Site icon Gujarat Mirror

ભુજમાં શિકારી ઝડપાયો, 30થી વધુ હથિયાર અને પ્રાણીના અવશેષ કબજે

ભુજ શહેરના એરપોર્ટ નજીક આશાપુરાનગરમાં પશ્ચિમ કચ્છ વનવિભાગની ટીમે દરોડો પાડીને 30થી વધુ હથિયાર સહીત વન્યપ્રાણીઓના અવશેષો જપ્ત કરી ધાક બેસાડતી કાર્યવાહી કરી હતી, જો કે દેશી દારૂૂ પણ મળી આવતા પોલીસ પણ દોડતી થઇ હતી અને કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

સીસીએફ ડો.સંદીપ કુમાર અને ડીસીએફ હર્ષ ઠક્કરના સીધા માર્ગદર્શનમાં કડક કાર્યવાહી હાથ ધરાઈ હતી. બાતમીના આધારે મધરાત્રે ટુકડી ત્રાટકતા આરોપી સુરેશ દિલીપભાઈ કસવીયાના (કોલી) આશાપુરાનગરના રહેણાકની તપાસ કરતા એરગન, કુહાડી, ચપ્પુ, છરી સહીત 30થી વધુ હથિયારો અને શિકાર કરાયેલાં શાહુડી (અનુસૂચિ-1) અને જંગલી સૂવર (અનુસૂચિ-2) સહીત પ્રાણીઓના દાંત, જડબાં અને અવશેષો મળી આવતા ચકચાર મચી ગઈ હતી.

નલિયામાં શિકાર મુદ્દે કડક કાર્યવાહી માટે જાણીતા રેન્જ ફોરેસ્ટ ઓફિસર એ.એચ. સોલંકી પાસે હાલ ભુજ પશ્ચિમ રેન્જના આરએફઓનો ચાર્જ છે, બાતમીના આધારે વનપાલ અને વનરક્ષક સહીત 14 કર્મચારીઓની ટીમ બનાવી દરોડો પાડ્યો હતો. આરોપીના ઘરમાં તલાશ દરમ્યાન પેટી પલંગની તલાશી લેતા ઉચ્ચ ગુણવતાની બે એરગન સહીત નાનાં-મોટાં ચાકુ, છરી, ભાલા, કુહાડી, ટોર્ચ સહીત શિકારમાં ઉપયોગમાં લેવાયેલા 30થી વધુ હથિયારો અને વિવિધ ઉપયોગી સાધનો મળી આવ્યાં હતા, આ સાથે વન્ય જીવોના અંગોના અવશેષો મળી આવ્યાં હતા.

જો કે આ કેસ વન્યજીવને મારી અને તસ્કરીનો નથી જે સામાન્ય રીતે વિશ્વમાં બનતું હોય છે. પરંતુ, રાજાશાહી વખતે જે રીતે વન્યપ્રાણીનો શિકાર કરી અને તેના અવશેષ શોખ માટે સાચવી રાખવમાં આવતા તે પ્રકારની મોડ્સ ઓપરેન્ડી નોંધાઈ હતી.

વનવિભાગે દરોડો પાડી પોલીસને જાણ કરી હતી. ભુજ શહેર એ ડિવિઝન પોલીસે આરોપી સુરેશ વિરુદ્ધ પ્રોહીબીશનનો ગુન્હો દાખલ કર્યો હતો. 15 હજારનો 75 લિટર દેશી દારૂૂ અને 10 લિટર આથો સહિત મુદામાલ જપ્ત કરાયો હતો. વનવિભાગની તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપી સુરેશ કસવીયા શિકાર કરી મિજબાની માણી અને સૂવર અને શાહુડીના અવશેષો સાચવી રાખતો, તે તેનો શોખ હતો. સુરેશના કેસમાં તે જંગલમાં શિકાર કરતો નહીં પણ પલંગમાં શિકારના અવશેષ સાચવ્યા હોતા, આ નોંધપાત્ર કામગીરી શક્ય બની હતી.

Exit mobile version