રાષ્ટ્રીય
ઝડપની મઝા, મોતની સજા, 2023માં માર્ગ અકસ્માતમાં 1.73 લાખનાં મોત
દર ત્રણ મિનિટે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો, સૌથી વધુ મોત યુપીમાં, ગુજરાતમાં પણ પ્રમાણ વધ્યું
દેશમાં વર્ષ 2023માં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા અંગે આશ્ચર્યજનક આંકડા સામે આવ્યા છે. રાજ્યો દ્વારા કેન્દ્ર સરકારને આપવામાં આવેલા આંકડાઓ અનુસાર 2023માં માર્ગ અકસ્માતમાં કુલ 1.73 લાખ લોકોનાં મોત થયા છે. જેનો અર્થ થાય છે કે દરરોજ સરેરાશ 474 લોકોનાં મોત થયા છે અથવા દર ત્રણ મિનિટે એક વ્યકિતનું મોત થયું છે. મીડિયાના અહેવાલ મુજબ આ સંખ્યામાં એક વર્ષમાં મૃત્યુ પામેલા લોકોની મહત્તમ સંખ્યા છે. સરકારે જ્યારથી સમસ્યાની ગંભીરતા અને દુર્ઘટનાની પાછળના કારણોની સમીક્ષા કરવા માટે રાષ્ટ્રીય સ્તરે માર્ગ અકસ્માતના આંકડાઓ એકત્ર કરવાનું શરૂૂ કર્યુ છે ત્યારથી 2023માં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા અત્યાર સુધીની સૌથી વધુ છે.
આંકડા પરથી એ પણ જાણવા મળે છે કે માર્ગ અકસ્માતમાં ઘાયલ થનારાઓની સંખ્યા પણ સતત વધી રહી છે. 2023માં માર્ગ અકસ્માતમાં 4.63 લાખ લોકો ઘાયલ થયા હતાં. જે 2022ની સરખામણીમાં 4 ટકા વધારે છે. માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા પ્રકાશિત રિપોર્ટ અનુસાર 2022માં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા 1.68 લાખ હતી. જ્યારે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો (એનસીઆરબી) દ્વારા એકત્રિત આંકડાઓ અનુસાર અકસ્માતમાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 1.71 લાખ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, પંજાબ, આસામ અને તેલંગણા સહિત ઓછામાં ઓછા 21 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 2022ની સરખામણીમાં માર્ગ અકસ્માતમાં વૃદ્ધિ નોંધવામાં આવી છે. જ્યારે આંધ્ર પ્રદેશ, બિહાર, દિલ્હી, કેરળ અને ચંડીગઢ જેવા રાજ્યોમાં મૃત્યુ દરમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે.
તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 2023માં ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 23652 લોકોનાં મોત થયા છે. ત્યારબાદ તમિલનાડુમાં 18347, મહારાષ્ટ્રમાં 15366, મધ્ય પ્રદેશમાં 13798, કર્ણાટકમાં 12321 લોકોનાં મોત થયા હતાં.
2023માં માર્ગ અકસ્માતમાં સૌથી વધુ 72292 લોકો તમિલનાડુમાં ઘાયલ થયા હતાં. મધ્ય પ્રદેશમાં 55769, કેરળમાં 54320 લોકો ઘાયલ થયા હતાં. 2023માં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો પૈકી 44 ટકા એટલે કે 76000 લોકો દ્વિચક્રી વાહનો પર સવાર હતાં. 2023માં મૃત્યુ પામેલા દ્વિચક્રી વાહન સવારોમાં 70 ટકાએ હેલમેટ પહેર્યા ન હતાં.