્યુટ વોડકા અને બ્લેક ડોગ જેવી પ્રખ્યાત બ્રાન્ડ્સની કિંમતોમાં ફેરફાર જોવા મળ્યો છે. નશાબંધી વિભાગ દ્વારા પ્રમાણિત કરાયેલા 750 મિલીની બોટલના ભાવોમાં વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, અતિ મોંઘી ગણાતી બ્રાન્ડ્સમાં બ્લુ લેબલ વ્હિસ્કીના 750 મિલીના ભાવ 20,060.61 રૂપિયા અને સિવાસ રીગલ 25 વર્ષ જૂની વ્હિસ્કીના ભાવ 27,733.33 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. ભાવપત્રકમાં માત્ર સ્પીરીટ જ નહીં, પરંતુ વાઇન અને બિયરના ભાવોનો પણ વિગતવાર સમાવેશ કરવામાં આવ્યો છે.

કાયદો અને વ્યવસ્થાના પોલીસ મહાનિરીક્ષક મકરંદ ચૌહાણ દ્વારા રાજ્યના તમામ પોલીસ કમિશનરો, રેન્જ વડાઓ અને જિલ્લા પોલીસ અધિક્ષકોને આ ભાવપત્રકની કડક અમલવારી માટે આદેશો જારી કરવામાં આવ્યા છે. હવેથી રાજ્યમાં કોઈપણ સ્થળે પકડાતા દારૂના જથ્થાની કિંમત આ નવા દર પત્રક મુજબ જ ગણવાની રહેશે.

આ આદેશની નકલો સી.આઈ.ડી. ક્રાઈમ, એ.ટી.એસ. અને સ્ટેટ મોનિટરિંગ સેલ જેવી અગત્યની એજન્સીઓને પણ મોકલવામાં આવી છે, જેથી સમગ્ર રાજ્યમાં એકસમાન કિંમત નિર્ધારણ પ્રક્રિયા જળવાઈ રહે. નશાબંધી અને આબકારી વિભાગના નોડલ ઓફિસર અમિતા વી. દ્વારા આ ભાવપત્રકને ડિજિટલી પ્રમાણિત કરવામાં આવ્યું છે. આ નવા ભાવપત્રકના અમલથી ગેરકાયદેસર દારૂના કેસોમાં મુદ્દામાલની કિંમત આંકવામાં આવતી મુશ્કેલીઓ દૂર થશે અને ન્યાયિક પ્રક્રિયામાં પણ ચોકસાઈ આવશે.

પોલીસ દ્વારા જાહેર કરાયેલ દારૂનું નવું ભાવપત્રક
100 પાઇપર્સ સ્કોચ વ્હિસ્કી: 1474.51 રૂપિયા
એબ્સોલ્યુટ વોડકા (તમામ ફ્લેવર્સ): 1497.73 રૂપિયા
બ્લેક એન્ડ વ્હાઇટ બ્લેન્ડેડ સ્કોચ: 1777.54 રૂપિયા
બ્લેક ડોગ સેન્ટેનરી સ્કોચ વ્હિસ્કી: 1535.11 રૂપિયા
અમૃત ફ્યુઝન સિંગલ માલ્ટ વ્હિસ્કી: 4080.57 રૂપિયા
એન્ટિક્વિટી બ્લુ અલ્ટ્રા પ્રીમિયમ: 1050.27 રૂપિયા
બેકાર્ડી કાર્ટા બ્લાન્કા સુપિરિયર વ્હાઇટ રમ: 1110.87 રૂપિયા
સિવાસ રીગલ 12 વર્ષ જૂની વ્હિસ્કી: 2984.85 રૂપિયા